લગનમાં ૨જૂ થતા આ ડાન્સ સામે મારો કોઈ વિરોધ નથી. હું કોઈ અઢારમી સદીમાં જન્મેલો નથી, પરંતુ મારો પ્રશ્ન માત્ર એટલો જ કે શું કૅટરિના અને સલમાનની જેમ દીકરા-દીકરિયુંને નચાવો તો જ પ્રસંગ ઊજવાય? ઉજવણી માટે બીજી કોઈ કલા માન્ય જ નથી?
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
લગનમાં કરોડોનો ખર્ચો કરીને એની ઉજવણી કરવી અને દીકરીનાં લગન માટે ૫૦,૦૦૦ ઉછીના લઈને સાદગીથી એ લગન કરવાં આ બેઉ વાતમાં દેખીતો તફાવત ભલે હોય, પણ હૈયાને પૂછો તો ખબર પડે કે ૫૦,૦૦૦ ઉછીના લેનારા બાપના હૈયે જે ખુશી હોય છે એવી ખુશી જગતમાં બીજા કોઈના બાપના હૈયે નથી હોતી
આપણાં ભારતીય શાસ્ત્રોમાં આઠ પ્રકારનાં લગનનો ઉલ્લેખ છે; પરંતુ મુંબઈનાં લગનને હું નવમા પ્રકારનાં ગણું છું, કારણ કે મુંબઈમાં લગન કરવાં એટલે પંજાબમાં હેરકટિંગ સલૂન શરૂ કરવા જેવું અઘરું છે. માયાનગરી મુંબઈમાં લગનની તિથિ પંચાંગ પ્રમાણે નહીં પરંતુ મૅરેજ-હૉલના મૅનેજરના ચાર્ટ પ્રમાણે નક્કી થાય છે. કહેવાય છે કે લગન સ્વર્ગમાં નક્કી થાય છે અને ધરતી પર તો માત્ર ઊજવાય છે. હું મારા મિત્રોને હળવાશમાં કાયમ કહું કે લગન ભલે સ્વર્ગમાં નક્કી થાય, પણ માણસ દુ:ખી તો ધરતી પર થાય છે. એનાથી પણ એક વેંત આગળ મેં અમારા હિંમતદાદા ગોરને એક દી પૂછ્યું, ‘દાદા, સ્વર્ગમાં પત્ની હોય?’ દાદાએ તબલાતોડ જવાબ દેતાં કીધું, ‘એ’લા ડોબા, કેવા અક્કલમઠ્ઠા જેવા સવાલ કરશ... પત્ની ન્યાં નો હોય એટલે તો એ સ્વર્ગ કહેવાય.’ લગન વખતે વર૫ક્ષવાળા જેટલું કન્યાપક્ષ આગળ નથી કરગરતા એનાથી ચારગણું વધારે મૅરેજ-હૉલના મૅનેજરોને કરગરે છે. ‘સર, કુછ ઍડ્જસ્ટ કીજિએ, આપકા જો ભી હોગા હમ સમઝ લેંગે.’
ADVERTISEMENT
મુંબઈમાં કરોડોના ખર્ચે લગન થાતાં મેં મારી નજરે જોયાં છે. કહેવાતી મોટી-મોટી પાર્ટીઓ માત્ર વટને ખાતર અમારા પ્રોગ્રામો ગોઠવે અને પછી આખા આયોજનમાં સૌથી નબળું પેમેન્ટ અમને અર્પણ કરવામાં આવે, જેથી અમને કલાકારોને ઓ’લી જૂની ઉક્તિ તાજી થાય કે ‘શેઠ લાખનાં લગન કરશે, પણ ઢોલી હારે માથાકૂટ કરશે...’ આવા લોકો માટે લગન એ એક પ્રકારના શક્તિપ્રદર્શનનો વિષય છે. અમારા સુરત અને તમારા મુંબઈમાં મેં નોંધ્યું છે કે ચાલીસ-પચાસ લાખના ખર્ચે લગનમાં આખો ફિલ્મનો સેટ તૈયાર કરાવવામાં આવે, હીરો-હિરોઇન તરીકે વ૨-કન્યાનાં પોસ્ટરો ચીપકાવવામાં આવે અને કન્યાના બાપને વિલન બનાવાય છે. ત્રણ-ત્રણ મહિના અગાઉ કેટલાયનાં ઘરને કોરી-કોરીને ખાઈ જનારા ‘કોરિયોગ્રાફરો’ ઘરનાં ભાભાઓ અને ભાભીઓને ઠૂમકા લેતાં શીખવે છે. ઘરની જુવાન દીકરિયું અને નવી વહુઓ ‘મૉડલ્સ’ બનીને લગનમાં વડીલો સામે નાચે છે. જુવાન વહુઓના એ ડાન્સ જોઈને પીડાતી તેમની જુવાની ગુમાવી ચૂકેલી બરણી આકારની સાસુઓ પણ સ્ટેજ પર કૂદી પડે છે ને પછી ચકરડી મારી લ્યે છે. કોરિયોગ્રાફરની મહેનતના પરિપાકરૂપે ઍન્ડમાં ૮પ વરસના દાદા અને ૬૨ વરસના બાપુજીને પણ ધર્મેન્દ્રની અદામાં સ્ટેજ પર લાવવામાં આવે છે. આખી જિંદગી હપ્તા ભરી-ભરીને બ્રેક થઈ ગયેલું દાદાનું શરીર અને મૉડર્ન બ્રેકડાન્સની ઝલક. આ દાદાને નાચતા જોઈને તમામ પરિવારજનો મનમાં તો એમ જ વિચારે છે કે દાદા જિંદગી આખી દાદીના ઇશારે નાચ્યા ને હવે જિંદગીનો છેલ્લો ડાન્સ છોકરાવના ઇશારે...!
