Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > રાતનાં આ કાર્યો શું કામ ન કરવાં જોઈએ?

રાતનાં આ કાર્યો શું કામ ન કરવાં જોઈએ?

Published : 09 August, 2026 06:11 PM | IST | Mumbai
Acharya Devvrat Jani | feedbackgmd@mid-day.com

શાસ્ત્રો પણ અમુક કાર્યો રાતના સમયે કરવાની ના પાડે છે તો સાયન્સ પણ એની ના પાડે છે. કયાં છે એ કાર્યો એ જાણવું જરૂરી છે

રાતનાં આ કાર્યો શું કામ ન કરવાં જોઈએ?

રાતનાં આ કાર્યો શું કામ ન કરવાં જોઈએ?


અમુક કામ રાતે ન કરવા માટે વડીલો પહેલાંના સમયમાં ના પાડતા. એ પાછળ વૈજ્ઞાનિક કારણો તો છે જ પણ સાથોસાથ સનાતન પરંપરા, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રની દૃષ્ટિએ પણ એની ના પાડવામાં આવી છે. રાતના સમયને શાસ્ત્રોમાં તમોગુણી ગણવામાં આવ્યો છે તો સાથોસાથ રાતના સમયને વિશ્રામનો સમય કહેવામાં આવ્યો છે. રાતે કુદરત, વાતાવરણ અને શરીરની ઊર્જા બદલાય છે જેને લીધે શાસ્ત્રોમાં કેટલીક પ્રવૃત્તિઓ રાતના સમયે ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.
રાતે ન કરવાં જેવાં કામો અને એનાં શાસ્ત્રીય તથા વૈજ્ઞાનિક કારણો જાણવા જેવાં છે અને એ ફૉલો પણ કરવા જેવાં છે. ચાલો જાણીએ.

વૃક્ષો કે છોડને સ્પર્શ ન કરવો



શાસ્ત્રો મુજબ રાતના સમયે છોડ અને વૃક્ષો પણ નિદ્રાધીન હોય છે. આ સમયે એમને અડવાની કે એમનાં પાંદડાં કે ફૂલ તોડવાની પ્રક્રિયાને જીવહિંસા ગણવામાં આવી છે તો સાથોસાથ કહેવામાં આવ્યું છે કે એ પાંદડાં કે ફૂલમાં સત્ત્વશીલતા ન હોવાથી એ વ્યક્તિ માટે પણ લાભદાયી રહેતાં નથી. આયુર્વેદમાં તો અમુક ઔષધિઓ તોડવા માટે ચોક્કસ પ્રહર એટલે કે સમયનું સૂચન કરવામાં આવ્યું  છે.
આ માટેનું સાયન્ટિફિક કારણ જોઈએ તો રાતે વૃક્ષો ઑક્સિજનને બદલે કાર્બન ડાયોક્સાઇડ વાયુ બહાર ફેંકે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે એટલે એનાથી દૂર રહેવાનું સૂચન કરવામાં આવ્યું છે.


કપડાં ધોવાં કે સૂકવવાં નહીં

શાસ્ત્રો મુજબ રાતના સમયે નકારાત્મક ઊર્જાઓ અને સૂક્ષ્મ નકારાત્મક શક્તિઓ સક્રિય હોય છે જે ખુલ્લામાં સૂકવેલાં કપડાં દ્વારા વ્યક્તિ સુધી પહોંચી શકે છે. એનાથી  ઘરની અને વ્યક્તિગત શાંતિને નુક્સાન પહોંચે છે એટલે રાતના સમયે કપડાં ધોવાની અને સૂકવવાની પ્રક્રિયા ન કરવી જોઈએ. આ જ બાબતનું સાયન્ટિફિક કારણ પણ જાણવા જેવું છે. વિજ્ઞાન કહે છે કે રાતના સમયે સૂર્યપ્રકાશ ન હોવાને કારણે કપડાંમાં બૅક્ટેરિયા અને ભેજ રહી જાય છે, જેનાથી કફ સંબંધી બીમારીની સાથોસાથ ત્વચાના રોગ થવાની શક્યતા વધી જાય છે.


