મ્યુચ્યુઅલ ફન્ડ ચલાવતી કંપનીઓ એટલે કે ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ (AMC) દર મહિને ફૅક્ટશીટ બહાર પાડે છે. ચાલો સમજીએ કે એક સમજદાર રોકાણકારે ફૅક્ટશીટમાં કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
મ્યુચ્યુઅલ ફન્ડ ચલાવતી કંપનીઓ એટલે કે ઍસેટ મૅનેજમેન્ટ કંપનીઓ (AMC) દર મહિને ફૅક્ટશીટ બહાર પાડે છે. ચાલો સમજીએ કે એક સમજદાર રોકાણકારે ફૅક્ટશીટમાં કયા મુદ્દાઓ પર ખાસ ધ્યાન આપવું જોઈએ.
૧. રોકાણનો હેતુ અને શ્રેણી : સૌથી પહેલાં સ્કીમનો ઉદ્દેશ સમજી લેવો. શું એ ઇક્વિટી ગ્રોથ ફન્ડ છે, હાઇબ્રિડ બૅલૅન્સ્ડ ફન્ડ છે કે ડેટ ઇન્કમ ફન્ડ છે. ફન્ડ લાંબા ગાળે મૂડીની વૃદ્ધિ માટે છે કે પછી સ્થિર આવક અથવા બન્નેનું સંયોજન હાંસલ કરવા માગે છે એની જાણ ફન્ડના ઉદ્દેશ પરથી થાય છે. ફન્ડનો ઉદ્દેશ તમારાં વ્યક્તિગત નાણાકીય લક્ષ્યો - જેમ કે નિવૃત્તિ, સંતાનનું શિક્ષણ અથવા ઘરની ખરીદી સાથે મેળ ખાતો હોવો જોઈએ.
ADVERTISEMENT
૨. ઍસેટ અલોકેશન અને પોર્ટફોલિયો : ફૅક્ટશીટ બતાવે છે કે ફન્ડનું રોકાણ કયા-કયા પ્રકારની ઍસેટ્સમાં થયેલું છે - જેમ કે લાર્જ-કૅપ, મિડ-કૅપ, સ્મૉલ-કૅપ, બૉન્ડ્સ, કૅશ ઇક્વિવલન્ટ્સ અથવા આંતરરાષ્ટ્રીય રોકાણો. આ માહિતી તમને બતાવે છે કે ફન્ડ કેટલું ડાઇવર્સિફાઇડ છે અને એમાં રહેલા જોખમનું સ્તર તમારી સહનશક્તિને માફક આવે એવું છે કે નહીં. ઉદાહરણ તરીકે જો મોટા ભાગનું રોકાણ સ્મૉલ-કૅપ શૅરોમાં છે તો ફન્ડ વધુ જોખમી ગણાય.
૩. ટોચનાં હોલ્ડિંગ્સ અને સેક્ટર એક્સપોઝર : દરેક ફૅક્ટશીટમાં ફન્ડનાં ટોચનાં ૧૦ હોલ્ડિંગ્સ અને સેક્ટર પ્રમાણેની ફાળવણી દર્શાવાયેલી હોય છે. જો ફન્ડ થોડાં જ સેક્ટર્સમાં વધુ રોકાણ કરે તો એને કૉન્સન્ટ્રેશન રિસ્ક કહેવાય. ઉદાહરણ તરીકે જો કોઈ ફન્ડનું ૪૦ ટકા રોકાણ બૅન્કિંગ સેક્ટરમાં હોય તો બૅન્કિંગ શૅરોના ભાવમાં થનારા ફેરફારની વધારે અસર ફન્ડની કામગીરી પર થાય.
૪. બેન્ચમાર્કની તુલનાએ કામગીરી : હંમેશાં જુઓ કે ફન્ડે ૧, ૩, ૫ અને ૧૦ વર્ષમાં એના બેન્ચમાર્ક ઇન્ડેક્સની સરખામણીમાં કેવું પ્રદર્શન કર્યું છે. જો કોઈ લાર્જ-કૅપ ફન્ડ સતત ‘નિફ્ટી૧૦૦’ કરતાં ઓછું પર્ફોર્મ કરે છે તો ફન્ડ મૅનેજરની રણનીતિ અંગે સવાલ ઊભા થાય, પરંતુ જો ફન્ડ વધુ નફો આપતું હોય અને વૉલેટિલિટી ઓછી હોય તો એ સારા મૅનેજમેન્ટની નિશાની ગણાય.
૫. રિસ્ક રેશિયો : ફન્ડને લાગુ પડતાં જોખમો જાણવા માટેના માપદંડમાં સ્ટાન્ડર્ડ ડિવિયેશન, બીટા, શાર્પ રેશિયો અને આલ્ફાનો સમાવેશ થાય છે. સ્ટાન્ડર્ડ ડિવિયેશન બતાવે છે કે ફન્ડમાં કેટલો ઉતાર-ચડાવ આવે છે. બીટા દર્શાવે છે કે ફન્ડનું પ્રદર્શન એના બેન્ચમાર્કની તુલનાએ કેવું છે. શાર્પ રેશિયો બતાવે છે કે જોખમની સામે કેટલું વળતર મળ્યું. આલ્ફા પરથી એ ખબર પડે છે કે મૅનેજરે બેન્ચમાર્ક કરતાં કેટલો વધારાનો નફો મેળવ્યો.
૬. એક્સ્પેન્સ રેશિયો (ખર્ચનો ભાગ) : જો ફન્ડ મૅનેજ કરવાનો ખર્ચ વધારે હોય તો લાંબા ગાળે વળતર ઘટી જાય છે. ખાસ કરીને ડેટ ફન્ડમાં જ્યાં નફો ઓછો હોય છે ત્યાં તો ખર્ચનો ભાગ વધારે હોય તો એ અયોગ્ય કહેવાય. સામાન્ય રીતે ડાયરેક્ટ પ્લાનમાં ખર્ચ ઓછો હોય છે.
૭. ફન્ડ મૅનેજરનો ટ્રેક-રેકૉર્ડ : અંતમાં જુઓ કે ફન્ડ કોણ મૅનેજ કરે છે અને તેમનો અનુભવ કેવો છે. લાંબા સમયથી કાર્યરત અને બજારની અલગ-અલગ પરિસ્થિતિઓમાં અનુભવ ધરાવતા મૅનેજરો રોકાણકારની દૃષ્ટિએ સારા ગણાય.

