આપણે જેને ફળશ્રુતિ માનીએ છીએ નિષ્ફળશ્રુતિ બનતી જણાય. ઘણી વાર એકલતા એટલી લંબાય કે એને આંબી ન શકાય. ગિરીશ પરમાર વિષાદ વ્યક્ત કરે છે...
પ્રતીકાત્મક તસવીર
કોઈ આપણા જીવનમાં પ્રવેશે અને તાસીર બદલી નાખે. કોઈ આપણા જીવનમાંથી વિદાય લે અને તસવીર બદલી નાખે. કોઈ સંબંધ એવો હોવો જોઈએ જે શ્વાસનો પર્યાય બને. સંપર્કો બેશુમાર હોય, પણ સંબંધો લાચાર હોય એ સ્થિતિ વિચારતા કરી મૂકે. આપણે જેને ફળશ્રુતિ માનીએ છીએ નિષ્ફળશ્રુતિ બનતી જણાય. ઘણી વાર એકલતા એટલી લંબાય કે એને આંબી ન શકાય. ગિરીશ પરમાર વિષાદ વ્યક્ત કરે છે...
કોઈનો પગરવ થયે વર્ષો થયાં
આંગણે અવસર થયે વર્ષો થયાં
ADVERTISEMENT
તોય ડૂંડામાં હજી દાણો નથી
પાક વાવેતર થયે વર્ષો થયાં
વાવણી પછી કાપણી સુધી પહોંચવાનું હોય છે. આ બે પક્રિયા વચ્ચે પાકનું જતન કરવું પડે. કોઈ નવા કામનો આરંભ કરીએ પછી ત્વરિત પરિણામ ન મળે એવું પણ બને. ઘૂંટવામાં સમય લાગે છે. આ સમય ઘડતર અને ચણતરનો હોય છે જેના આધારે સફળતાનો પાયો નખાય છે. અનુમાન, આકલન, આયોજન, સાહસ, આત્મવિશ્વાસ વગેરે અનેક પરિબળો સફળતા માટે આવશ્યક હોય છે. વાતને પ્રાપ્તિ તરફથી જો ભક્તિ તરફ વાળીએ તો પુરુરાજ જોષી કહે છે એવી કલ્પના કરવાનું મન થાય...
ગાઢ ધુમ્મસપટની પેલે પાર તું હોઈ શકે
રંગ, રેખા કે નહીં આકાર, તું હોઈ શકે
કોઈ મારા બારણે જાસાચિઠ્ઠી નાખી ગયું
અક્ષર તો ક્યાંથી ઉકલે, લખનાર તું હોઈ શકે
સામાન્ય રીતે ડૉક્ટરના અક્ષર ઊકલતા નથી એવી સાર્વજનિક ફરિયાદ વૈશ્વિક સ્તરે જોવા મળે છે. ગડબડિયા અક્ષર ધરાવતા વિદ્યાર્થીની ઉત્તરવહીઓ પરીક્ષક કેવી રીતે તપાસતા હશે એ તો ભગવાન જ જાણે. ઘણા લોકોને પોતે લખેલા અક્ષર પણ ઉકેલાતા નથી ત્યારે ઈશ્વરનું અદૃશ્ય લખાણ વાંચવાની વાત તો જોજનો દૂર રહી. અખબારની જેમ ઈશ્વર કંઈ પ્રિન્ટ કરીને મોકલતો નથી. એના સંકેતો તો હવામાં લખાય જે ઓળખવા દૃષ્ટિ કેળવવી પડે. અશોક ચાવડા ‘બેદિલ’ સંસારી માણસની વાત સહજ શબ્દોમાં પરોવે છે...
બાણશય્યા મળી છે કાયમની
એક પડખું ફરી શક્યા ન કદી
કોઈ ને કોઈમાં આ જીવ રહ્યો
વસવસો છે; મરી શક્યા ન કદી
માબાપનો જીવ સંતાનમાં હોય છે. એ મોટું થાય ત્યાં સુધી આખું જગત જાણે એમાં જ સમાઈ જાય. ઘડતરના આ ગાળામાં જો કોઈ એકનું પણ અવસાન થાય તો સંતાનના ઉછેરમાં મોટો ફેર પડી શકે. નાનપણમાં પ્રેમની ઓછપ ભવિષ્યની અનેક સમસ્યાઓનું ઉદ્ગમ સ્થાન બને છે. સ્વભાવ આળો થઈ જાય અને નકારાત્મકતા ઘર કરી બેસે. સુખ, સગવડ અને સાહ્યબી મળી જાય પણ સંવેદના અર્જિત કરવી મુશ્કેલ હોય છે. ઓછપ એકલતા તરફ દોરી જાય અને એકલતા સંતાપ તરફ. મનોજ ખંડેરિયા એને નિરૂપે છે...
સતત ઊંઘના રોજ ફુરચા ઊડે છે
ભીતર કોઈ જામગરી દાગે અવિરત
અમે સમજી વ્હોરીને કરતાલ ઝાલી
ખબર છે હજી કોઈ તાગે અવિરત
ઊંઘ ન આવવી એક ગૂંગળાવનારી બાબત છે. અડધી કે પોણી રાતે ઊંઘ ઊડી જાય પછી સમય ન વીતીને આપણને ખૂબ વિતાડે. ઘડિયાળ તરફ વારંવાર જોવાથી એ ફાસ્ટ નથી થઈ જતી. ખંડિત થયેલી ઊંઘ સાથે અનુસંધાન ન સધાય તો છેક સવાર સુધી અકળામણને આરાધવી પડે. સ્મરણનો સહારો લઈ શકાય, પણ ક્યાં સુધી એ પ્રશ્ન યથાવત રહે છે. છતાં કિરીટ ગોસ્વામી સ્મરણને ટેકો બનાવે છે...
સુખ વિશે કંઈ સાંભળેલું જેવું તેવું યાદ છે
એ પછી સપને મળેલું જેવું તેવું યાદ છે
આ જ રસ્તે, આ વળાંકે, કોઈ આવી સાંજના
કો’ક છાતીએ ઢળેલું જેવું તેવું યાદ છે
યાદ રાખવા જેવું જીવનમાં બનવું જોઈએ. બીબાંઢાળ જિંદગીમાં કદાચ જીત હોય પણ જીવ મિસિંગ હોય. સંબંધોમાં તનાવ હોય તો પ્રેમ મિસિંગની કૅટેગરીમાં સ્થાનાંતરિત થતો જાય. ભરત વિંઝુડા વિરોધાભાસ વણી લે છે...
કશું સમાન છે મારા અને તમારામાં ને
એ સિવાય તફાવતનો કોઈ પાર નથી
ન કોઈ કાન ધરી સાંભળે છે વાત અહીં
અહીં નહીં તો શિકાયતનો કોઈ પાર નથી
પ્રત્યેક ક્ષણની વારતા મનમાં ફર્યા કરે
ને ફેફસાંમાં શ્વાસના ફુગ્ગા તર્યા કરે
ભૂલી ગયો છું પીળા સમયની દિશાને હું
તારા અભાવની અહીં સંધ્યા ખર્યા કરે
લાસ્ટ લાઇન
પ્રથમ છોડરૂપે ઉગાડે છે કોઈ
પછી મૂળસોતું ઉખાડે છે કોઈ
જો દરિયે ડૂબું કોઈ આવી ઉગારે
ને રણ ચીતરું તો ડુબાડે છે કોઈ
પ્રતીક્ષામાં તારી થયા કાન આંખો
સતત લાગતું કે કમાડે છે કોઈ
વહી જાય મન મારું ગોપીની માફક
મધુરી-શી બંસી વગાડે છે કોઈ
થયો સ્પર્શ ત્યાં કેવી ખીલી ઊઠી છે
કે ‘શબનમ’ને ફૂલો અડાડે છે કોઈ
- શબનમ ખોજા

