પણ આ અકસ્માતમાં માત્ર આ પુસ્તક જ બચી ગયું છે એવું નથી. તમામ યાત્રીઓ જ્યારે તેમનો એક અંશ પણ હાથ ન આવે એમ નાશ પામ્યા
પ્રતીકાત્મક તસવીર
અમદાવાદમાં વિમાન-દુર્ઘટના થઈ. એક એવી ભયાનક ઘટના જેના વિશે સાંભળતાંવેંત પગના અંગૂઠાથી માંડીને માથાના વાળ સુધી ધ્રૂજી જવાય. આપણું કોઈ સ્વજન એ હોનારતમાં નથી એની ખાતરી હોવા છતાં આપણે આ હોનારતમાં ક્યાંક ને ક્યાંક આપણા કોઈક સ્વજનનો ચહેરો ગોઠવી દઈએ છીએ અને એ ગોઠવાયેલો ચહેરો આપણા અસ્તિત્વને કંપાવી દે છે. વિમાનના અવશેષોને એકઠા કરતી વખતે ભગવદ્ગીતાના પુસ્તકની એક નકલ સાવેસાવ કોરીકટ આ અવશેષમાંથી મળી આવી. આખું વિમાન એના ૨૬૦થી વધુ યાત્રી સાથે બળીને ભસ્મ થઈ ગયું. એક ટુકડો પણ આપણને મળ્યો નથી અને છતાં આગના આ ઢગલા વચ્ચે ગીતાની એક પ્રત સળગ્યા વિનાની આખેઆખી મળી આવી! ગીતાપ્રેમીઓ અને ભક્તો આ ચમત્કારનો યશ ગીતા પુસ્તકને અને શ્રીકૃષ્ણને આપે છે. આ યશ આપણને મંજૂર છે. આ કેમ બન્યું એ આપણે સમજી શકતા નથી. બન્યું છે એનો ઇનકાર કરી શકતા નથી.
પણ આ અકસ્માતમાં માત્ર આ પુસ્તક જ બચી ગયું છે એવું નથી. તમામ યાત્રીઓ જ્યારે તેમનો એક અંશ પણ હાથ ન આવે એમ નાશ પામ્યા. એક પણ ચહેરો ઓળખી ન શકાય એવી પરિસ્થિતિ હતી અને છતાં કલાકો પછી એક માણસ આ ઢગલા વચ્ચેથી બહાર આવ્યો. જીવતોજાગતો અને સાવ સુરક્ષિત. દટાયેલા દેહ પર ખડકાયેલો ભંગાર ખસેડીને તે ઊભો થયો. ક્યાંક ખૂણેખાંચરે હવાબારી જોઈને તેણે કૂદકો માર્યો. તેને બધું જ સાંભરે છે. તેણે વિમાન તૂટી પડવાની ક્ષણ જોઈ છે અને કણેકણ અનુભવી છે. તે કેવી રીતે બચ્યો હશે એના વિશે કોઈ પ્રશ્ન જ કરી શકે એમ નથી. બચેલો એ યાત્રી ખુદ નથી કહી શકતો. ગીતાનો બચેલો ગ્રંથ અને સુરક્ષિત રહેલો આ યાત્રી આપણને શું સૂચવે છે?
ADVERTISEMENT
ચમત્કાર આજે પણ બને છે. આપણે નથી સમજી શકતા એવી અપાર ઘટનાઓ રોજ બને છે. ઘરના ઉંબરાથી માંડીને બ્રહ્માંડ સુધીના વિરાટ વચ્ચે પ્રતિ ક્ષણ કંઈક એવું બન્યા જ કરે છે જે આપણે સમજી શકતા નથી. એને ઈશ્વર સાથે સાંકળવું કે અન્યત્ર એ દરેક વ્યક્તિની અંગત માન્યતાનો પ્રશ્ન થઈ જાય છે. ૨૬૦ માણસોને લઈને ઊડેલું આ વિમાન માત્ર ૩૦ સેકન્ડ હવામાં ઊંચકાયું અને માંડ ૬૦૦ મીટર ઉપર ગયું ત્યાં તૂટી પડ્યું. અંદર બેઠેલા એક પણ યાત્રીને જરાય વિચાર કરવાનો સમય ન મળ્યો હોય. જે બચેલો યાત્રી છે તે પણ કશું કહી શકતો નથી.
