આજે મળીએ વક્તા, મોટિવેશનલ સ્પીકર, સંચાલક, ડાયરાના કલાકાર અને રેડિયો કલાકારને જે લોકોએ જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે એની પાછળ તેમની વાણી જવાબદાર છે
તુષાર શુક્લ, કાજલ ઓઝા વૈદ્ય, સુનીલ સોની, વૈશાલી ત્રિવેદી
આજે વાક્ બારસ છે. ઘણા લોકો એને વાઘબારસ કહે છે પણ એ શબ્દ અપભ્રંશ થઈને આવ્યો છે. આજના દિવસે સરસ્વતીદેવીનું પૂજન થાય છે જે વાણીના પણ દેવી છે. આજે મળીએ વક્તા, મોટિવેશનલ સ્પીકર, સંચાલક, ડાયરાના કલાકાર અને રેડિયો કલાકારને જે લોકોએ જીવનમાં જે કંઈ પણ મેળવ્યું છે એની પાછળ તેમની વાણી જવાબદાર છે. તેમની વાણી જ છે જેમણે તેમને ખાસ બનાવ્યા છે. જાણીએ તેમની પાસેથી કે વાણીનું તેમના જીવનમાં શું મહત્ત્વ છે અને કઈ રીતે એને કેળવી શકાય...
હું ભાષા વાપરતો નથી, એનો ઉપયોગ કરું છું : તુષાર શુક્લ
ADVERTISEMENT
સંગીતના કાર્યક્રમો, કાવ્ય અને મુશાયરાઓમાં જેમના સંચાલનના નામે ટિકિટો વેચાય એવા તુષાર શુક્લ ખુદ કવિ પણ છે. તેમણે જુદા-જુદા વિષયો પર ઘણાં પુસ્તકો લખ્યાં છે. તેઓ આકાશવાણી અમદાવાદ અને રાજકોટ કેન્દ્ર સાથે પણ સંકળાયેલા હતા. તેમના પિતા દુર્ગેશ શુક્લ જાણીતા સાહિત્યકાર હતા એટલે નાનપણથી તેમને ભાષાનું જ્ઞાન સારું હતું. એ વિશે વાત કરતાં તુષાર શુક્લ કહે છે, ‘મને ક્યારેય એવું લાગ્યું જ નથી કે મને સારું બોલતાં નથી ફાવતું. હું નાનો હતો ત્યારથી શિક્ષકોનો લાડલો, કારણ કે તેમને લાગતું કે આ છોકરો કોઈ પણ વાતને સારી રીતે કહી શકે છે. એટલે મને ક્યારેય માર પણ પડ્યો નથી. ઊલટું મેં ભાઈબંધોને તેમનાં માતા-પિતા સાથે વાત કરીને મારથી બચાવ્યા હોવાના દાખલા છે. જો તમારી વાણી સમૃદ્ધ હોય તો તમે જીવનમાં ઘણું મેળવી શકો. મેં તો જે પણ મેળવ્યું છે કે આજે હું જે પણ કંઈ છું એ વાણીના પ્રતાપે છું. હું ભાષા વાપરતો નથી, એનો ઉપયોગ કરું છું અને આ ઉપયોગ મને ફળ્યો છે.’
વક્તવ્ય ક્યારે સાર્થક થયું ગણાય? આ પ્રશ્નનો જવાબ આપતાં તુષાર શુક્લ કહે છે, ‘લોકોને લાગે છે ભાષાની શુદ્ધતા, કહેવાની રીત, શબ્દોનું ચયન, અવાજનું માધુર્ય કે ક્વૉલિટી એ બધું મહત્ત્વનું છે. કદાચ ઉપરની દૃષ્ટિએ જોઈએ તો ચોક્કસ એ છે જેમાં અમુક વસ્તુ કેળવી શકાય અમુક નહીં. પરંતુ અહીં અમુક અપવાદો વિશે પણ ધ્યાન રાખવું જરૂરી છે. મહાત્મા ગાંધી પાસે જોવા જઈએ તો એ ઉચ્ચારો, એવો અવાજ કે ભાષાકીય સમજ કદાચ ન હોય પણ તે એવું બોલતા કે લોકો તેમના માટે મરવા તૈયાર થઈ જતા. એ પણ આખા ભારતના લોકો, કોઈ એક પક્ષની વાત નથી. કારણ કે બોલનારનું વ્યક્તિત્વ પણ એટલું જ મહત્ત્વનું છે. તે પોતે કેવી વ્યક્તિ છે અને તેનું ચરિત્ર જ તેણે લોકો સમક્ષ મૂક્યું છે કે તે જે બોલે એનો એક જુદો પ્રભાવ પડે.’
જો સારું બોલવું હોય તો શું શીખવું કે સમજવું જરૂરી છે? આ પ્રશ્નનો જવાબ આપતાં તુષાર શુક્લ કહે છે, ‘બોલવું એ કાનની કળા છે. જેટલું તમે સાંભળશો એટલું તમે સારું બોલી શકશો. શબ્દો અને ભાષાની શુદ્ધતા જરૂરી છે એવું ઘણા લોકો કહે છે પણ બાર ગામે બોલી બદલાય એમ મારા માટે બોલી અને એ તળપદા ઉચ્ચારો પણ એટલાં જ મહત્ત્વનાં છે. હું દરેક બોલીને ઓળખી શકું છું અને કહી શકું છું કે આ વ્યક્તિ ક્યાંની છે. આજના ઇન્સ્ટાના જમાનામાં લોકોને એવું થાય છે કે તેઓ નવી વાત કરી રહ્યા છે પણ જો તેમનું વાંચન વિશાળ હોય તો તેમને સમજાય કે એક વાતને કેટલી જુદી-જુદી રીતે લોકો કહી ગયા છે. આમ સારું બોલવા માટે વાંચન પણ અનિવાર્ય છે.’
મારું વક્તવ્ય બીજાને કરે એ પહેલાં મને મોટિવેટ કરે છે : કાજલ ઓઝા વૈદ્ય
પત્રકાર, ટીવી-સિરિયલો અને ફિલ્મોનાં સ્ક્રીન-પ્લે લેખિકા, અઢળક બેસ્ટ સેલર્સ બુકનાં લેખિકા તરીકે જાણીતાં કાજલ ઓઝા વૈદ્ય ઘણાં વર્ષોથી જાતે લખતાં જ નથી. તેઓ બોલે છે. તેઓ જે બોલે છે એ તેમના લેખો અને બુક્સમાં લખાય છે. એટલે કે તેમની અભિવ્યક્તિ બોલીને જ તેઓ કરે છે. ગુજરાતી સમાજને વિશ્વભરમાં તેમણે તેમનાં વક્તવ્યોથી ઘણું માર્ગદર્શન પૂરું પાડ્યું છે. તેમને વાણીએ શું આપ્યું એ પ્રશ્નનો જવાબ આપતાં કાજલ ઓઝા વૈદ્ય કહે છે, ‘મને વાણીએ નવજીવન આપ્યું છે કારણ કે હું મોટિવેશનલ સ્પીકર તરીકે ફક્ત બોલતી નથી, ખુદને સાંભળું પણ છું. ખુદની વાતને સાંભળીને પહેલાં હું મોટિવેટ થાઉં છું. આમ મારાં વક્તવ્યોની સૌથી વધુ અસર મારા પર થાય છે એટલે જ લોકોને એ અસરકારક લાગે છે.’
લેખન અને વક્તવ્ય આ બન્ને વચ્ચે તમને મોટો ફરક શું લાગે છે? કાજલબહેન કહે છે, ‘લેખનમાં જે વસ્તુ ખોટી થઈ ગઈ એ ભૂંસીને ફરી લખી શકાય છે. બોલવામાં એવું થતું નથી, મોઢામાંથી નીકળેલા શબ્દો એક વાર નીકળી ગયા પછી પાછા આવતા નથી. શાહરુખ ખાને એમ જ એક વાર કહ્યું હતું કે હું ઇચ્છું છું કે મારો દીકરો ડ્રગ્સ કરે. કહેવા ખાતર કહેલી વાતને લોકોએ આટલાં વર્ષો પછી કેવી રીતે વાપરી એ આપણે સૌ જાણીએ છીએ. એટલે જ હું કહું છું કે સ્વાદ અને શબ્દો પર કાબૂ જરૂરી છે.’
એક વક્તા તરીકે તમે કેમ સફળ થયાં? એ પ્રશ્નનો જવાબ આપતાં કાજલ ઓઝા વૈદ્ય કહે છે, ‘મારું વાંચન વિશાળ છે પણ એનો મારો હું મારા શ્રોતાઓ પર નથી કરતી. હું ક્યારેય ઉપનિષદો કે ગ્રંથોનાં ઉદાહરણો નથી ટાંકતી. કવિતાઓ અને છંદોનો મારો ચલાવતી નથી. હું એ વાત કરું છું જે મને ઠીક લાગે છે. હું દિલથી વાત કરું છું. કોઈને ઇમ્પ્રેસ કરવા માટે નથી બોલતી. કોઈ પણ વ્યક્તિને હું એ જ કહીશ કે તમે જીવનમાં જેની સામે જે પણ બોલો એ તેને ખુશ કરવા ન બોલો, સાચું બોલો. સત્ય એ ખરો વાણીનો પ્રભાવ છે. લોકોને આંજી દેવા માટે ન બોલો. ખુદના વિશે બોલ-બોલ ન કરો. વળી જેટલો તમને બોલવાનો શોખ છે એટલો જ સાંભળવાનો પણ રાખો. આ બધી બાબતો જરૂરી છે, એક સંવાદ સાધવા માટે અને વાણીના સદુપયોગ માટે.’
શબ્દોની નાવડી, વાણીનાં હલેસાં અને સહજતાનું પહેરણ હોય ત્યારે વાણી લોકોને સ્પર્શેઃ સુનીલ સોની
અમરેલી જિલ્લાના બગસરા ગામે જન્મેલા સુનીલ સોનીને મુંબઈ અહીં ખેંચી લાવ્યું. સૌરાષ્ટ્રમાં લોકોને ડાયરાથી પ્રેમ હોય એ સમજાય પણ મુંબઈમાં તો લોકોને ડાયરો શું છે એ સમજાવવું પડે એવી પરિસ્થિતિમાં મુંબઈમાં પોતાનું સ્થાન જમાવનાર આ કલાકાર કહે છે, ‘જે જગ્યાએ જે વસ્તુ હોય જ નહીં એની લોકોને વધુ કદર હોય છે. લોકસાહિત્ય અને લોકસંગીત એ બન્ને આ શહેરમાં દુર્લભ ન રહે એ માટે મારા જેવા કલાકારોને આ શહેરે અપનાવેલા છે.’
પરંતુ તમને ખબર ક્યારે પડી કે તમારી અંદર એ વાક્ કલા છે? આ પ્રશ્નનો જવાબ આપતાં સુનીલ સોની કહે છે, ‘હું નાનો હતો ત્યારે ચોથા ધોરણમાં ‘મને ગમે ગામડું કે શહેર’ આ વિષય પર બોલવાનું હતું અને મને એમાં બીજો નંબર મળેલો. પરંતુ ત્યારે એ ખબર પડી ગઈ હતી કે બોલતાં તો આવડે છે. એ પછી ધીમે-ધીમે શબ્દોની નાવડી અને વાણીનાં હલેસાં સાથે ક્યારે હું આ કલાનો સાધક બની ગયો એ મને ખબર પણ ન પડી.’
કણ છે જે વાણીને સાધી શકે છે એ સમજાવતાં સુનીલ સોની કહે છે, ‘જે વ્યક્તિઓ પર ૮૦ ટકા ઈશ્વરની અને ગુરુની કૃપા હોય તેઓ મહેનત કરીને ૨૦ ટકા એને કેળવી શકે છે એમ મને લાગે છે. કોઈ થેરપી કે કોઈ સ્પીકિંગ ક્લાસ આમાં કામ લાગતા નથી. જે અંદરથી આવે એ જ લોકો સમક્ષ પીરસાય. હું નાનપણથી ભીખુદાન ગઢવી અને શાહબુદ્દીન રાઠોડને સાંભળું છું. એ બન્નેને અનુસરું છું. શાહબુદ્દીનભાઈએ તો મને કહેલું કે આવનારી પેઢીને સાહિત્ય પીરસવાની જવાબદારી તમારી છે. નવી પેઢી આપણા મૂળ તત્ત્વથી દૂર ન જાય એ જોવાનું છે. બીજું, તેમણે એ પણ કહેલું કે એનો અર્થ એ નથી કે જૂનું બધું જડની જેમ પકડી રાખો. નવી પેઢીને નવું આપો. એ માટે ચિંતન કરો. નવા વિચારો લાવો. તેમનું આ કહેણ અમારા માટે ઘણું પ્રેરણાદાયી છે.’
વાણીનો સદુપયોગ કઈ રીતે શક્ય છે અને એને કઈ રીતે અસરકારક બનાવી શકાય એનો જવાબ આપતાં સુનીલ સોની કહે છે, ‘લોકોને લાગે છે કે ચમત્કારિક શબ્દપ્રયોગ તમે કરો તો લોકો પ્રભાવિત થાય. કોઈ નવીન વાત કરો તો લોકો પ્રભાવિત થાય. પણ આ બધી વાત કરતાં એક મહત્ત્વની વાત એ છે કે તમે જેટલા સહજ રહો અને સહજ વાત કરો એટલી લોકોને સ્પર્શે. દંભ કે ડોળ વ્યક્તિને ખટકે છે. લોકો ખૂબ બુદ્ધિશાળી છે. જે તમે નથી એ તમે બોલો છો તો તેઓ તરત તમને પકડી પાડશે. પરંતુ જે તમે સહજ રીતે છો એ જ વસ્તુ સહજ રીતે શબ્દના સથવારે લોકો સુધી પહોંચાડશો તો એ સ્પર્શશે.’
તમારે વાણીને કેળવવી પડે છે : વૈશાલી ત્રિવેદી
છેલ્લાં ૩૫ વર્ષથી ઑલ ઇન્ડિયા રેડિયો સાથે જોડાયેલાં અને હાલમાં આકાશવાણીમાં પ્રોગ્રામ એક્ઝિટિવ તરીકે કાર્યરત વૈશાલી ત્રિવેદીએ પોતે અવાજની દુનિયામાં અઢળક કામ કર્યું છે એટલું જ નહીં, ઘણા લોકોને પોતાના હાથ નીચે ટ્રેઇન પણ કર્યા છે. વાણીનું મહત્ત્વ સમજાવતાં વૈશાલી ત્રિવેદી કહે છે, ‘જન્મતાંની સાથે જે મળતી નથી પરંતુ એને તમારે કેળવવી પડે એ વાણી છે. ઘણા લોકો છે બોલતાં શીખે છે અને બોલે પણ છે પણ વાણીને કેળવતાં ભૂલી જાય છે. તમે ભલે અવાજની દુનિયામાં કાર્યરત હો કે ન હો, તમારે વાણીને કેળવવી જોઈએ.’
તમે કઈ રીતે તમારી ભાષાને કેળવી? આ પ્રશ્નનો જવાબ આપતાં વૈશાલી ત્રિવેદી કહે છે, ‘મારા જીવનના અનુભવોએ મારી વાણીને કેળવી છે. વાણીની કેળવણી માટે વિચારો મહત્ત્વના છે. મોટા ભાગે લોકોને લાગે છે કે સારું બોલવા માટે સારી ભાષા આવડવી જોઈએ. ભાષા જરૂરી છે પણ એટલેથી અટકવું યોગ્ય નથી. મને જીવને અનુભવોનો જે ખજાનો આપ્યો છે એના પરથી મારી વાણીની કેળવણી થઈ. તમારી વાણીમાં વજન ત્યારે આવે જ્યારે તમારા વિચારોમાં વજન હોય. એ વજન તમારા અનુભવો તમને આપે છે.’
તમે ઘણા લોકોને તમારી હેઠળ ટ્રેઇન કર્યા છે. કઈ રીતે બોલવાથી એ વક્તવ્યને તમે પ્રભાવશાળી કે યાદગાર બનાવી શકો? આ પ્રશ્નનો જવાબ આપતાં વૈશાલી ત્રિવેદી કહે છે, ‘એક હોય છે વાંચવું અને બીજું હોય છે બોલવું. જ્યારે વ્યક્તિ વાંચી જતી હોય તો તે કોઈના ભાવને પોતાના ભાવાત્મક અવાજમાં વાંચી જતી હોય છે પણ જ્યારે તમે બોલો છો ત્યારે એ શબ્દોને તમારે અનુભવવા જરૂરી છે. એ વિચાર કે એ શબ્દો તમારી અંદરથી ઊગવા જોઈએ. એને તમે અનુભવો અને પછી બોલો તો એ બીજા વ્યક્તિના મન સુધી પહોંચે છે. અનુભવ્યા વગરનું વક્તવ્ય શુષ્ક લાગતું હોય છે. બીજું એ કે એક વક્તા તરીકે આજે દરેક વ્યક્તિ એ બોલે છે જે તેને બોલવું છે. એવું ન હોવું જોઈએ, લોકોને શું સાંભળવું છે એનો અંદાજ પણ વક્તાને હોવો જરૂરી છે.’
બોલવાનું મહત્ત્વ જણાવતાં તેઓ કહે છે, ‘કોઈ પણ માણસને બોલવા દો. બોલવાથી મનનો ભાર હળવો થાય છે. મન પર બોજ લઈને ફરતી વ્યક્તિ જ્યારે બોલે છે ત્યારે આપોઆપ તેની તકલીફો ઓછી થાય છે. વિચારો બોલવામાં કેટલી શક્તિ છે એ તમને હીલ કરી શકે છે. કોઈના બોલેલા શબ્દો જ નહીં, ખુદના બોલેલા શબ્દો પણ હીલિંગમાં મદદરૂપ થાય છે. એટલે તમે પણ બોલો અને લોકોને બોલવા દ્યો.’