વાહ ક્યા સીન હૈ!
લગનમાં ૨જૂ થતા આ ડાન્સ સામે મારો કોઈ વિરોધ નથી. હું કોઈ અઢારમી સદીમાં જન્મેલો નથી, પરંતુ મારો પ્રશ્ન માત્ર એટલો જ કે શું કૅટરિના અને સલમાનની જેમ દીકરા-દીકરિયુંને નચાવો તો જ પ્રસંગ ઊજવાય? ઉજવણી માટે બીજી કોઈ કલા માન્ય જ નથી? કુટુંબનાં સંતાનોમાં કોઈને મસ્ત ગીત ગાતાં આવડતું હોય તો એ ન ગવડાવી શકાય? દાદા-દાદી કે મમ્મી-પપ્પાને ડાન્સ કરાવવા કરતાં તેમના સંઘર્ષની, સ્વભાવની અને રમૂજી જીવનપ્રસંગોની નાનકડી સ્કિટ ન ભજવી શકાય અને જો રૂપિયા જ ખર્ચવા હોય તો પરિવારની સંઘર્ષગાથા ૫૨ નાનકડી આર્ટ ફિલ્મ ન બનાવી શકાય? કુટુંબનો એકાદ ટૅલન્ટેડ દીકરો પરિવારના સભ્યોનાં લાઇવ ચિત્રો દોરે એનું ઍક્ઝિબિશન ન કરી શકાય? આ મારા મૌલિક વિચારો છે એટલે તમને એની સાથે અસહમત થવાનો પૂરેપૂરો અધિકાર છે. તમારા પ્રસંગ ટાણે તમારા પરિવારને શેમાં મજા આવશે એ ઓ’લો લાલચુ ઇવેન્ટવાળો કે ઇન્વેન્ટવાળી શું નક્કી કરે સાહેબ... તમારા પરિવારની ટૅલન્ટને હાઇ-ફાઇ બૉલીવુડ કે હૉલીવુડ સ્ટાઇલથી રજૂ કરવાની જગ્યાએ એ ટૅલન્ટ તમારા કુળની અને પરિવારની મર્યાદાને શોભે એ રીતે રજૂ કરો તો પ્રસંગ ઊજવ્યો કહેવાય. બાકી તો આપણા બાપદાદાઓએ કોઈ પણ જાતની ઇવેન્ટ-કંપનીઓની સહાય વગર જ કચ્છ-કાઠિયાવાડના ગામડામાં ત્રણ-ત્રણ દી જાનને રોકીને કોઈ પણ જાતની આવી ફૅસિલિટી વગર પણ સૌને મોજ કરાવી જ છે. યાદ રાખજો, તમારા પ્રસંગોનો આનંદ એ ઇવેન્ટ-કંપનીઓનો મોહતાજ નથી. માઇન્ડ ઇટ, કરોડપતિઓના આંગણે અબજોના ખર્ચે લગન હોય કે પછી ગુજરાતના કોઈ ગામડામાં કોઈ બાપ ૫૦,૦૦૦ રૂપિયા ઉછીના લઈને તેની દીકરીને પરણાવતો હોય; બેયના ખર્ચમાં કરોડોનો તફાવત હોઈ શકે છે, પણ બેયના આનંદમાં રતીભાર કે રાઈભાર ફરક ન હોય કે આજે મારી દીકરીનાં લગન છે. મારે કહેવું છે કે જ્યારે દીકરીનો બાપ લગનમાં વ્યસ્ત હોય ત્યારે તેના મનમાં તો એક જ વાત હોય છે. લગન જેવું અનિવાર્ય અનિષ્ટ બીજું કોઈ નથી!
સાચે. જઈને પૂછો દીકરીના બાપને.