આ બધું ક્ષણભંગુર છે
વિશ્વમાં જેકાંઈ છે એ બધું જ ક્ષણભંગુર છે એ આપણે વાતવાતમાં બોલતા હોઈએ છીએ. એક ક્ષણમાં જે છે એ હતું ન હતું થઈ જાય, સંપૂર્ણ નાશ પામે, એના વિશે કંઈ પણ કહી ન શકાય એવું થઈ જાય ત્યારે આપણે આ ક્ષણભંગુર શબ્દ વાપરીએ છીએ. આ ક્ષણભંગુરનો આંખેદેખ્યો અને શરીરે અનુભવેલો જીવતોજાગતો પહેલો અનુભવ ૧૯૪૫માં અમેરિકાએ જ્યારે હિરોશિમા અને નાગાસાકી જેવાં શહેરો પર અણુબૉમ્બનો પ્રયોગ કર્યો ત્યારે થયો હતો. સવારના ભાગે જપાનીઓ કામકાજે વળગવા માટે તૈયાર થયા હતા અથવા તૈયાર થઈ રહ્યા હતા. કોઈને કશું સમજાય એ પહેલાં એક ધડાકો થયો અને એક ક્ષણમાં બધું હતું ન હતું થઈ ગયું. આપણે સૌએ આ ક્ષણ સમજવા જેવી છે. આપણે સમયને જુદા-જુદા એકમોમાં વિભાજિત કર્યા છે. આપણી પાસે વર્ષ છે, મહિનો છે, દિવસ અને રાત છે અને પછી કલાક, મિનિટ અને સેકન્ડ પણ છે. સેકન્ડ પાસે આપણે અટક્યા નથી. સેકન્ડના પણ આપણે ટુકડા કર્યા છે. સમયને નજરે જોઈ કે સમજી ન શકાય એવી સૂક્ષ્માતિસૂક્ષ્મ પળને આપણે વાતવાતમાં ક્ષણ કહી દઈએ છીએ. ક્ષણ શું છે એની આપણને કોઈને ચોક્કસ ખબર નથી. ક્ષણ સમયનો એક અતિસૂક્ષ્મ અંશ છે જેના વિશે આપણે કંઈ જાણતા નથી અને છતાં જે નથી જાણતા એના વળગણ વચ્ચે જીવી રહ્યા છીએ.
ક્ષણને સમજવી સહેલી નથી
ક્ષણને ઓળખવા માટે સમયને ઓળખવો પડે છે અને સમય કદી ઓળખાતો નથી. આપણે એક ચોક્કસ માન્યતા ધરાવી લઈએ છીએ અને પછી એ માન્યતાના સમર્થનમાં ક્ષણને શોધીએ છીએ. વાસ્તવિકતા એ છે કે આપણે કોઈ પણ માન્યતા વિશે મુઠ્ઠી વાળી દઈએ કે આંખ મીંચી દઈએ તો સત્ય હાથ નથી લાગતું. ક્ષણ એક સત્ય છે. આ સત્યને પામવા માટે આપણે નિર્ભેળ ચિત્તે પ્રયાસ કરવો પડે. અમદાવાદની વિમાન-દુર્ઘટનામાં ગીતાની પ્રત કેમ બચી અથવા પેલો યાત્રી કલાકો પછી ભડભડતી આગ વચ્ચેથી સુરક્ષિત કઈ રીતે નીકળ્યો, કઈ ક્ષણે તેને સુરક્ષિત રાખ્યો એ પ્રશ્નો સહેલાઈથી સમજાવી શકાતા નથી. ગીતાને બદલે અહીં જો કુરાન કે બાઇબલ હોત તો કદાચ એ પણ બચી ગયાં હોત. જો એમ બન્યું હોત તો અલ્લાહ કે ગૉડની લાખ-લાખ પ્રાર્થના કરતા કરોડો માણસો હોત. આ પુસ્તક કે યાત્રી કેમ બચ્યો એનું વૈજ્ઞાનિક સંશોધન થઈ શકે, પણ વિજ્ઞાન આપણા બધા પ્રશ્નો ઉકેલતું નથી. એક પ્રશ્ન ઉકેલે છે (જેને આપણે માની લઈએ છીએ) એ સાથે જ બીજા બે પ્રશ્નો પેદા પણ કરે છે. આ પ્રશ્નોની માયાજાળ વચ્ચે રહ્યા પછી આપણે તો આ ક્ષણને શોધવી પડે.
ક્ષણભંગુર શબ્દનો થોડો સાક્ષાત્કાર આપણે આપણી જાતે જ ૧૯૪૫માં પેદા કર્યો હતો. આજે ૨૦૨૫માં એક ક્ષણ આપણી સમક્ષ તાદૃશ થઈ. વચ્ચેના સમયગાળામાં પણ એ નહીં મળી હોય એવું નથી. ખરી વાત એ છે કે આપણે મનમાં કશો પ્રાથમિક નિર્ણય કર્યા વિના જ સમય સાથે ચાલવું રહ્યું અને સમય ક્યારે જે ક્ષણને આપણી સમક્ષ જીવંત કરે એ ક્ષણે બે હાથ જોડીને અને ત્રીજું મસ્તક નમાવીને પ્રણામ કરીએ.

