Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જેની પ્રતીક્ષા આપ જીવનભર કરી શકો

જેની પ્રતીક્ષા આપ જીવનભર કરી શકો

Published : 27 September, 2026 06:09 PM | IST | Mumbai
Hiten Anandpara

મોબાઇલ અને ઉતાવળભરી જીવનશૈલી વચ્ચે પ્રતીક્ષાનું મહત્ત્વ ધીમે ધીમે ભૂંસાઈ રહ્યું છે. સંબંધો, વિયોગ, યાદો, વેદના અને જીવનના સંઘર્ષ વચ્ચે કોઈની રાહ જોવી કેવી રીતે લાગણી અને સંબંધોને વધુ ઊંડા બનાવે છે તેની વાત.

પ્રતીકાત્મક તસવીર

અર્ઝ કિયા હૈ

પ્રતીકાત્મક તસવીર


પ્રતીક્ષા નામનો પદારથ ધીમે-ધીમે ભૂંસાઈ રહ્યો છે. મોબાઇલને કારણે આપણે એટલા ઉતાવળા થઈ ગયા છીએ કે કોઈની રાહ જોવાનું કહેવામાં આવે તોય બેચેન થઈ જઈએ અને જિંદગીમાં જાણે કાંઈ બનતું જ નથી એવું લાગ્યા કરે. પહેલાંના સમયમાં પ્રેમી અને પ્રેમિકા મિલનસ્થળ પર એકબીજાની રાહ જોતાં ત્યારે પ્રતીક્ષાના આ સમયમાં તેમના ભવિષ્યનો પાયો નખાતો. સંસારની ગતિવિધિ લંબાય અને સંતાનો કોઈ કારણસર ઘરથી દૂર થાય ત્યારે આ પ્રતીક્ષા પીડાનો પારાવાર રચે છે. અઝીઝ ટંકારવી આશ્વાસન ગોતે છે...
બારણે દસ્તક થયા વરસો પછી
ને સ્મરણ કૈં સળવળ્યાં વરસો પછી
એમને ભૂલા પડ્યા ના કહી શકો
જે બધા પાછા ફર્યા વરસો પછી
ડૉ. ભારતી રાણેની એક વાર્તા છે ‘ઊલટા ફેરા’. ઘરમાં દીકરીનાં લગન લેવાયાં છે. વર્ષોથી ઘર છોડી ગયેલો બાપ આ પ્રસંગે ખાસ આવે છે. દીકરી પ્રત્યે કૂણી લાગણી ધરાવતો બાપ એક પતિ તરીકે પત્ની પ્રત્યેની જવાબદારીને સાવ કોરાણે મૂકી દે છે. પતિના આવવાથી પત્નીના હૈયામાં ઝબકેલું આશાનું કિરણ પ્રસંગ સંપન્ન થતાં ફરી પાછું વિલીન થઈ જાય છે. પ્રસંગની સાથે-સાથે સંબંધ પણ આટોપાઈ જાય છે. જિતુ ત્રિવેદી આવી જ કોઈ સ્થિતિને નિરૂપે છે...
બોજ વધતો જાય તો સમજી જવું
કે હવે છે ડાળનું બટકી જવું
કેટલે ઊંડે સુધી ધરબી શકો
યાદનો ગુણધર્મ છે ફણગી જવું
કેટલીક વેદના એટલે ઊંડે સુધી ધરબાઈ જાય કે ઇચ્છે તોય બહાર આવી નથી શકતી. સમય સાથે એ અશક્ત બનતી જાય છે. એ જોમ ગુમાવી બેસે છે. દુઃખ તીવ્ર બનતું જાય પછી એ કોઠે પડતું જાય. પોતાને જ ઓળખવાનું ભૂલી જાય એવી સ્થિતિ વધારે નિર્મમ લાગે છે. મિલિન્દ ગઢવી માણસના મનમાં રચાતો વિરોધાભાસ આલેખે છે...
ચહેરા ઉપરના સર્વ ઉદાસીના ભાવને
ઘરમાં સજાવી દઉં તો નહીં ઓળખી શકો
ભટક્યા છો ઠેર-ઠેર તમે જેની શોધમાં
એ ચીજ લાવી દઉં તો નહીં ઓળખી શકો
વૃદ્ધાવસ્થા આવે ત્યારે અનેક વ્યાધિઓમાં ભૂલી જવાની વ્યાધિ સામાન્ય હોય છે. સોડિયમનું સ્તર ઓછું થાય પછી દરદી એકની એક વાત બોલ્યા જ કરે. તેને પોતાને પણ ખબર નથી હોતી કે તે શું બોલી રહ્યો છે. જતી જિંદગીએ મગજ સાબૂત હોય ત્યારે વિહંગાવલોકન કરવામાં આવે તો ડૉ. મહેશ રાવલ કહે છે એવી કોઈ અનુભૂતિ થઈ શકે...
ક્યાંક દરિયો અને ક્યાંક રણની કથા
જિંદગી એટલે, આવરણની કથા
એ અલગ વાત છે કે, ન ભૂલી શકો
પણ સ્મરણ માત્ર, છે વિસ્મરણની કથા
દરેક માણસની જિંદગીમાં એક કથા હોય છે. એનો નાયક તે પોતે હોય પણ કથા લખનારો કોઈ બીજો હોય. ક્યારેક આ કથા એટલા બધા સંઘર્ષો લઈ આવે કે સુખની વ્યાખ્યા સમૂળગી બદલાઈ જાય. જેને આપણે આદર્શ માનતા હોઈએ એ વેદિયાવેડામાં ખપી જાય અને જેને આપણે સત્ય માનતા હોઈએ એનો કોઈ લેવાલ ન હોય. કિશોર વાઘેલા કહે છે એવી ખુમારી પ્રાપ્ત થવાની આપણે પણ આશા કરીએ...
આધીન તમારે કંઠ બધા હો ભલે સૂરો
ગાઈ શકો સહજ એ તરજમાં નહીં મળું
શોધી શકો કદાચ હવામાં અવાજમાં
હું સત્ય છું કદીયે ભરમમાં નહીં મળું
જેમણે કંઈ અલગ કામ કરવું હોય તેમણે ઊંડા ઊતરવું પડે, બીજાથી અલગ વિચારવાનું શીખવું પડે. માત્ર વિચારવાનું જ નહીં, એને વાસ્તવિક જગતમાં સાર્થક બનાવવા જહેમત લેવી પડે. આંખો સતત ખુલ્લી રાખવી પડે. જે પાસે છે એનો ક્યાસ કાઢીને જે દૂર છે એના વિશે અનુમાન લગાવવું પડે. તક આવે ત્યારે ઝડપી લેવી પડે અને વખત ખરાબ હોય ત્યારે ધીરજ ધરવી પડે. જૈમિન ઠક્કર ‘પથિક’ સર્તક રહેવાનું કહે છે...
આંખ સામે તક ઊભી હો ને બને
આપણે હાથે કરીને ખોઈએ
પાંખ હો તો પાંખ ફફડાવી શકો
આભ મેળવવા અનુભવ જોઈએ

લાસ્ટ લાઇન
પૂરા થતા સંબંધનો આદર કરી શકો
જલ્દી હૃદયને એ રીતે પગભર કરી શકો
જો નીચે લઈ જનારાથી અંતર કરી શકો
કરવાં હો જેટલાંય શિખર સર કરી શકો
સથવારો દઈને અમને તવંગર કરી શકો
ઘર બનશે ઘર, જો એમાં તમે ઘર કરી શકો
સાહસ જે ખુદને માટે કદી પણ કર્યું નથી
એ કોઈ પ્રિય વ્યક્તિને ખાતર કરી શકો
બસ એ જ વ્યક્તિ આપને માટે વિશેષ છે
જેની પ્રતીક્ષા આપ જીવનભર કરી શકો
- કિરણસિંહ ચૌહાણ


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2026 06:09 PM IST | Mumbai | Hiten Anandpara

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK