Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > આ‍ૅનલાઇન ગેમિંગના યુગમાં ફિઝિકલ હૉબીઓ ક્યાંક વીસરાતી જાય છે

આ‍ૅનલાઇન ગેમિંગના યુગમાં ફિઝિકલ હૉબીઓ ક્યાંક વીસરાતી જાય છે

Published : 07 August, 2026 02:01 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડિજિટલ પેમેન્ટના યુગમાં પણ જૂના સિક્કા અને નોટોનો સંગ્રહ માત્ર શોખ નથી, પરંતુ ઇતિહાસ, સંસ્કૃતિ, કલા અને ટેક્નોલૉજીને સમજવાનો અનોખો માર્ગ છે. કરન્સી કલેક્શન નવી પેઢીમાં ધીરજ, સંશોધન અને જ્ઞાન પ્રત્યેનો રસ વિકસાવતી અર્થસભર હૉબી બની રહી છે.

સમીર શાહ

સમીર શાહ


નાણાકીય વ્યવસ્થાનો ઇતિહાસ માત્ર ખરીદ-વેચાણ કે આર્થિક આપ-લે પૂરતો સીમિત નથી. એ સંસ્કૃતિ, માનવ-સભ્યતા, ટેક્નૉલૉજી અને બદલાતા સમયનો એક અત્યંત જીવંત અને પ્રામાણિક દસ્તાવેજ છે. હજારો વર્ષો પહેલાં દરિયાઈ કોડી, બાર્ટર સિસ્ટમ અને ‘ફૂટી કોડી’થી શરૂ થયેલી નાણાકીય વ્યવસ્થાની સફર આજે ગ્લોબલ ડિજિટલ એરામાં UPI, QR કોડ અને ડિજિટલ ટ્રાન્ઝૅક્શન સુધી પહોંચી ગઈ છે. આજના ઝડપી અને ગ્લોબલ યુગમાં નવી પેઢી માટે GPay, PhonePe જેવી ઍપ્સ વાપરવી અત્યંત સાહજિક અને સામાન્ય બની ગયું છે. જોકે ભારત જેવા ૧૪૦ કરોડની વિશાળ વસ્તી ધરાવતા દેશમાં ટેક્નૉલૉજિકલ રેવલ્યુશન વચ્ચે પણ ભૌતિક નોટો અને રોકડ કરન્સીની ડિમાન્ડ આજે પણ એટલી જ અકબંધ અને મજબૂત જોવા મળે છે.
અહીં એક અગત્યનો અને મનન કરવા જેવો પ્રશ્ન એ ઊભો થાય છે કે આજના આધુનિક ડિજિટલ યુગમાં હૉબી કે શોખનો સાચો અર્થ શું છે? ઍકૅડેમિક કે શૈક્ષણિક દૃષ્ટિએ જુઓ તો પરંપરાગત રીતે હૉબી એટલે માત્ર નવરાશનો સમય આનંદથી વિતાવવો કે ટાઇમપાસ કરવો. જોકે આજના મૉડર્ન ટાઇમ્સમાં હૉબીની વ્યાખ્યા સંપૂર્ણપણે બદલાઈ ચૂકી છે. હવે હૉબી એટલે પોતાના પ્રોફેશનલ એરિયા, કરીઅર કે ડેઇલી રૂટીનથી હટકે કોઈ અનોખી રસ-રુચિ કેળવવી કે ક્ષેત્ર વિકસાવવું અને એને ગંભીરતાપૂર્વક પર્સ્યુ કરવું. આજના કન્ટેમ્પરરી યુગમાં કરન્સી કલેક્શન એ માત્ર એક સામાન્ય શોખ નથી, પોતાના રોજિંદા વર્કલાઇફના સ્ટ્રેસથી અલગ થઈને માનસિક શાંતિ અને ઇન્ટેલેક્ચ્યુઅલ ગ્રોથ સાધવાનો બૌદ્ધિક માર્ગ છે.
સિક્કાઓ અને બૅન્કનોટોનો સંગ્રહ તમને એક અલગ જ વિઝ્યુઅલ, હિસ્ટોરિકલ અને કલ્ચરલ જર્ની પર લઈ જાય છે. આપણી નોટ પાછળ કંડારેલાં ઐતિહાસિક સ્મારકો હોય કે સિક્કા પર કોતરાયેલા ફ્રીડમ-ફાઇટર્સ અને મહાનુભાવો હોય એ દેશના ગૌરવશાળી વારસાને રજૂ કરે છે. બીજી તરફ ગ્લોબલ લેવલે કૅનેડા, ઑસ્ટ્રેલિયા કે જર્મની જેવા દેશો આજે કલર પ્રિન્ટિંગ, ટ્રાય-મેટલ અને પૉલિમર કરન્સી બનાવી રહ્યા છે જે કરન્સી વિજ્ઞાનમાં આવી રહેલા ટેક્નૉલૉજિકલ શિફ્ટનો પ્રત્યક્ષ પુરાવો છે.
આજે સોશ્યલ મીડિયા અને ઑનલાઇન ગેમિંગના યુગમાં ફિઝિકલ હૉબીઓ ક્યાંક વીસરાતી જાય છે. મુંબઈ કૉઇન સોસાયટી જેવાં દાયકાઓ જૂનાં સંગઠનોમાં આજે મોટા ભાગે ૫૦ પ્લસ સિનિયર સિટિઝનો વધુ સક્રિય દેખાય છે. જે રીતે ફૅશનમાં ૨૦-૩૦ વર્ષના અંતરાલ પછી કલ્ચરલ અને ક્લાસિક ટ્રેન્ડ્સનું કમબૅક થાય છે એમ હૉબીઝમાં પણ એક સાઇક્લિક ટ્રેન્ડ શરૂ થઈ રહ્યો છે. અત્યારે સ્કૂલોનાં નાનાં બાળકો પણ દુનિયાભરના નવા જનરેશનના સિક્કાઓ અને નોટો કલેક્ટ કરી રહ્યાં છે. જોકે આવાં બાળકોની સંખ્યા હાલમાં ખૂબ જ ઓછી છે, પરંતુ આ બદલાવનો એક પવન ચોક્કસ ફૂંકાઈ રહ્યો છે અને લોકો ધીમે-ધીમે ફિઝિકલ કલેક્શન તરફ પાછા વળી રહ્યા છે. 
જો નવી પેઢીને પોતાના પ્રોફેશનલ સ્કોપથી બહાર નીકળીને જૂના સિક્કાઓ કે નોટો પાછળના ઇતિહાસ વિશે ગૂગલ કે પુસ્તકોમાં રિસર્ચ કરવા પ્રોત્સાહિત કરવામાં આવે તો એ તેમનામાં પૅશન્સ, ઑબ્ઝર્વેશન અને ડીપ લર્નિંગ જેવાં કૌશલ્ય ડેવલપ કરે છે. ટૂંકમાં, કરન્સી કલેક્શન એ માત્ર જૂના પૈસા કે સિક્કા ભેગા કરવાનો કન્સેપ્ટ નથી. એ આજના પ્રોફેશનલ યુગમાં પોતાની પર્સનલ સ્પેસ શોધીને માનવઇતિહાસ, કલા, રાજકારણ અને કલ્ચર સાથે જોડાવાનો એક અત્યંત અર્થસભર અને મીનિંગફુલ રસ્તો છે.


Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 02:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK