બાળક રેસનો ઘોડો નહોતો અને પરીક્ષાલક્ષી શિક્ષણ નહોતું. એ સમયે આદર્શો મહત્ત્વના હતા અને એ આદર્શો પળાતા પણ ખરા
પ્રતીકાત્મક તસવીર
આજે આપણે છાશવારે સ્કૂલમાં ભણતા બાળકે પોતાના સહઅધ્યાયી કે પોતાના પેરન્ટ્સ પર હુમલો કર્યો એવા સમાચાર વાંચીએ છીએ. સ્કૂલમાં ભણતું બાળક મર્ડર કરવા સુધી પહોંચી જાય એવા સમાચાર આજથી પંદર-વીસ વર્ષ પહેલાં આપણે નહોતા સાંભળતા. આજની નવી પેઢીમાં રહેલી ઉગ્રતાને સમજવાની અને સમજીને એ દિશામાં ઘર-ઘર કામ થાય, મા-બાપ તથા શિક્ષકો સારી રીતે એ જવાબદારી નિભાવે એ ખરેખર અનિવાર્ય બન્યું છે. તમે જો તમારા દિવસો યાદ કરો જ્યારે બાળક પર માત્ર પુસ્તકિયું જ્ઞાન થોપવામાં નહોતું આવતું. બાળક રેસનો ઘોડો નહોતો અને પરીક્ષાલક્ષી શિક્ષણ નહોતું. એ સમયે આદર્શો મહત્ત્વના હતા અને એ આદર્શો પળાતા પણ ખરા. બાળકો જોઈ-જોઈને શીખતાં. સાચું કહેજો કે આજનાં બાળકો શું જોઈ રહ્યાં છે? આજનાં બાળકો જોઈ રહ્યાં છે કે તેમનાં મા-બાપ જરૂરિયાતો પૂરી કરવા અને વધુ ને વધુ પૈસા કમાવા દોડી રહ્યાં છે. મા-બાપ પાસે બાળકો માટે સમય નથી અને બાળકની બધી જ જરૂરિયાતો પૂરી કરવી એ જ પેરન્ટ્સને પોતાની જવાબદારી લાગે છે. શિક્ષકો પોતાના કાર્યને નોકરી તરીકે જ જોઈ રહ્યા છે. અગિયારથી પાંચ બૅન્કમાં નોકરી કરે એમ શિક્ષક સ્કૂલમાં નોકરી કરે. તેમના ક્લાસનું પરિણામ સો ટકા આવે અને વધુમાં વધુ વિદ્યાર્થીઓ પાસ થાય એ જ લક્ષ્ય હોય છે. બાળકની કેળવણીમાં તેનાં પોતાનાં મા-બાપ અને શિક્ષક બન્ને ઊણાં ઊતર્યાં છે અને બીજી બાજુ ફોન, ટીવી અને સોશ્યલ મીડિયા પર જોવા મળેલી બાબતો બાળકને ઉગ્રતા જ આપી રહી છે. બાળકમાં ધીરજ છે જ નહીં. ક્યારેય ના સાંભળવા ન ટેવાયેલો કે નિષ્ફળતાને પણ પચાવવી પડે એવી કોઈ ટ્રેઇનિંગ જ નહીં પામેલો બાળક તરત પોતાનું ધાર્યું ન થાય એટલે ઉગ્ર થઈ જતાં અચકાતો નથી. આજે ગુજરાતી ભાષાના વર્ગોને ત્રીસ વર્ષ પૂરાં થયાં છે અને હું મારા દાયકાઓના અનુભવ પરથી કહું છું કે જે બાળકને દસ વર્ષ પહેલાં ભણાવેલો તે જો ક્યારેક રસ્તામાં મળે તો પગે લાગશે. એટલો રિસ્પેક્ટ તેનામાં હોય છે પરંતુ એકાદ-બે વર્ષ પહેલાં જે વિદ્યાર્થી ભણ્યો હોય તે તમને હાઇ-હેલો કરવાની ચેષ્ટા પણ નહીં કરે. બધું જ કાર્ય પૈસાથી શક્ય છે અને પૈસો જ સર્વોપરી છે એટલે જે પણ તામઝામ કરવાની એ પૈસા કમાવા માટે કરવાની એ વાત આજના બાળમાનસમાં બહુ જ ખરાબ રીતે ઘર કરી રહી છે જે આવી રહેલા ભવિષ્યને આજથી પણ વધુ વિકટ બનાવે એવી પૂરી સંભાવના છે.
-અનંતરાય મહેતા