નખ કે વાળ કાપવા નહીં

શાસ્ત્રોમાં આ વિશે બહુ સ્પષ્ટતા સાથે કહેવામાં નથી આવ્યું, પણ એવો ઉલ્લેખ છે કે રાતના સમયે નખ કે વાળ કાપવાથી ઘરમાં અશાંતિ અને દરિદ્રતા આવે છે તો સાથોસાથ રાહુ અને શનિ ગ્રહનો દોષ વધે છે. જ્યોતિષશાસ્ત્રમાં વાળનો રાહુ સાથે અને નખનો શનિ સાથે સીધો સંબંધ દર્શાવવામાં આવ્યો છે એટલે એવું તારણ મૂકવામાં આવે છે કે રાતના સમયે સૂતેલા આ ગ્રહોને કાપીને એને ડિસ્ટર્બ કરવાથી ગ્રહદોષ લાગુ પડે છે.
આ બાબતનું સાયન્ટિફિક કારણ સમજવા જેવું છે. પ્રાચીન સમયમાં રાતના અંધકાર કે આછા પ્રકાશ વચ્ચે નખ કે વાળ કાપવા માટે વપરાતાં ધારદાર ઓજારોથી વાગી જવાનો ભય હોવાથી એ કાર્ય ન કરવું જોઈએ. આ ઉપરાંત કપાયેલા નખ અને વાળ નરી આંખે જોવા અશક્ય હોવાથી એ ખોરાક કે પીવાના પાણીમાં પડવાની શક્યતા રહે છે જે સ્વાસ્થ્ય માટે હાનિકર્તા છે.

એઠાં વાસણો ન રાખવાં

રાતે કિચનમાં એઠાં વાસણો મૂકી રાખવાં એ મા અન્નપૂર્ણા અને લક્ષ્મીનું અપમાન છે, જેના કારણે ઘર એટલે કે પરિવારના શુક્ર અને ચંદ્ર ગ્રહ દૂષિત થાય છે તો સાથોસાથ પરિવારના મોભી પર પણ ભાર વધે છે. એઠાં વાસણો રાતે જ સાફ થવાં જોઈએ. જો એની વ્યવસ્થા ન હોય તો ઓછામાં ઓછાં વાસણો સાથે જમવાનું બને અને એઠવાડ રાતે જ ઘરની બહાર નીકળી જાય તથા જમેલાં વાસણો કોરાંમોરાં સાફ થઈ જાય એવી વ્યવસ્થા કરવી જોઈએ.
આ માટેનું સાયન્ટિફિક કારણ પણ જાણવા જેવું છે. એઠાં વાસણોને કારણે ઘરમાં જ્યાં પણ એ વાસણો મૂકવામાં આવે ત્યાં ગંદકી પ્રસરે છે, જેને લીધે ઘરમાં વાંદાઓ અને હાનિકારક બૅક્ટેરિયા વધે છે જે સ્વાસ્થ્ય માટે નુક્સાનકર્તા છે.

મોડે સુધી જાગવું કે રાતે ખાવું નહીં

રાતે મોડે સુધી જાગવાથી શરીરનો સાત્ત્વિક ગુણ ઘટે છે અને તામસિક ગુણ વધે છે જેને કારણે નકારાત્મકતા વધે છે અને ચંદ્ર દૂષિત થાય છે. ચંદ્ર દૂષિત હોય એવા સમયે વ્યક્તિ ડિપ્રેશનથી માંડીને વિચારવાયુનો શિકાર બની શકે છે તો સાથોસાથ લાંબા ગાળે અનિદ્રાનો રોગી પણ બને છે. આ બાબતનું સાયન્ટિફિક કારણ પણ સમજવા જેવું છે. મોડે સુધી જાગવાથી શરીરના પાચનકાર્ય સાથે જોડાયેલાં અંગોને પોતાનું કાર્ય કરવામાં ખલેલ પડે છે તો સાથોસાથ મોડી રાતે ખાવાથી જઠરાગ્નિ મંદ પડે છે જેનાથી પાચનશક્તિ બગડે છે.

Whatsapp-channel Whatsapp-channel

09 August, 2026 06:11 PM IST | Mumbai | Acharya Devvrat Jani

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK