Indore: વર્લ્ડ કપ રમવા આવેલી બે ઓસ્ટ્રેલિયન મહિલાઓની થઈ છેડતી; પોલીસે કરી આરોપીની ધરપકડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ (Women’s World Cup 2025) માટેની ક્રિકેટ મેચો ઇન્દોર (Indore) ના હોલકર સ્ટેડિયમ (Holkar Stadium) માં યોજાઈ રહી છે. ઓસ્ટ્રેલિયા (Australia) અને દક્ષિણ આફ્રિકા (South Africa) ની ટીમો અત્યારે ઇન્દોરમાં છે ત્યારે બે ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીઓની છેડતી થઈ છે.
ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાની ટીમો મહિલા વર્લ્ડ કપ ૨૦૨૫ની આગામી મેચ માટે ઇન્દોર પહોંચી ગઈ છે. મહિલા ખેલાડીઓ ઇન્દોરની રેડિસન હોટેલ (Radisson Hotel) માં રોકાઈ છે. ત્યારે હોટેલથી કૅફે જતી વખતે બે ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીઓને કથિત રીતે હેરાન કરવામાં આવી હતી અને અયોગ્ય રીતે સ્પર્શ કરવામાં (Australian cricketers stalked and molested in Indore) આવ્યો હતો.
ADVERTISEMENT
આ કેસમાં પોલીસે એક શંકાસ્પદ વ્યક્તિની ધરપકડ કરી છે. તે બાઇક ચલાવી રહ્યો હતો. બે મહિલા ખેલાડીઓ હોટલથી અડધો કિલોમીટર દૂર એક કૅફે તરફ ચાલીને જઈ રહી હતી. તે દરમિયાન બાઇકરે તેમને સ્પર્શ કર્યો. ગભરાયેલી મહિલા ખેલાડીઓએ તેમના સુરક્ષા અધિકારીને જાણ કરી. જ્યારે આ સમાચાર પોલીસને પહોંચ્યા, ત્યારે છ પોલીસ સ્ટેશનોને એલર્ટ કરવામાં આવ્યા. પોલીસે આ કેસમાં આઝાદ નગરના રહેવાસી અકીલની ધરપકડ કરી છે.
સબ-ઇન્સ્પેક્ટર નિધિ રઘુવંશીએ જણાવ્યું હતું કે, બંને ક્રિકેટરો તેમની હોટલમાંથી બહાર નીકળીને એક કૅફે તરફ જઈ રહ્યા હતા. ત્યારે મોટરસાઇકલ પર એક વ્યક્તિ તેમનો પીછો કરવા લાગ્યો. તેણે કથિત રીતે તેમને અયોગ્ય રીતે સ્પર્શ કર્યો અને ભાગી ગયો. બંનેએ તેમના ટીમ સુરક્ષા અધિકારી, ડેની સિમોન્સ (Danny Simmons) નો સંપર્ક કર્યો, જેમણે સ્થાનિક સુરક્ષા સંપર્ક અધિકારીઓ સાથે સંકલન કર્યું અને મદદ માટે વાહન મોકલ્યું.
આ દરમિયાન જ્યારે છેડતી કરનારે મહિલા ખેલાડીઓને હેરાન કર્યા, ત્યારે એક રાહદારીએ બાઇકરનો નંબર નોંધી રાખ્યો. બીજા કાર ચાલકે પોલીસ કંટ્રોલ રૂમને આ ઘટનાની જાણ કરી. ત્યારબાદ ઇન્દોર પોલીસ (Indore Police) અધિકારીઓ સક્રિય થયા. આ કેસમાં ઇન્ટલિજન્સ ચૂક થઈ હતી. હોટલની આસપાસ પૂરતી સુરક્ષા ગોઠવવામાં આવી ન હતી.
બે ઓસ્ટ્રેલિયન મહિલા ખેલાડીઓ સાથે છેડતીની ઘટના સામે આવ્યા બાદ પોલીસ અધિકારીઓ એલર્ટ થઈ ગયા. રૂટની આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજની સમીક્ષા કરવામાં આવી. બંને મહિલા ક્રિકેટરોએ આરોપીને ઓળખી કાઢ્યો. ત્યારબાદ બાઇક નંબરના આધારે શોધખોળ શરૂ કરવામાં આવી. સાંજ સુધીમાં, પોલીસે તેની કુંડળી મેળવીને તેની ધરપકડ કરી લીધી હતી. આરોપી અકીલ પર ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે વધુ તપાસ ચાલી રહી છે.
ક્રિકેટ બોર્ડ અને વહીવટીતંત્રને પણ આ ઘટનાની જાણ કરવામાં આવી હતી. આ ઘટના બાદ, હોટેલ અને સ્ટેડિયમમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી.


