Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > દરેક પરિવારે નાણાકીય વિષયને રોજિંદી પ્રવૃત્તિનો ભાગ બનાવવો

દરેક પરિવારે નાણાકીય વિષયને રોજિંદી પ્રવૃત્તિનો ભાગ બનાવવો

Published : 02 August, 2026 07:48 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાણાકીય આયોજનને ભાર નહીં પરંતુ પરિવારની રોજિંદી આદત બનાવવાની જરૂર છે. અઠવાડિયામાં થોડો સમય ફાળવી સરળ ચર્ચા અને સહભાગિતાથી પૈસાનું યોગ્ય આયોજન કરીને મજબૂત આર્થિક ભવિષ્ય બનાવી શકાય.

પ્રિયંકા આચાર્ય

પ્રિયંકા આચાર્ય


‘મૈંને પ્યાર કિયા’ ફિલ્મનો એક પ્રચલિત સંવાદ છે : ‘નો સૉરી, નો થૅન્ક્યુ! દોસ્તી કી હૈ, નિભાની તો પડેગી!’ દોસ્તી વરસના વચલા દહાડે એક મોટું સેલિબ્રેશન કરીને નહીં પરંતુ સતત સંપર્કમાં રહીને, એકમેકને મદદરૂપ થઈને નિભાવવાની હોય છે. મિત્રને ‘કેમ છો?’ પૂછવા માટે આપણે ફ્રેન્ડશિપ ડેની રાહ નથી જોતા. આ મુદ્દાને નાણાકીય બાબતો સાથે સાંકળીએ. નાણાકીય નિર્ણયો માટે મોટા ભાગના પરિવારો દિવાળી, નવું વર્ષ કે ટૅક્સ-રિટર્ન ભરવાની છેલ્લી તારીખ સુધી રાહ જોતા હોય છે. ત્યાં સુધીમાં ઘણાં રોકાણો ભુલાઈ ગયાં હોય છે, બિનજરૂરી ખર્ચ થઈ ચૂક્યો હોય છે તથા અનેક નાણાકીય તકો હાથમાંથી નીકળી ગઈ હોય છે. હવે સમય આવી ગયો છે કે આપણે નાણાકીય વિષયને એક કંટાળાજનક કામ નહીં પણ સાચો મિત્ર ગણીએ. 
અહીં કહેવું જરૂરી છે કે લોકોને આજે વધુ પડતી નાણાકીય સલાહોની નહીં પણ એક સરળ નાણાકીય દિનચર્યાની જરૂર છે. જે રીતે ઘરની બહાર રમવા જવું એ બાળકોનો રોજિંદો ક્રમ હોય છે એ જ રીતે દરેક પરિવારે પણ નાણાકીય વિષયને રોજિંદી પ્રવૃત્તિનો ભાગ બનાવવો જોઈએ.
દરેક પરિવાર અઠવાડિયામાં એક દિવસ સાંજે ફક્ત ૨૦ મિનિટ ફાળવે. કોઈ કૅલ્ક્યુલેટર કે ઉપદેશની જરૂર નથી. ડાઇનિંગ ટેબલ પર બેસીને ૪ સરળ પ્રશ્નો પૂછો:
• આ અઠવાડિયે પૈસાને લીધે આપણું જીવન કઈ રીતે પહેલાં કરતાં સારું બન્યું?
• આપણાથી એવો તે કયો ખર્ચ થઈ ગયો કે એના વિશે જાણીને આઘાત લાગ્યો?
• આપણને અમુક વસ્તુઓ આર્થિક રીતે પરવડે છે એની પાછળનું કારણ શું?
• આવતા અઠવાડિયે પૈસા આપણને શું પ્રાપ્ત કરવામાં મદદ કરશે?
જુઓ, આમાંથી એક પણ પ્રશ્નમાં પોતાના પર કે બીજા પર દોષારોપણ નથી. સાચા મિત્રો એકબીજાને જજ નથી કરતા પરંતુ સમજે છે. દર મહિને પરિવારના એક સભ્યને ફાઇનૅન્સ-ફ્રેન્ડ બનાવો. નાનું બાળક વીજળીની બચત પર ધ્યાન આપી શકે, કિશોર વયનું બાળક કરિયાણાનાં બિલ સરખાવી શકે, માતા-પિતા વીમા કે રોકાણની સમીક્ષા કરી શકે અને દાદા-દાદી તેમના સમયની નાણાકીય સમજણની વાતો શૅર કરી શકે. આનાથી નાણાકીય વહીવટ બોજ બનવાને બદલે સૌની ભાગીદારીનો બની રહેશે.
દર મહિનાના પહેલા રવિવારે રાત્રે જમ્યા પછી સાથે ચાલીને ‘મની વૉક’ની શરૂઆત કરો. ચાલતી વખતે કોઈ ખર્ચ બાબતે દલીલબાજી નહીં, પરંતુ સકારાત્મક વિચાર રાખીને ભવિષ્યમાં ફરવા જવા માટેની બચત વિશે કે નવું કૌશલ્ય શીખીને થોડાં વધુ નાણાં કમાવા વિશે વાતો કરો.
નાની સફળતાઓની ઉજવણી કરો. જો પરિવારે બિનજરૂરી ઑનલાઇન ખરીદી ટાળી હોય કે બજેટ અનુસાર ખર્ચ કર્યો હોય તો ઘરે બનાવેલી મીઠાઈથી એની ખુશી મનાવો. સકારાત્મક સ્મૃતિઓથી સારી આદતો કેળવાય છે, સતત ટોકતા રહેવાથી નહીં. 
છેલ્લે કહેવાનું કે ‘દોસ્તી કી હૈ, તો નિભાવી તો પડેગી!’


Whatsapp-channel Whatsapp-channel

02 August, 2026 07:48 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK