મોટા ભાગનાં માતા-પિતા બીજું સંતાન એટલે જ આ દુનિયામાં લાવે છે કે બન્ને સંતાનો જીવનભર એકબીજાની સપોર્ટ-સિસ્ટમ બનીને ઊભાં રહે.
પ્રતીકાત્મક તસવીર
સિબલિંગ્સની વચ્ચે સતત તકરાર, ઝઘડા, જીદ અને હુંસાતુંસી ચાલતી જ રહે છે. કોઈ કહેશે કે એ જ તો મજા છે, પણ એ મજા માતા-પિતા માટે ક્યારેક આકરી સજા બની જતી હોય છે. મોટા ભાગનાં માતા-પિતા બીજું સંતાન એટલે જ આ દુનિયામાં લાવે છે કે બન્ને સંતાનો જીવનભર એકબીજાની સપોર્ટ-સિસ્ટમ બનીને ઊભાં રહે. જોકે એ ત્યારે શક્ય છે જ્યારે માતા-પિતા નાનપણથી તેમની વચ્ચે પ્રેમને રોપે. આજે ઉકેલવાની કોશિશ કરીએ બે બાળકોની પરવરિશને લગતા કેટલાક જટિલ પ્રશ્નોને
ઍક્ટર સોનાક્ષી સિંહા હાલમાં તેના ભાઈ કુશ સિંહાની ડિરેક્ટ કરેલી ફિલ્મમાં લીડ રોલ નિભાવી રહી છે. થોડા સમય પહેલાં એક ઇન્ટરવ્યુમાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું ઘરની સૌથી નાની દીકરી એટલે ખૂબ જ લાડલી, જેને કારણે ભાઈઓને જલન તો થતી જ એટલે મને પડતી.’
ADVERTISEMENT
તે એવું કહેવા માગતી હતી મમ્મી-પપ્પા મને ખૂબ લાડ કરતાં એટલે તેના મોટા ભાઈઓ તેને ઈર્ષાને કારણે ઠપકારતા કે મારતા. દરેક ઘરમાં આવું થતું જોવા મળે જ છે. જે ઘરમાં બે બાળકો હોય ત્યાં ભલે એ બન્નેમાં પ્રેમ હોય, એકબીજા વગર ચાલતું ન હોય પણ છતાંય આ સીન નૉર્મલી જોવા મળે છે કે બન્ને એકબીજા માટે સતત ફરિયાદો કરતાં હોય, બન્ને એકબીજાને હેરાન કર્યા કરતાં હોય, બન્ને એકબીજાને મારી પણ લેતાં હોય અને કેટલીક વાર તો વર્તન એવું કરતાં હોય કે જાણે જન્મોજન્મના દુશ્મન હોય કે બાપે માર્યાં વેર હોય.
માતા-પિતા સૅન્ડવિચ
માતા-પિતા એક બાળકના જન્મ પછી બીજા બાળક માટે ફક્ત એટલે વિચારે છે કે જો બે બાળક હોય તો બન્ને જીવનભર એકબીજાની સપોર્ટ-સિસ્ટમ બનીને ઊભાં રહે, પણ આ અતૂટ બંધનનો પાયો નાનપણમાં જ રોપવો જરૂરી છે. ગેરસમજ, અસંતોષ, સતત રહેતી ફરિયાદો આ બન્નેના સંબંધને કાચો બનાવે છે. નાનપણમાં ક્યુટ લાગતા ઝઘડાઓ મોટા થઈને કોર્ટના ઝઘડાઓ સુધી ન પહોંચી જાય એનું ધ્યાન માતા-પિતાએ રાખવું જરૂરી છે. પણ મોટા ભાગે બે બાળકોનાં માતા-પિતા ત્રસ્ત હાલતમાં જોવા મળે છે, કારણ કે બન્ને બાળકો વચ્ચે માતા-પિતા સૅન્ડવિચ બની જતાં હોય છે. વળી તમને તો નાનો જ ગમે છે, મોટાને તો તમે કંઈ કહેતા નથી, તે જે બોલે તેને અપાવો છો તો મને કેમ નહીં, તેના માટે નવાં કપડાં ને મારે તેનાં જૂનાં પહેરવાનાં, મને નાના બાઉલમાં અને તેને મોટા બાઉલમાં પાસ્તા કેમ, તમે મને જ ખિજાઓ છો, તેને કેમ નહીં... આવી દિવસની કેટલીયે ફરિયાદો વચ્ચે પેરન્ટ્સ પિસાતા રહે છે. સતત બન્નેને સાબિત કરતા રહેવું પડે છે કે તમે બન્ને અમારા માટે સરખાં છો અને તમને બન્નેને અમે સરખો પ્રેમ કરીએ છીએ. આજે નિષ્ણાત પાસેથી જાણીએ કે ઘરમાં બે બાળકો હોય તો કેવા પ્રકારનું પેરન્ટિંગ હોવું જોઈએ. શું કરવું અને એની સાથે શું ન જ કરવું એ પણ સમજીએ.
