કેટલાક નામના જ શેઠ હોય, બાકી જીવન તો તેમનું વેઠમાં જ પસાર થતું હોય; પૈસો પારાવાર હોય, પણ ચામડીની જેમ પૈસો તેમના હાથમાંથી છૂટે નહીં
પ્રતીકાત્મક તસવીર
ઓણ વરસાદમાં બે વસ્તુ રહી સાવ કોરીકટ,
એક તો આખેઆખા અમે અને બીજો તમારો વટ કવિ રમેશ પારેખની આ પંક્તિ મારી ફેવરિટ છે, પણ આપણે અત્યારે આ પંક્તિની ભાવના કરતાં જરાક જુદી વાત કરવાની છે.
ADVERTISEMENT
ચોમાસું બરાબરનું દેશમાં જામી ગ્યું છે. ધોળે દિવસે સમી સાંજ હોય એવું આકાશ ગોરંભાઈને મન મૂકીને વરસી પડે ને એ પછી પણ કેટલાક મનમેલા કોરાકટ રહી જાય. બિચારા વરસાદને થોડી ખબર કે અમુક માણસો જન્મજાત રેઇનકોટ સાથે પધારેલા છે. આપણી આજુબાજુમાં અમુક માણસો માત્ર રૂપિયાના ચોકીદાર હોય છે. એ લોકો બસ બૅન્કની ડિપોઝિટો જ ગણતા રહે - પાંચ કરોડ આ બૅન્કમાં પાકશે ને બે કરોડ ઓ’લી બૅન્કમાં પાકશે. રૂપિયા પર સર્પ થઈને બેઠેલાને યાદ કોણ કરાવે કે એ પાકશે ત્યાં તુંય પાકી જાઈશ, તું ક્યાં અમરપટ્ટો લખાવીને આવ્યો છે?
મને બરાબર યાદ છે કે કોરોના સમયે બધા પોતપોતાની રીતે રાહતફન્ડ લખાવતા હતા. અમે શિક્ષકોએ પણ નક્કી કર્યું કે આપણે પણ આ કામ આગળ વધારીએ. અમે તો ગયા ફાળો લેવા એક શેઠ પાસે. જઈને વાત કરી. શેઠે કોઈ જાતના વિરોધ વિના ૧૦,૦૦૦ રૂપિયાનો ચેક ફાડી નાખ્યો. અમે તો હેબક ખાઈ ગયા. ચંપલમાં પણ સ્ટેપલર મારતો આ શેઠિયો દલીલ વિના સીધો ૧૦,૦૦૦ આપે કેમ?
મને પેટમાં બરાબરનું સનેપાત એટલે નીકળીને મેં મારા સાથી શિક્ષકોને વાત કરી.
‘સાંઈ, તમને દરેક વાતમાં શંકા જ હોય.’
‘કોઈ આપણા પર લઘુશંકા કરે એના કરતાં આપણે શંકા કરવી સારી...’ મેં મીંડાં ગણવા ચેક હાથમાં લીધો, ‘કાં તો શેઠે ભૂલથી મીંડાં વધારે લખી નાખ્યાં ને કાં તો તેણે ઊડી જાય એવી શાહી વાપરી છે... દાળમાં કાંઈક તો કાળું છે.’
દાળ જ આખી કાળી નીકળી.
શેઠે ચેકમાં સહી જ નહોતી કરી!
અમે ગયા પાછા શેઠ પાસે. મેં શેઠને સહી કરવાનું કહ્યું તો માળો ગટીડો મને કયે, ‘આ ગુપ્તદાન છે.’
કેટલાક નામના શેઠ હોય. કહેવાય શેઠ, પણ કરે વેઠ. મારું માનવું છે કે કો’કને ફેરવીને થપ્પડ મારી શકે એ જ કો’કને લાખનું દાન કરી શકે. હા, દાન હિંમતવાળા મરદ માણસનું કામ અને એ પણ યાદ રાખજો કે તમારો પરસેવાનો રૂપિયો જ્યાં સુધી પર-સેવામાં લાગતો નથી ત્યાં સુધી તમારી જિંદગી વ્યર્થ છે. સમયસર દાન કરીને પુણ્યનું ઇન્વેસ્ટમેન્ટ નહીં કરો તો યાદ રાખજો કે કફનમાં ખિસ્સું હોતું નથી અને યમરાજ લાંચ લેતો નથી.
યમરાજ પરથી શ્રાદ્ધનો એક બનાવ યાદ આવ્યો. ભાદરવો એટલે શ્રાદ્ધનો મહિનો. ગયા ભાદરવે મારા એકમાત્ર અકલમઠ્ઠા ભાઈબંધ ચમનના ઘરે હું તેના બાપુજીના શ્રાદ્ધમાં જમવા ગયો હતો. ચમન મને ક્યે, ‘સાંઈ, હાલને અગાસી પર, જરાક મારા બાપુજીને ખીર ખવડાવી આવીએ.’
