Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રખડતા જીવ ને કૉક્રોચનો ઉપચાર લાવો

રખડતા જીવ ને કૉક્રોચનો ઉપચાર લાવો

Published : 02 August, 2026 09:02 PM | IST | Mumbai
Hiten Anandpara

વિદ્યાર્થી આંદોલન, લોકશાહીમાં વિરોધનો અધિકાર, હિંસા, જવાબદારી અને સમાજની ભૂમિકા જેવા મુદ્દાઓને ગઝલ અને કાવ્યના માધ્યમથી રજૂ કરતો આ લેખ વિચારપ્રેરક ચર્ચા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


આપણા નાનકડા ઘરમાં કૉક્રોચની સમસ્યા હોય તોય એને ઉકેલવી ભારે પડે. કૉક્રોચ જનતા પાર્ટી (CJP)એ તો રાજકીય અને રાષ્ટ્રીય સ્તરે જંતર મંતર ખાતે આંદોલન કરીને હાહાકાર મચાવી દીધો. નવી પેઢી પાસે શક્તિ છે, અભિવ્યક્તિ છે અને આંદોલન કરવાનાં સચોટ કારણો પણ છે. યુવા આંદોલનકારીઓ સામે કેન્દ્ર સરકારે ખાસ્સો સંયમ રાખ્યો. આવું જ આંદોલન ચીન, રશિયા, ઈરાન, ફ્રાન્સ, જર્મની કે અમેરિકામાં થયું હોત તો પોલીસ-રિસ્પૉન્સ કેવો હોય એનો ચતુર કરો વિચાર. મનીષા દુધાત બે પક્ષ વચ્ચેનો સંઘર્ષ પ્રગટ કરે છે... 
હસતા ખુલ્લેઆમ નરાધમ
હીબકાં ભરતું જંતરમંતર
‘મૈં ભી અંધા, તૂ ભી અંધા’
કેવો છે આ ખોફનો મંજર
ભારતમાં આંદોલનો પ્રસંગોપાત્ત થતાં રહ્યાં છે. 
૨૦૨૦-’૨૧માં થયેલા ખેડૂત આંદોલને આખું દિલ્હી માથે લીધું હતું. લોકશાહી ફાયદા સાથે ગેરફાયદા પણ ધરાવે છે. લોકશાહીમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાનો બધાને અધિકાર છે, પણ મોટા ભાગનાં આંદોલનો અશાંતિપૂર્ણ પુરવાર થતાં હોય છે. વ્યક્તિગત રીતે નબળો લાગતો માણસ પણ ટોળામાં શૂરોપૂરો બની જાય. પોલીસ-સ્ટેશનમાં એકલો હોય તો મિયાની મીંદડી થઈને અર્ચના કરતો માણસ ટોળામાં સિંહની ગર્જના કરતો થઈ જાય. ટોળાની માનસિકતા સંયમ અને નિયમની ઐસીતૈસી કરી નાખે છે. રાજેન્દ્ર આર. શાહ ‘સ્વપ્નિલ’ બન્ને પક્ષને આડે હાથે લે છે...
પેપરોની સાથ કોની કોની નિષ્ઠા પણ ફૂટી
કોણ ક્યાં લેવાલ? તથ્યો માપવાની વાત કર
છાત્રને ઉશ્કેરવાનો એ જ મંતર છે ગલત
કોનું જંતર એ બન્યા! ઉઘાડવાની વાત કર
પેપર ફૂટવાની ઘટનામાં ટીચર્સ પણ સંકળાયેલા હોય એ શરમજનક વાત છે. જેનું કામ નવી પેઢીમાં સંસ્કારસિંચન કરવાનું છે એ લોકો પૈસાના લોભે આવા કાંડમાં સંડોવાય છે. સંતાનોને ભણાવવા માટે માબાપ મોટી લોન લેતાં હોય છે. વિદ્યાર્થીઓ સારા માર્ક્સ મેળવવા દિવસ-રાત એક કરી નાખે છે. આવા સંજોગોમાં પેપર-લીક જેવી ઘટના કાળી ટીલી છે. જ્યાં વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે ચેડાં થાય એની સામે આવો આક્રોશ ફૂટી નીકળે એ સ્વાભાવિક છે. જિજ્ઞેશ ક્રિસ્ટી ‘સંગત’ કહે છે એમ ચળવળ અને આંદોલનનો રાહ દેખાડનારને કેમ ભૂલી શકાય? 
