૩૩ વર્ષથી એક જ ક્રમ હોય છતાં ક્યારેય તેણે મારી સામે છણકા નથી કર્યા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
મારો ફોન ચોવીસ કલાક માટે ચાલુ જ હોય છે. અડધી રાતે એક વાગ્યે પણ કોઈ પેશન્ટનો ફોન આવે અને જવું પડે તો હું તાતા કે વાડિયા હૉસ્પિટલ જતો હોઉં છું અને મારી વાઇફનો મને એમાં ફુલ સપોર્ટ હોય છે. બાર વર્ષ પહેલાં બધો જ કારોબાર દીકરાને સોંપીને હું સંપૂર્ણ સામાજિક પ્રવૃત્તિમાં મચી પડ્યો છું અને જે પણ કામ કરી રહ્યો છું એનું મોટા ભાગનું શ્રેય મારી પત્નીને જાય. ખરેખર જો એક જીવનસાથી સાચી રીતે તમને સાથ આપે તો તમે અનેકના જીવનમાં અજવાળું પાથરી શકો છો.
આજે પણ દરરોજ પાંચસો દરદીઓને તાતા હૉસ્પિટલની બહાર જ્યારે ભોજન આપવા માટે જતો હોઉં છું ત્યારે પત્નીનો સપોર્ટ હોય છે. ૩૩ વર્ષથી એક જ ક્રમ હોય છતાં ક્યારેય તેણે મારી સામે છણકા નથી કર્યા. તમે જુઓ તો ખબર પડે કે હૉસ્પિટલની બહાર કેવી ભીડ હોય છે. નાની ઉંમરનાં બાળકોમાં હવે કૅન્સરનું પ્રમાણ વધ્યું છે. આજે જોકે સરકારના પ્રયાસોથી સરકારી હૉસ્પિટલો પહેલાં કરતાં બહેતર બની છે એમાં કોઈ શંકા નથી. સરકારી હૉસ્પિટલના ડૉક્ટરો ખૂબ જ ખડેપગે રહીને દરદીઓને ચકાસે છે. હૉસ્પિટલમાં સ્વચ્છતા વધી છે. સરકારી હૉસ્પિટલનો સ્ટાફ વધુ જવાબદાર બન્યો છે. બીજી બાજુ મેડિકલમાં આર્થિક સહાયનું પ્રમાણ પણ વધ્યું છે. વધુ લોકો ડોનેશન આપી રહ્યા છે અને વધુ લોકો સુધી મદદ પહોંચી રહી છે. જોકે દરેક કાર્યને આગળ વધારવા માટે કાર્યકર્તાઓ જોઈએ અને મહેનત કરવા માટે પ્રેરિત કરી શકે એવા જીવનસાથી જોઈએ. એ બાબતમાં હું સમાજનાં કાર્યોમાં આટલો સમય આપી શકું છું એનું શ્રેય માત્ર ને માત્ર મારી જીવનસંગિનીને જાય છે. હું દરેક પત્નીને કહીશ કે જો તમારા પતિને સમાજ માટે કંઈક કરવાની ભાવના જાગતી હોય તો તેમને સપોર્ટ કરજો. સમાજના પીડિતોના આશીર્વાદ જ તમને અને તમારા પરિવારને ક્યાંય લઈ જશે. હું પોતાને આ કાર્ય માટે ઈશ્વરે મને પસંદ કર્યો એ બદલ ખરેખર સદ્ભાગી ગણું છું.
ADVERTISEMENT
- વીરેન્દ્ર ગડા (સરકારી હૉસ્પિટલોમાં સામાજિક કાર્યો સાથે સંકળાયેલા વીરેન્દ્ર ગડા ઉર્ફે વીરુભાઈ પોતાના ગામની સંસ્થા ઉપરાંત તરુણ મિત્ર મંડળમાં ઉપપ્રમુખ છે.)


