અમદાવાદમાં સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા ઘણે ઠેકાણે સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ શરૂ થઈ છે જ્યાં ઑર્ગેનિક તાજાં શાકભાજી, ફ્રૂટ્સ, ગોળ, મધ, મિલેટ્સ, કઠોળ, વિવિધ અનાજના લોટ
અમદાવાદમાં નવજીવન સંસ્થામાં રવિવારે ભરાતી ખેડૂત હાટમાં ઊમટી આવેલા લોકો.
અમદાવાદમાં સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા ઘણે ઠેકાણે સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ શરૂ થઈ છે જ્યાં ઑર્ગેનિક તાજાં શાકભાજી, ફ્રૂટ્સ, ગોળ, મધ, મિલેટ્સ, કઠોળ, વિવિધ અનાજના લોટ, દૂધ–ઘી, માખણ, છાશ લેવા માટે લોકો વહેલી સવારથી લગાવે છે લાઇન : આ ખેડૂત હાટમાં ખેતરમાંથી સીધી જ વસ્તુઓ પહોંચે છે ગ્રાહકોના હાથમાં
કોરોનાનો એ કપરો કાળ જતો રહ્યો. એ સમય દરમ્યાન ઘણીબધી મુશ્કેલીઓ સર્જાઈ પણ એની સાથોસાથ કંઈક એવું પણ બન્યું જેનાથી માણસોની જીવનશૈલી અને ખાનપાન બદલાયાં.
ADVERTISEMENT
ગુજરાતના પાટનગર ગાંધીનગરથી ૧૭ કિલોમીટર દૂર ગ્રામભારતી સંસ્થા છે જ્યાં હૉસ્ટેલમાં રહેતા અંદાજે ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે ઑર્ગેનિક પદ્ધતિથી જુદાં-જુદાં શાકભાજી ઉગાડવામાં આવ્યાં હતાં, પણ કોરોનાને કારણે હૉસ્ટેલ બંધ કરવી પડી એટલે ૭૫૦ જેટલા વિદ્યાર્થીઓ માટે ઉગાડેલાં આ શાકભાજીનું કરવું શું? અમદાવાદમાં ચાલતા કિચન ગાર્ડનના વૉટ્સઍપ-ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્યો કે વિદ્યાર્થીઓ માટે ઑર્ગેનિક શાકભાજી ઉગાડવામાં આવ્યાં હતાં પણ કોરોનાને કારણે હૉસ્ટેલ બંધ થતાં આ શાકભાજી જેને જોઈએ તે સૃષ્ટિ સંસ્થામાંથી લઈ જજો. આ મેસેજ વાઇરલ થતાં અનેક લોકો ઑર્ગેનિક શાકભાજી લઈ ગયા. જે લોકો આ શાકભાજી લઈ ગયા તેમને એની ગુણવત્તા અને સ્વાદ અલગ જણાયાં. લોકોને લાગ્યું કે આ કંઈક અલગ અને વિશેષ છે જે સ્વસ્થ જીવનશૈલીને અનુરૂપ આહાર છે. હેલ્થ-કૉન્શિયસ લોકોમાં એની ડિમાન્ડ નીકળી અને પરિણામ એ આવ્યું કે હવે દર રવિવારે અમદાવાદમાં ચાર જગ્યાએ અને ગુરુવારે એક જગ્યાએ સવારે ૭ વાગ્યાથી સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા સૃષ્ટિ પ્રાકૃતિક ખેડૂત હાટ ભરાય છે જ્યાં ખેતરમાંથી સીધી જ વસ્તુઓ ગ્રાહકોના હાથમાં પહોંચે છે. એને કારણે હેલ્થ-કૉન્શિયસ લોકોએ ઑર્ગેનિક શાકભાજી અને અનાજ-કઠોળને પોતાના જીવનમાં હેલ્ધી ફૂડ તરીકે સ્થાન આપી દીધું છે.
વહેલી સવારે લોકો પહોંચે છે ખેડૂત હાટમાં
અરવલ્લી જિલ્લાનું અંતરિયાળ ગામ હોય, સુરેન્દ્રનગરના પાટડીનું કોઈ ગામ હોય, જૂનાગઢ જિલ્લાનું કે દાહોદ જિલ્લાનું કોઈ ગામ હોય તો એ ગામના ખેડૂતો પ્રાકૃતિક ખેતી દ્વારા ખેતરમાં ઊગતાં ગલકાં, દૂધી, બટાટા, ફ્લાવર સહિતનાં સીઝનલ શાકભાજી, ફ્રૂટ્સ તેમ જ મિલેટ્સ સહિતનાં અનાજ-કઠોળ લઈને રાતે જ તેમના ગામડેથી નીકળીને વહેલી પરોઢે અમદાવાદ આવી જાય છે. આ હેલ્ધી શાકભાજી અને અનાજ ખરીદવા માટે વહેલી સવારમાં લોકો લાઇન લગાવે છે. હેલ્થ-કૉન્શિયસ સુખીસંપન્ન પરિવાર હોય કે મધ્યમવર્ગીય પરિવાર હોય, વહેલી સવારે પાંચ વાગ્યે ઊઠીને ખેડૂત હાટમાં પહોંચી જાય છે. ખેડૂતો પોતાનાં ખેત-ઉત્પાદન સીધાં જ ગ્રાહકોને વેચીને આવક મેળવીને સંતોષકારક ધંધો કરી રહ્યા છે તો ગ્રાહકોને કેમિકલ વગરનાં શાકભાજી અને ધાન્ય સીધાં જ ખેડૂતો પાસેથી મળતાં ખરીદીનો આત્મસંતોષ થાય છે. સવારે ૭ વાગ્યાથી શરૂ થતી ખેડૂત હાટમાં સવારે ૯ વાગ્યામાં તો લગભગ બધી જ વસ્તુઓ વેચાઈ જાય છે. સૃષ્ટિ ઇનોવેશન સંસ્થાને નવજીવન ટ્રસ્ટ અને બીજી સંસ્થાઓનો સહયોગ મળ્યો એને કારણે પ્રાકૃતિક ખેત-ઉત્પાદનો લોકો સુધી પહોંચાડવાં સરળ બની રહ્યાં છે.
ગ્રાહકોને સાત્ત્વિક વસ્તુઓ પહોંચે એવો હેતુ
૨૦૧૯માં કોરોના પછીના સમયથી ધીરે-ધીરે શરૂ થયેલી અને એક પછી એક જગ્યાએ વિસ્તરતી જતી ખેડૂત હાટ આજે સ્વસ્થ જીવન જીવનારા લોકોમાં ફેવરિટ બની ગઈ છે ત્યારે ઑર્ગેનિક ખેતી કરતા ખેડૂતો અને ગ્રાહકો વચ્ચે સેતુ બનેલી સૃષ્ટિ ઇનોવેશન સંસ્થા દ્વારા ચાલતી ખેડૂત હાટના સંયોજક રમેશ પટેલ ખેડૂત હાટ પાછળનો હેતુ સ્પષ્ટ કરતાં ‘મિડ-ડે’ને કહે છે, ‘સૃષ્ટિ સંસ્થા બિનરાસાયણિક અને બિનખર્ચાળ ખેતીપદ્ધતિ પર ઘણા સમયથી કામ કરી રહી છે. ખેડૂતો પાસે ફૉર્મ ભરાવીએ છીએ જેમાં તેમની બધી માહિતી આવી જાય છે. ગ્રાહકોને ઑર્ગેનિક ખેતી દ્વારા બનેલી વસ્તુઓ મળે એ માટે અમે ખેડૂતો માટે ચોક્કસ માપદંડ નક્કી કર્યા છે જેમાં ખેડૂત બિનરાસાયણિક પદ્ધતિથી સતત ત્રણ વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતો હોવો જોઈએ. અમારા સભ્યો ખેતરમાં જઈને જાતતપાસ કરે છે કે પ્રાકૃતિક પદ્ધતિથી ખેતી થાય છે કે નહીં. સંસ્થા દર ૪૫થી ૫૦મા દિવસે ખેતરમાં જઈને તપાસ કરે છે અને પ્રાકૃતિક ખેતી દ્વારા ઉત્પન્ન થતાં ધાન્ય અને શાકભાજી વિશે મૉનિટરિંગ કરવામાં આવે છે. પ્રાકૃતિક ખેતી કરતા ગ્રામીણ ખેડૂતોને પણ તેમના ખેતરમાં ઊગતી વસ્તુઓ સીધી જ શહેરી ગ્રાહકને વેચવાનો મોકો મળે છે. સૃષ્ટિ સંસ્થા માટે આ પ્રોજેક્ટ નથી પણ એક નવી વ્યવસ્થા, નવો વિકલ્પ પૂરો પાડવાની વાત છે જેમાં ખેડૂત અને ગ્રાહકોનું ભલું થાય, ખેડૂત અને ગ્રાહક એકમેકની નજીક આવે અને બન્ને વચ્ચે પારદર્શિતા જળવાય.’
ક્યાં-ક્યાં ભરાય છે ખેડૂત હાટ?
અમદાવાદમાં દર રવિવારે સોલામાં ભાગવત વિદ્યાપીઠ પરિસર પાસે, નવજીવન પ્રેસના પાર્કિંગ મેદાનમાં, ડૉ. બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના પરિસરમાં તેમ જ પલોડિયામાં આત્મ વિકાસ સંસ્થાના પરિસરમાં ખેડૂત હાટ ભરાય છે. એ પછી ગાંધીનગરમાં અને વલ્લભવિદ્યાનગરમાં રવિવારે સવારે ખેડૂત હાટની શરૂઆત થઈ છે. એ ઉપરાંત દર ગુરુવારે અમદાવાદમાં સૃષ્ટિ પરિસરમાં ખેડૂત હાટ ભરાય છે. ખેડૂત હાટમાં અમદાવાદ જિલ્લાનાં ગામો ઉપરાંત દાહોદ, ઇડર અને ડીસા સહિત અરવલ્લી, સાબરકાંઠા અને બનાસકાંઠાનાં ગામડાંઓ, સુરેન્દ્રનગરના પાટડી, આણંદ, ખેડા, મહેમદાવાદ, દહેગામ, બોટાદ, ભાવનગર, જૂનાગઢ સહિતના જિલ્લાઓના ગ્રામીણ વિસ્તારમાંથી અમદાવાદમાં ૧૨૦થી ૧૫૦ જેટલા ખેડૂતો શાકભાજી, કંદમૂળ, મગફળી, મગફળીનું તેલ, ઘી, દૂધ, છાશ, માખણ, અનાજ, કઠોળ, લોટ સહિતની વસ્તુઓ લઈ આવે છે. આ ખેત-પેદાશોના વેચાણ દ્વારા ખેડૂતો દર રવિવારે અને ગુરુવારે મળીને અંદાજે ૧૦થી ૧૨ લાખ રૂપિયાનું વેચાણ કરતા હશે. ખેડૂત હાટમાં જે ખેડૂતો તેમની ખેત-પેદાશોનું વેચાણ કરે છે એના કુલ વેચાણની પાંચ ટકા રકમ સ્વૈચ્છિક રીતે સૃષ્ટિ સંસ્થામાં વ્યવસ્થા-ખર્ચના ભાગરૂપે આપે છે.

