સમાજમાં લોકોનું જીવન સ્તર સુધર્યું છે તો સાથે સમાજની સંસ્થાઓ પાસેથી મદદ માગવાનું ચલણ પણ ઘટ્યું છે. પહેલાં લોકો જે માત્રામાં મદદની અરજી નાખતા એની તુલનાએ અત્યારે અડધા લોકો પણ નથી નાખતા
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
વર્ષો સુધી ભારતીય સંસ્કૃતિમાં જ્ઞાતિ પરંપરાના આધારે નાનાં-નાનાં જૂથ થકી દરેક વ્યક્તિનું હિત સચવાય એવી વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. દરેક જ્ઞાતિ એ લોકો માટે નાનકડું વિશ્વ બની જતું અને લોકો પરસ્પરના સહયોગ ભાવથી એકબીજાની જરૂરિયાત ટાણે ઊભા રહેતા. આ પરંપરા ઓવરઑલ સહુના હિત માટે અને સંગઠનની શક્તિનો પરચો કરાવનારી હતી. પરંતુ હવે પરિસ્થિતિઓ બદલાઈ છે. છેલ્લાં ૨૫ વર્ષથી જ્ઞાતિ માટે કામ કરું છું અને એમાં આવતા બદલાવો અત્યારે જો મને આટલા વ્યાપક લાગતા હોય તો આજથી સો વર્ષ અને આજની કમ્પૅરિઝન કરો તો બધું જ ધરમૂળથી જ બદલાઈ ગયેલું દેખાશે. બદલાયેલા સમય સાથે આવતા બદલાવો સ્વીકારવા જ રહ્યા અને એમાં બદલાઈને બહેતર બનો એમાં પણ વાંધો નથી પરંતુ એમાં આપણે બહેતર થતા દેખાવું જોઈએ. અત્યારે જે પરંપરાઓનું હનન થઈ રહ્યું છે અને જે રીતે વ્યક્તિગત મહત્ત્વાકાંક્ષાઓ અને દેખાડાઓનો દબદબો વધ્યો છે એમાં વ્યક્તિ કે સમાજનો વિકાસ નથી જ થઈ રહ્યો.
સમાજમાં લોકોનું જીવન સ્તર સુધર્યું છે તો સાથે સમાજની સંસ્થાઓ પાસેથી મદદ માગવાનું ચલણ પણ ઘટ્યું છે. પહેલાં લોકો જે માત્રામાં મદદની અરજી નાખતા એની તુલનાએ અત્યારે અડધા લોકો પણ નથી નાખતા. ભણવાના મામલે પણ લોન માગવા આવતા લોકોની સંખ્યા ઘટી છે. મેડિકલ હેલ્પ માટે લોકો અમારા સુધી પહોંચતા હોય છે પરંતુ આજના સમયમાં જ્યારે મેડિકલ ખર્ચ એટલો વધી ગયો છે કે ડોનરો પાસેથી આવતા પૈસા પૂરા જ નથી પડતા. અમારે ત્યાં અત્યારે એક સહયોગ યોજના શરૂ થઈ છે જેમાં ૨૫૦ રૂપિયાની નજીવી રકમ સાથે રજિસ્ટ્રેશન કરવાનું હોય. સમાજમાં આ સ્કીમમાં રજિસ્ટર કરાવનારી કોઈ વ્યક્તિનું ડેથ થાય તો આ દરેક સભ્ય ૨૫૦ રૂપિયા આપે અને એ વ્યક્તિને લગભગ લાખેક રૂપિયાની મદદ મળે. આ યોજનાને સફળતા મળી રહી છે. બાકી સમૂહલગ્ન અને સંમેલનો વગેરે હવે આઉટડેટેડ થઈ ગયાં છે. અત્યારના સંજોગો જોતાં એમ જ કહીશ કે સમાજના હોદ્દેદારો આગળ આવે અને નક્કી કરે કે તેઓ કઈ રીતે બદલાઈ રહેલી જરૂરિયાત અને સમાજની વ્યવસ્થામાં પોતાની રજૂઆતને બદલે. પ્રશ્નો બદલાય ત્યારે એના સમાધાનમાં પણ બદલાવ આવવો જોઈએ. એ જ સાચી રીત છે.
ADVERTISEMENT
- પંકજકુમાર ગોર (લેખક ઔદીચ્ય સહસ્ત્ર સાઠા બ્રાહ્મણ સમાજમાં છેલ્લાં પંદર વર્ષથી સેક્રેટરી તરીકે સક્રિય છે.)

