ઍક્ટિંગ ફીલ્ડમાં જવા ઇચ્છતાં સંતાનોને તેમનાં માતા-પિતા રોકતાં હોય છે, પણ મારા પેરન્ટ્સે તો મને રીતસરનો એમાં જવા માટે પુશ કર્યો છે...
હેમાંગ વ્યાસ
‘સ્કૅમ ૨૦૦૩: ધ તેલગી સ્ટોરી’, ‘બવાલ’ જેવી હિન્દી ફિલ્મો અને વેબ-સિરીઝ તેમ જ ગુજરાતી ફિલ્મો અને નાટકોમાં કામ કરનારા હેમાંગ વ્યાસ આપણને ક્યારેય મોટા પડદા પર જોવા ન મળ્યા હોત જો તેમના પપ્પાએ તેમને ઍક્ટર તરીકે કારકિર્દી બનાવવા માટે પ્રોત્સાહિત ન કર્યા હોત. નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામામાંથી ઍક્ટર તરીકે ઘડાયેલા હેમાંગની મેડિકલ રિપ્રેઝન્ટેટિવમાંથી ઍક્ટર બનવા સુધીની જર્ની રસપ્રદ છે
તમને ખબર છે?
ADVERTISEMENT
અહીં ઉલ્લેખનીય છે કે ફિલ્મો, નાટકો કે વેબસિરીઝમાં હેમાંગભાઈના નામની ક્રેડિટ તમે ‘વ્યાસ હેમાંગ’ તરીકે જોશો. આની પાછળનું કારણ માત્ર એટલું કે આ રીતે લખાયેલા નામનું ઉચ્ચારણ તેમને ગમે છે. ગુજરાતમાં સ્કૂલમાં ભણતા એ સમયથી શરૂ થયેલી નામ લખવાની આ પરંપરા તેમણે આજ સુધી અકબંધ રાખી છે.
ઍક્ટિંગ ફીલ્ડમાં જવા ઇચ્છતાં સંતાનોને તેમનાં માતા-પિતા રોકતાં હોય છે, પણ મારા પેરન્ટ્સે તો મને રીતસરનો એમાં જવા માટે પુશ કર્યો છે...
આ શબ્દો છે હેમાંગ વ્યાસના. એ જ હેમાંગ વ્યાસ કે જેણે ‘સ્કૅમ ૨૦૦૩: ધ તેલગી સ્ટોરી’માં કૌશલ ઝવેરીની ભૂમિકા ભજવી છે, જેમાં તેમનો આ ડાયલૉગ ‘લાઇફ મેં નીચે સે ઉપર છલાંગ મારની હો તો ડેરિંગ તો કરના પડેગાના ડાર્લિંગ’ લોકજીભે ચડી ગયેલો. એ સિવાય ‘બવાલ’ ફિલ્મનો પેલો ફ્લાઇટવાળો કૉમેડી સીન તમને યાદ છે જેમાં કલ્પેશ શાહનું પાત્ર ભજવતા હેમાંગ એક પછી એક ગુજરાતી નાસ્તા જેમ કે ચકરી, ઢોકળાં, ખટ્ટામીઠા, ખાખરા વરુણ ધવનને આપીને આગળ બીજા એક ભાઈને પાસ કરવાનું કહે છે અને એમાં ને એમાં વરુણ ધવન ખિજાઈ જાય છે. સોશ્યલ મીડિયા પર આ સીન ખૂબ વાઇરલ થયેલો અને કલ્પેશના પાત્રને લોકોએ ઘણું પસંદ કરેલું.
પપ્પાનો સપોર્ટ
જો એ દિવસે રાજેન્દ્રભાઈએ તેમના દીકરાની નોકરી છોડાવી ન હોત તો ક્યારેય આપણે હેમાંગ વ્યાસને મોટા પડદા પર અભિનય કરતાં જોઈ શક્યા ન હોત. આ સમગ્ર કિસ્સો શું હતો એ જણાવતાં હેમાંગ કહે છે, ‘BComનું ભણતર પૂરું કરી લીધા પછી મેં મેડિકલ રિપ્રેઝન્ટેટિવ તરીકે કામ કરવાનું શરૂ કરી દીધું હતું. એકાદ વર્ષ મેં એ જૉબ કરી હશે. એક દિવસની વાત છે કે હું બપોરે ઘરે આવ્યો એટલે મારા પપ્પાએ પૂછ્યું કે આપણા ઘરમાં ફાઇનૅન્શિયલી કોઈ પ્રૉબ્લેમ છે? પહોંચી વળાય એવું નથી? મેં કહ્યું કે ના, એવું તો કંઈ નથી. તો તેમણે કહ્યું કે શા માટે તું આ બધું કરી રહ્યો છે? એટલે મેં કહ્યું કે એક દિવસ તો કરવું જ પડશેને? તો તેમણે કહ્યું કે હા, પણ અત્યારે શું છે? સાંજ સુધીમાં મને તારું રેઝિગ્નેશન જોઈએ છે. એ સમયે મેં પપ્પાને એટલા ગંભીરતાથી ન લીધા. હું જમીને સૂઈ ગયો. હું જેવો ઊઠ્યો કે તેમણે પોતે મારું રાજીનામું ટાઇપ કરીને એની પ્રિન્ટ કાઢીને રાખી દીધી. એના પર તેમણે મારી સાઇન લીધી અને મારા બૉસને એ મોકલી દીધું. તેમણે મને એટલું જ કહ્યું કે અમારે જે કરવું હતું એ અમે તો નથી કરી શક્યા પણ તમારે જે કરવું હોય એ કરોને. આ વસ્તુમાં મારી મમ્મીનો પણ મને એટલો જ સપોર્ટ હતો.’
