Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > ઝગમગતી સવારની જાદુઈ પીંછી

ઝગમગતી સવારની જાદુઈ પીંછી

Published : 10 October, 2025 11:14 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બાકી વાદળછાયું ઘનઘોર આકાશ, વેગે ફૂંકાતો પવન અને વરસતો વરસાદ આ ત્રિપુટી મળીને જાણે દિવસો સુધી એ પહાડીઓને ગળી જ ગઈ હતી. એ ધુમ્મસી માહોલમાં દૂરની અનેક ઇમારતો પણ ઓગળી ગઈ હતી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સોશ્યોલૉજી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


મે મહિનાથી બેસી ગયેલા ચોમાસાએ ઑક્ટોબર સુધી મુંબઈનો કેડો મૂક્યો નથી. એવામાં આજની સૂર્યપ્રકાશમાં ઝગમગતી સવારને જોઈ આંખો ચમકી ઊઠી અને ચહેરા પર ખુશી છવાઈ ગઈ. બારીમાંથી દેખાતા દૂર પૂર્વના પહાડો (આંશિક) આજે ઘણા દિવસો બાદ એવી જ સ્પષ્ટતાથી દેખાયા. બાકી વાદળછાયું ઘનઘોર આકાશ, વેગે ફૂંકાતો પવન અને વરસતો વરસાદ આ ત્રિપુટી મળીને જાણે દિવસો સુધી એ પહાડીઓને ગળી જ ગઈ હતી. એ ધુમ્મસી માહોલમાં દૂરની અનેક ઇમારતો પણ ઓગળી ગઈ હતી. માત્ર નજીકની વાસ્તવિકતાનું જ જાણે અસ્તિત્વ હતું! આજ જેવી ચોખ્ખી ચમકતી સવારો એ ધુમ્મસી માહોલના આભાસને ભૂંસી નાખવાનું કૌવત ધરાવે છે. આંખો સામેથી ઓઝલ થઈ ગયેલી વાસ્તવિકતા ફરી દૃશ્યમાન થઈ જાય છે. માનો સૂરજની જાદુઈ પીંછી વાદળોએ પડાવી લીધેલો પ્રદેશ પાછો જીતી લાવી હોય.

માનવીના જીવનમાં પણ ક્યારેક અચાનક કે અપેક્ષિત પણ આવાં જ ઘનઘોર વાદળો ત્રાટકે છે અને આંધી ફૂંકાય છે. એ રાખોડિયા માહોલમાં કેટલીય વાસ્તવિકતા દટાઈ જાય. અવઢવ અને અસલામતીના આવરણ હેઠળ કંઈ સૂઝે નહીં, કોઈ માર્ગ દેખાય નહીં અને મન ગજબની ગૂંગળામણ અનુભવે. જિંદગીની રોજિંદી હકીકતો, જે હજી હમણાં સુધી સ્પષ્ટ અને નક્કર હતી એ અચાનક નજરના પટ પરથી અદૃશ્ય થઈ જાય, પેલી પહાડીઓની જેમ જ. ત્યારે માણસ પોતે જેને પરમ શક્તિ માનતો હોય એનું અસ્તિત્વ દૂર-દૂર સુધી ક્યાંય જણાય જ નહીં. તેની શ્રદ્ધાના કાંગરા ખરી પડતા દેખાય. એવા સમયે આવા શબ્દો પણ હોઠે આવી જાય, ‘હે ભગવાન, તું ક્યાં છે? તું સાંભળતો નથી? તને દેખાતું નથી?’ આ સહજ છે. પરંતુ આજે સવારે તદ્દન સાફ સૂથરી સવારનું સ્પષ્ટ આકાશ જોઈ થયું, આ જ કુદરતની કમાલ છે. એ પરમશક્તિનો મજબૂત હાથ તો હંમેશાં એની જગ્યાએ છે જ. અસફળ સંઘર્ષમાંથી જન્મતી નિરાશાની પળોની આંધીએ વેરેલો અંધકાર આપણને એની હાજરી જોવા દેતો નથી. વિષમતાનાં વાદળોનું આવરણ કદાચ થોડીક પળો (સમય) માટે એવો આભાસ રચે છે કે આપણને લાગે કે એ દિશા ચીંધતો પ્રકાશ છે જ નહીં. પરંતુ ચોમાસુ ધુમ્મસ હઠતાં જ જેમ  સૂર્યના પ્રકાશમાં આંખો સામેની વાસ્તવિકતા સ્પષ્ટ થઈ ગઈ એમ જ વિપદાનાં વાદળની પાછળ પણ પરમ તત્ત્વની હયાતી અકબંધ છે. માત્ર એ થોડા સમય માટે છવાયેલા અંધકારને કારણે આપણો વિશ્વાસ ડગમગી જાય છે અને આપણે એના હોવાપણામાં શંકા કરવા લાગીએ છીએ. પરંતુ આવી તેજસ્વી સવારો આભાસી વાસ્તવિકતા અને સાચકલી વાસ્તવિકતા વચ્ચેના ભેદને  સમજાવવા માટે જ ઊગતી હશે.



 


- તરુ મેઘાણી કજારિયા (પત્રકારત્વ માટે લાઇફ-ટાઇમ અચીવમેન્ટ અવૉર્ડથી નવાજાયેલાં લેખિકા તરુ મેઘાણી કજારિયાએ અભિનય ક્ષેત્રે પણ કામ કર્યું છે.)


Whatsapp-channel Whatsapp-channel

10 October, 2025 11:14 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK