સુદ પક્ષમાં ચન્દ્રની કળા વધતી જ જાય અને વદ પક્ષમાં ચન્દ્રની કળા ઘટતી જ જાય. આયુષ્યમાં રોજ ઘટાડો જ થતો જાય અને ઉંમરમાં રોજ વધારો જ થતો જાય. ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની જ રહે અને શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી જ રહે.
પ્રતીકાત્મક તસવીર
સુદ પક્ષમાં ચન્દ્રની કળા વધતી જ જાય અને વદ પક્ષમાં ચન્દ્રની કળા ઘટતી જ જાય. આયુષ્યમાં રોજ ઘટાડો જ થતો જાય અને ઉંમરમાં રોજ વધારો જ થતો જાય. ઉનાળામાં દિવસ મોટો અને રાત નાની જ રહે અને શિયાળામાં દિવસ ટૂંકો અને રાત લાંબી જ રહે. પથ્થર પથ્થર જ રહે, કાગળ ન બને અને કથીર કથીર જ રહે, કંચન ન બને. આગ બાળે જ અને ચંદન ઠારે જ. ઘડિયાળના કાંટા પાછા ન ફરે અને ઓટના સમયમાં નદી આગળ ન વધે. પણ મન? એનું કોઈ જ ઠેકાણું નહીં.
પૂનમે તે હતાશ બની જાય અને અમાસે તે પ્રસન્ન રહે એવું પણ બને. દુશ્મનને તે માફ કરી દે અને સગા બાપનું તે ખૂન કરવા તૈયાર થઈ જાય એવું પણ બને. સવારના એ શુભ ભાવોના ઉદ્યાનમાં વિહરતું હોય અને સાંજના એ અશુભ ભાવોના ઉકરડે આળોટતું જોવા મળે એવું પણ બને. આજે તે પ્રભુના પક્ષમાં હોય અને આવતી કાલે તે ખુદ શેતાન બની જાય એવું પણ બને.
ADVERTISEMENT
વાંચી છેને આ પંક્તિઓ?
ધગધગતી મધ્યાહને મહાલે,
સાંજ પડે અકળાતું
કંટક સાથે પ્રીત કરે ને પુષ્પોથી શરમાતું
ઓ મન! તું જ નથી સમજતું.
લોહતણી સાંકળના બંધે પળભર ના બંધાતું
લાગણીઓના કાચા દોરે જીવનભર જકડાતું
ઓ મન! તું જ નથી સમજતું
ટૂંકમાં, કાચિંડાના રંગને તમે ઓળખી શકો, મેઘધનુષ્યના રંગોને તમે જાણી શકો, ચંચળ પારાને તમે હાથમાં પકડી શકો, તરલ પવનને તમે પેટીમાં કેદ કરી શકો; પણ મનને ન તો તમે પકડી શકો કે ન તો તમે સમાઈ શકો, ન તો એને તમે સ્થિર રાખી શકો કે ન તો એને તમે પ્રથમ એક જ સ્વભાવમાં રાખી શકો.
મનના આ ન સમજી શકાય એવા સ્વભાવને આંખ સામે રાખીને બે જ કામ કરતાં રહેવા જેવાં છે. એ જ્યારે સારા વિચારોમાં રમતું હોય ત્યારે એ શુભ વિચારોને અમલમાં મૂકી જ દેવા અને નબળા વિચારોનું એ શિકાર બની ગયું હોય ત્યારે એ નબળા વિચારો અમલમાં ન આવી જાય એનું ખાસ ધ્યાન રાખવું, આટલું થશે તો અચૂક આપણે સારા બનતા જઈશું અને ખરાબ બનતા અટકતા જઈશું.