ઍક્ટર તરીકેનું ઘડતર
દેવાંગનો જન્મ અને ઉછેર જામનગરમાં જ થયેલા છે. કૉલેજ પત્યા પછી જૉબ શરૂ કરેલી પણ પિતાએ ગમતી વસ્તુ કરવા માટે કહ્યું અને હેમાંગે ઍક્ટિંગમાં કારકિર્દી ઘડવા માટે મુંબઈ તરફ પ્રયાણ કર્યું. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘સ્કૂલમાં કલ્ચરલ ઍક્ટિવિટીઝમાં ભાગ લેતો. કૉલેજની થિયેટર ઍક્ટિવિટીઝમાં ભાગ લેતો. ઓપન યુથ ફેસ્ટિવલમાં એકપાત્રી અભિનય કરતો. થિયેટર વર્કશૉપ્સમાં જતો. નાટકો કરતો. એટલે પપ્પાને ખબર હતી કે મને અભિનય કરવામાં રસ છે. બધાને એમ હોય કે કૉલેજ પતી ગઈ છે તો ચાલો કોઈ કામ કરીએ, ઘરની જવાબદારીઓ ઉપાડતા થઈએ. એટલે એ વિચારીને મેં જૉબ કરવાનું શરૂ કરી દીધેલું. એ પછી પપ્પાના કહેવા પર ઍક્ટિંગમાં આગળ વધવાનું નક્કી કર્યું. મેં નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા (NSD)માં ઍડ્મિશન લેવાનું નક્કી કર્યું. ઍડ્મિશન પ્રોસેસ બે રાઉન્ડમાં હોય. એક રાઉન્ડમાં સિલેક્શન થઈ ગયું, પણ ફાઇનલ સિલેક્શન ન થયું. એટલે પછી મેં મુંબઈ યુનિવર્સિટીમાંથી થિયેટર આર્ટ્સમાં માસ્ટર્સની ડિગ્રી મેળવી. એ પૂરું થયા પછી મેં ફરી NSDમાં અપ્લાય કર્યું અને આ વખતે મારું સિલેક્શન થઈ ગયું. મેં ત્યાંથી ઍક્ટિંગમાં સ્પેશ્યલાઇઝેશન કરેલું.’
જલદી ફાઇવ
- ફિલોસૉફી - ઍક્શન સ્પીક્સ લાઉડર ધૅન વર્ડ્સ.
- બકેટ લિસ્ટ - બહુ જ બધું ફરવું છે, પણ સમય નથી મળી શકતો. લકીલી મેં મોટા ભાગનું યુરોપ ફરી લીધું છે. ટર્કી અને રોમ જવું છે. હવે જોઈએ ક્યારે મુરત આવે છે.
- હૉબી - ક્રિકેટ, મ્યુઝિક અને ટ્રાવેલિંગ.
- ફ્યુચર પ્લાન - એક સારી વ્યક્તિ અને સારા કલાકાર બનવું.
- અફસોસ – ના, અત્યાર સુધી તો નથી.
અંગત જીવન
હેમાંગના પરિવારમાં પિતા છે જેઓ ગુજરાત ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કમ્પ્યુટર પ્રોગ્રામર હતા. તેમનાં મમ્મી ઉર્વશી ગૃહિણી છે. હેમાંગને એક મોટી બહેન રિદ્ધિ છે જે એક કૉર્પોરેટ કંપનીમાં જૉબ કરે છે. હેમાંગ હજી સિંગલ છે અને તેમના જીવનમાં લાઇફ-પાર્ટનરની હજી એન્ટ્રી થઈ નથી. તેમને કેવી જીવનસંગિની જોઈએ છે? એનો જવાબ આપતાં તેઓ કહે છે, ‘મેં એવું વિચાર્યું નથી કે મને કેવી લાઇફ-પાર્ટનર જોઈએ છે. મારું માનવું છે કે આ વસ્તુની કોઈ નિશ્ચિત પરિભાષા ન હોવી જોઈએ. જો તમે કોઈને પરિભાષાના આધારે પસંદ કરો તો એ ગણિત બની જાય. પ્રેમ અને સંબંધ હંમેશાં સહજ રીતે બનવા જોઈએ.’

હેમાંગ વ્યાસ મમ્મી-પપ્પા સાથે.
નજીકના ભવિષ્યમાં લગ્ન કરવાના વિચાર વિશે તેઓ કહે છે, ‘અત્યારે તો કંઈ પણ કહેવું અઘરું છે. જોઈએ લાઇફ ક્યાં લઈ જાય છે.’
હેમાંગ તેમની મોટી બહેન સાથે ખૂબ સારો બૉન્ડ ધરાવે છે. તેના વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘જીવનના ઉતાર-ચઢાવમાં તેનો ખૂબ મોટો ઇમોશનલ સપોર્ટ મને રહ્યો છે. આપણે આપણા દિલની વાતો ફ્રેન્ડ્સ સાથે કાં તો જીવનસાથી સાથે કે પેરન્ટ્સ સાથે કરતા હોઈએ છીએ. ઘણી વસ્તુ એવી હોય જે આપણે માતા-પિતા સાથે શૅર ન કરી શકીએ, પણ એવા વખતે આપણાં સિબલિંગ્સ આપણી વાતને સમજતાં હોય છે. આપણે તેની સાથે ઊછર્યા હોઈએ છીએ, તે આપણે જે રીતે સમજી શકે એ રીતે કદાચ બીજું કોઈ ન સમજી શકે અને તે તમને જજ પણ કરતાં નથી.’

બહેન સાથે હેમાંગ.
કારકિર્દી-અનુભવો
હેમાંગ વ્યાસે ‘બવાલ’ સિવાય ‘હૅક્ડ’, ‘સંજુ’ ફિલ્મમાં કામ કર્યું છે. વેબ-સિરીઝની વાત કરીએ તો તેમણે `સ્કૅમ ૨૦૦૩: ધ તેલગી સ્ટોરી`, `બિસાત: ખેલ શતરંજ કા`માં કામ કર્યું છે. ગુજરાતી ફિલ્મ ‘૪૭ ધનસુખ ભવન’, ‘ચલ મન જીતવા જઈએ પાર્ટ ટૂ’માં પણ દેખાયા હતા. ‘ગુજરાત 11’ ફિલ્મના તેઓ રાઇટર અને ઍક્ટિંગ કોચ હતા. એ સિવાય `માધુરી દીક્ષિત’, ‘નાટકના નાટકનું નાટક’ વગેરે જેવાં ગુજરાતી નાટકોમાં કામ કર્યું છે. હાલમાં તેમના દ્વારા દિગ્દર્શિત અને અભિનીત `૧૭ કર્મા એસ્ટેટ` નાટક થિયેટરમાં ચાલી રહ્યું છે. ‘બવાલ’માં નિતેશ તિવારી અને `સ્કૅમ ૨૦૦૩: ધ તેલગી સ્ટોરી`માં હંસલ મહેતા સાથે કામ કરવાના અનુભવ વિશે વાત કરતાં હેમાંગ કહે છે, ‘મને એવા ડિરેક્ટર્સ પસંદ છે જેઓ તેમના કામને લઈને માઇન્ડથી ખૂબ જ ક્લિયર હોય. બાકી એવું ઘણી વાર થાય કે તમે સેટ પર જાઓ ને ત્યાં ડિરેક્ટરને જ ન ખબર હોય કે શું કરવું છે. આજનો સીન શું છે, સ્ક્રિપ્ટમાં શું છે? ડિરેક્ટર આવું બોલતા હોય બોલો. નિતેશ તિવારી અને હંસલ મહેતા એ રીતે ખૂબ ક્લિયર હોય કે તેમને શું જોઈએ છે? ઍક્ટર્સને ફ્રીડમ ગમતી હોય છે પણ એ ફ્રીડમમાં પણ ઍક્ટર્સને ક્યાં સુધી જવા દેવા એ બહુ ઓછા ડિરેક્ટર્સને ખબર હોય. ઘણા ડિરેક્ટર્સ એમ કહેતા હોય કે મને એ નથી ખબર કે મારે શું જોઈએ છે, પણ એટલી ખબર છે કે શું નથી જોઈતું. આ બહુ મોટી વાત છે. આનાથી તેઓ કોઈ ઍક્ટરને બાંધે પણ નહીં અને સાથે તેને એટલો પણ છૂટો ન મૂકી દે કે તે વહી જાય.’