હું, ચમન અને તેની બા અગાસીએ ચડ્યાં. એક કાગડો કનેક્શન વિનાના ઍન્ટેનાના એરિયલ પર આશાભરી નજરે બેઠો’તો. ચમને ખીરનો વાટકો ઊંચો કરીને કાગડાને આહવાન આપ્યું, ‘આવોને બાપુજી, ખીર ખાવા ઊતરોને...’
કોણ જાણે શું થયું કે કાગડાની આખી નાતમાં ઠરાવ પાસ થઈ ગ્યો હોય કે ગમે એમ કાગડો એરિયલને રાઉન્ડ મારે, પણ ખીરના વાટકા પાસે લેન્ડિંગ ન કરે. પછી મારી ધીરજ ખૂટી. મેં ચમનને પૂછ્યું, ‘ભાઈ, તારા બાપુજી કાંઈ રિસાયા છે? કેમ ખીર જમવા હેઠા નથી ઊતરતા?’
ચમને મને કાનમાં કહ્યું, ‘ના-ના સાંઈરામ, એવું નથી. મારી બા બાજુમાં ઊભાં છે એટલે બાપુજી નહીં જમી શકે. જિંદગી આખી કોઈ દી બાએ સુખે જમાડ્યું જ નથી.’
આમ તો બા ઓછું સાંભળતાં, પણ પોતાની વાત તેને ગમે ત્યાંથી સંભળાઈ જતી. બા તરત જ તાડૂક્યાં, ‘રોયા, એવું નથી. હું તારા બાપાને ચાલીસ વરહથી ઓળખું છું. તે તો સામે અનસૂયાબહેનના ઘરેથી ખીરના લોંદા ખાઈને આવ્યા હશે. તેને મારા હાથનું કોઈ દિ’ નથી ફાવ્યું.’
ચમનને આ પૂર્વાપર સંબંધ સમજાયો નહીં, પરંતુ મને આખો દાખલો ગળે ઊતરી ગયો. ત્યાં એક જોરદાર ઘટના બની. ચમનના પાડોશીએ બંદૂકમાંથી ભડાકો કર્યો અને એરિયલ પર બેઠેલા ચમનના બાપાને ઢાળી દીધા. ચમનનાં બાએ કાણ માંડી કે બેટા, જો આ પાડોશીએ તારા બાપાને પતાવી દીધા. માતૃભક્ત ચમન તરત જ પાડોશીને ઠમઠોરવા તૈયાર થઈ ગયો. હું પણ હિંમત દાખવી યજમાન સાથે જોડાયો. ત્યાં જઈને ચમને બુલંદ અવાજે પડકાર ફેંક્યો, ‘તને ખબર છે એ’લા, તેં ગોળી મારી એમાં મારા બાપુજી ગુજરી ગ્યા.’
પાડોશીએ વળતો પ્રહાર કર્યો, ‘એ તારા બાપુજી નો’તા ચમન, એ તો મારા બાપુજી હતા...’
ભૂખ્યા પેટે મને તો આ ચમન ને તેનો પાડોશી બેય કાગડા જેવા જ લાગતા હતા; પણ શું થાય, મારે તો એ બધું જોતા રે’વાનું હતું. હું કંઈ વધારે પૂછું કે કોઈને રોકું એ પહેલાં ચમને સવાલ કર્યો, ‘તારા બાપુજી મારા ઘરે શું કરતા’તા?’
પાડોશી બોલ્યો, ‘એટલે તો માર્યા. મારે ને તારે ૧૦ વરહથી ચા-પાણીનો વેવાર નથી ને મારા બાપા તારા હાથની ખીર ખાય તો એવો બાપ જોઈ જ નઈ.’
આપણા જ્યોતિષીઓ કહેતા રહે કે તમને પિતૃદોષ છે, પણ હું માનું છું કે પિતૃઓ કરતાં આ પિતરાઈઓ વધારે નડે.
પિતૃઓને તૃપ્ત કરવા પીપળે પાણી રેડાય અને પિતરાઈઓને તૃપ્ત કરવાના હોય ત્યારે ઉછીના રૂપિયા ધરાય. ઈશ્વર સદાય પિતૃથી પણ વધારે ભારે એવા પિતરાઈઓથી બચાવે અને તમે દાન કરતા રહીને તમારી મર્દાનગી દેખાડતા રહો એવી શુભેચ્છા સાથે હાલો ત્યારે આજના દિવસનો ઢાંકોઢૂંબો કરી લઈએ.