પ્રતિયોગી નહીં, એકબીજાની પ્રેરણા
મોટા ભાગનાં ઘરોમાં જોવા મળે છે કે એક બાળક હોશિયાર હોય તો તેની સરખામણીમાં બીજું કદાચ ભણવામાં ઠીક હોય, એક ક્રિકેટ સારું રમતું હોય તો બીજાને ચેસમાં રસ હોય, એક આજ્ઞાકારી હોય તો બીજું બળવાખોર હોય, એક સમજુ હોય તો બીજું જિદ્દી હોય. આમ બન્ને એકબીજાથી અલગ જ હોવાનાં. એ વિશે વાત કરતાં પેરન્ટિંગ કોચ દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘પહેલો નિયમ એ છે કે માતા-પિતાએ બન્ને બાળકોની કોઈ દિવસ સરખામણી કરવી નહીં. બેનને ૯૦ ટકા આવ્યા અને તને ૬૮ કેમ? આવું કહેવાને બદલે તમે કહી શકો કે છેલ્લી એક્ઝામમાં તને ૬૦ ટકા જ આવ્યા હતા, આ વખતે ૬૮ આવ્યા એનો અર્થ એમ કે તેં મહેનત કરી છે, હજી મહેનત કર, તને કંઈ તકલીફ પડે તો બેન તારી મદદ કરશે, તને ખબર છે તે સાતમા ધોરણમાં હતી ત્યારે તેનું મૅથ્સ પણ કાચું હતું પણ તેણે મહેનત કરી તો તેને આવડી ગયું, તું ચિંતા નહીં કર, થઈ જશે બધું.’ આ રીતે કહેવાથી તમે બહેનને તેની પ્રતિસ્પર્ધી નથી બનાવી, તેના માટે પ્રેરણા બનાવી. માતા-પિતાનો અપ્રોચ યોગ્ય હોવો જરૂરી છે. સરખામણીથી બાજી બગડે છે. જે હોશિયાર છે તેનામાં ઘમંડ આવે છે અને જેના ઓછા માર્ક્સ આવ્યા છે તેને હીનતા અનુભવાય છે. આમ તમે જ બન્ને વચ્ચે ખીણ બનાવો છો. એના બદલે તમારે એ બન્ને વચ્ચેનો સેતુ બનવાનું છે.’
વખાણ કોનાં કરવાં?
મોટા ભાગના પેરન્ટ્સ સામે એ સમસ્યા આવે છે કે કોઈ એક બાળકે સારું કામ કર્યું હોય તો જેવાં તેનાં વખાણ કરીએ કે બીજું બાળક વીફરે છે કે તમને તો બસ, એ જ દેખાય છે; તમે બસ, તેનાં જ વખાણ કર્યા કરો છો. જોકે આવી વાતોથી બચવા જે બાળકે સારું કર્યું છે તેનાં વખાણ ન કરીએ તો લાગે કે માતા-પિતાને મારી કદર જ નથી. આ પરિસ્થિતિમાં શું કરવું એનો જવાબ આપતાં દીપ્તિ સાવલા ગાલા કહે છે, ‘વખાણ બાળકનાં નહીં કરો, તેણે જે કામ કર્યું છે એનાં કરો. બાળકને વખાણવાથી તેનો ઈગો વધે છે, પરંતુ કામને વખાણવાથી એ કામનું મહત્ત્વ વધે છે અને બીજા બાળકને લાગશે કે મારે પણ આવાં કામ કરવાં જેથી મમ્મી-પપ્પા મને પણ વખાણે. જેમ કે એક બાળક સારું ક્રિકેટ રમતું હોય તો તેને એમ ન કહેવું કે તું બેસ્ટ ક્રિકેટર છે. તેને કહેવું કે તું સવારે વહેલા ઊઠીને ૩ કલાક ક્રિકેટ રમે છે એ તારા ફોકસને જોઈને અમે ખૂબ ખુશ છીએ કે પછી પેલી મૅચમાં જે રીતે તેં શૉટ મારેલો, ખૂબ સુંદર; એમાં દેખાતું હતું કે તને ક્રિકેટ સમજાવા લાગ્યું છે. આ વખાણથી એક જુદો સંદેશ બન્ને બાળકો સુધી પહોંચશે.’
મારામારી કરે ત્યારે
ભાઈ-બહેન કે સિબલિંગમાં તો ઝઘડાઓ થાય, એમાં કશું ખોટું નથી એ હકીકત છે. એ વિશે સ્પષ્ટતા કરતાં પેરન્ટિંગ કોચ હરપ્રીત સિંહ કહે છે, ‘આ ઝઘડાઓ અને ટસલ તેમના સંબંધને વધુ ઘેરો બનાવે છે. તેમને તેમની રીતે તેમના સંબંધને ફૂલવા-ફાલવા દેવાની જગ્યા આપવી જરૂરી છે. જ્યાં સુધી કોઈ મોટી વસ્તુ ન બને ત્યાં સુધી પેરન્ટ્સે તેમની વચ્ચે પડવા જેવું નથી, પરંતુ જ્યારે એમ લાગે કે વસ્તુઓ હાથ બહાર જઈ રહી છે ત્યારે તેમણે વચ્ચે પડવું જરૂરી છે. ખાસ કરીને મારામારી કરે ત્યારે.’
જ્યારે બે બાળકો હોય અને બન્ને મારામારી કરતાં હોય ત્યારે તેમને શાંત પાડવા માતા-પિતા બન્નેને ખિજાઈ લે છે, એકાદને મારે છે, એકાદને વધુ ખિજાઈ લે છે અને બહુ-બહુ તો બન્નેને એકસાથે સજા આપે છે. જોકે ત્યારે શું કરવું જોઈએ એ વાત સમજાવતાં હરપ્રીત સિંહ કહે છે, ‘જ્યારે બે બાળકો મારામારી કરે ત્યારે જેને માર પડ્યો હોય તેને પેરન્ટ્સના પ્રોટેક્શનની જરૂર છે, પણ જેણે માર્યું હોય એ બાળકને પેરન્ટ્સના પ્રેમની જરૂર છે. સામાન્ય રીતે લોકો ઊંધું કરે છે. જેણે માર્યું હોય તેને માર પડે છે, ખીજ મળે છે, તેને ખોટો સાબિત કરી દેવા ઘરવાળા મથે છે; પણ થોડા ઊંડા ઊતરવાનું જરૂરી છે. એક માર હોય છે રિસ્પૉન્સ. મને ગુસ્સો આવ્યો અને મેં હાથ ઉપાડ્યો. આ પ્રકારનો માર હજી ઠીક છે. બાળકને પોતાના ભાઈ કે બહેન પર ગુસ્સો આવ્યો અને તેણે રીઍક્ટ કર્યું, પણ એક માર એવો હોય છે જેમાં નફરત હોય છે. પ્લાનિંગ સાથે બાળકને નુકસાન પહોંચાડવા બીજા બાળકે હાથ ઉગામ્યો હોય છે. એ પેરન્ટ્સને ખબર પડી જાય છે કે મારવા પાછળનું શું ધ્યેય હતું. મોટા ભાગે એક બાળકને એમ લાગે છે કે બીજા બાળકને કારણે તેનું કંઈ છીનવાઈ ગયું કે મમ્મી-પપ્પાનો પ્રેમ અને સમય હવે મને નથી મળતા એટલે તે ધૂંધવાતો હોય છે અને એથી મારે છે. આવા સમયે તમે તેને સમય આપો, પ્રેમ આપો, તેની સાથે રહો અને બાંહેધરી આપો તો સુધાર ચોક્કસ થશે. યાદ રાખો, બાળકને તમારા સમય અને પ્રેમ સિવાય બીજું કશું જોઈતું નથી. જ્યારે બન્ને બાળકોને તમે એ પૂરતા પ્રમાણમાં આપશો ત્યારે તકલીફ નહીં થાય.’
ધ્યાન રાખો
નાનું બાળક આવે એટલે મોટાને મોટું સમજી ન લેવું અને ઘોષિત તો બિલકુલ ન કરવું. એ બાળક જ છે. મોટા બાળકને બાળક રહેવા દ્યો, જેને લીધે તેને તેનું બાળપણ જીવવા મળે.
બન્ને બાળકો વચ્ચેનો બૉન્ડ બનાવવા માટે માતા-પિતા પહલેથી કોશિશ કરતાં હોય છે, જેમાં મા પ્રેગ્નન્ટ હોય ત્યારથી તે મોટા બાળકને નાના બાળક સાથે વાતો કરવાનું કહે છે. એ આવશે તો તું શું કરશે એવું પ્લાનિંગ કરે છે. આ નાની વસ્તુઓ મોટાં પરિણામો લાવે છે.
તમારાં બન્ને બાળકોમાં પ્રેમ રહે એ માટે તમે બધા એક પરિવાર છો એ સત્ય તેમના મનમાં રોપવું જરૂરી છે. પરિવારભાવના સ્થપાશે તો આપોઆપ એકબીજા માટે પ્રેમ અને સમય જતાં જવાબદારીનું ભાન રહેશે.
જ્યારે બાળક ફરિયાદ કરે કે તમે બીજાને તેના કરતાં વધુ મહત્ત્વ આપો છો ત્યારે તેને ગણાવો નહીં કે તમે તેના માટે શું-શું કર્યું છે. આ ગણતરી બાળકના મનની શંકા દૂર નહીં કરે. તમે ફક્ત તેને સમય આપો. તેના મનની ફરિયાદો ઓગળી જશે.