મારીને રોકી નહીં શકો સૌને, ના બાંધીને
રોકી શક્યું છે કોઈ જગતભરમાં આંધીને?
કેવી મહાન વ્યક્તિ હશે એ વિચારજો
કરવા પડે છે આજેય અહીં યાદ ગાંધીને
ગાંધીજીએ હંમેશાં ઉપવાસ અને આંદોલનનો મહિમા કર્યો છે પણ સાથે-સાથે હિંસાનો પારાવાર વિરોધ કર્યો છે એ વાત દેખાવકારો સહજતાથી ભૂલી જાય છે. સોનમ વાંગચુકે ઉપવાસ કર્યા ત્યાં સુધી બધું સમુંસૂથરું હતું. જેવો CJP પક્ષ જોડાયો કે નવી પેઢીની સાથે જૂના તોફાનીઓ પણ જોડાવા લાગ્યા. આંદોલનકારીઓના ફોટો જુઓ તો એમાં વિદ્યાર્થીઓની સાથે તેમના બાપની કે મોટા કાકાની ઉંમરના લોકો પણ હતા. એમાંના કેટલાક પેધેલા અને પીધેલા લોકો બધા જ આંદોલનોમાં સહર્ષ દેખાશે. નવી પેઢીએ કોનાથી બચવું જોઈએ એ પણ શીખવા જેવું છે. રશ્મિ જાગીરદાર મુદ્દાનો પ્રશ્ન પૂછે છે...
તણખલું પણ જડે નહીં જ્યાં,
આ પથ્થર, આવ્યા ક્યાંથી ત્યાં?
કર્યા ઘાયલ જો પોલીસો
એ ગદ્દારો પછી ગયા ક્યાં?
ફેસ રેકગ્નિઝન સિસ્ટમ દ્વારા દિલ્હી પોલીસે ૯૮૯ ચહેરા તારવ્યા જે ખૂન, ચોરી, લૂંટફાટ, અપહરણ, બળાત્કાર, તોફાન, ડ્રગ્સ વગેરે ગુનાઓમાં સંડોવાયેલા હતા. કોણ લાવ્યું આ બધાને? કોણ આવા લોકોને ફાઇનૅન્સ કરે છે? વિદેશમાં કઈ માલેતુજાર અને પહોંચેલી માયાઓ છે જે નેપાલ અને બંગલાદેશની જેમ ભારતમાં પણ સરકાર ઉથલાવવા માગે છે? પેપર-લીકની સમસ્યા જેટલી સાચી છે એટલી જ ચિંતા ઉપરના પ્રશ્નો માટે પણ સાચી છે. ભારત કંઈ બોડીબામણીનું ખેતર નથી કે ભારાડી આખલાઓ આવીને ચરી જાય. ડૉ. ધીરજ એસ. બલદાણિયા જેન-ઝીને ચેતવે છે...
ખોખલું ભણતર થયું છે
ગાળનું કલ્ચર થયું છે
જેમ જેમ ઊંચે ચડ્યા સૌ
એમ નીચું સ્તર થયું છે
લાસ્ટ લાઇન
ન લાવો સઘળું તો એનો ફકત અણસાર લાવો
અમે ક્યાં કીધું છે કે સત્યની ભરમાર લાવો
અરીસા જેમ અમને ના બતાવો રોજ ખાડા
બને તો શોધી એના મૂળનો આધાર લાવો
ખરેખર સાફ ઘર છે, તો પછી ઉપદ્રવ છે કેમ?
રખડતા જીવ ને કૉક્રોચનો ઉપચાર લાવો
બૂમો પાડી તમે ના વાતનું કરશો વતેસર
જરા લેખનમાં સાચી વાતનો સંચાર લાવો
ને સત્યાગ્રહ કરી માગ્યું અમે ક્યાં આખું ઉપવન
અરે... ફૂલો નહીં તો પાંખડી બે-ચાર લાવો
- કૈલાશ પરમાર ‘અજનબી’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 09:02 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK