Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > લાઇફસ્ટાઈલ સમાચાર > ફેશન ટિપ્સ > આર્ટિકલ્સ > આ લોકો માટે કારીગરે હાથથી વણેલું કાપડ મોંઘું નથી, મહામૂલું છે

આ લોકો માટે કારીગરે હાથથી વણેલું કાપડ મોંઘું નથી, મહામૂલું છે

Published : 07 August, 2026 03:02 PM | Modified : 07 August, 2026 03:13 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

હૅન્ડલૂમ કાપડ તો મોંઘું આવે, મશીન જેટલું ટકે નહીં, રંગ કાચા હોય, મેઇન્ટેનન્સ વધુ માગે, મોટા ભાગે ઘરમાં ધોવાય નહીં, એમાં ડિઝાઇનમાં ક્યાંક-ક્યાંક ભૂલો પણ હોય એવી ફરિયાદો કરતા લોકો મળે છે. બીજી બાજુ આ કાપડના પ્રેમીઓ માને છે કે એક વાર જે હાથવણાટ પહેરે છે

આ લોકો માટે કારીગરે હાથથી વણેલું કાપડ મોંઘું નથી, મહામૂલું છે

આ લોકો માટે કારીગરે હાથથી વણેલું કાપડ મોંઘું નથી, મહામૂલું છે


બજારમાં જાઓ ત્યારે સિલ્કનો એક દુપટ્ટો ૨૦૦-૫૦૦ રૂપિયા સુધીમાં આવે અને બીજો સિલ્કનો દુપટ્ટો ૨૦૦૦-૬૦૦૦ રૂપિયા સુધીમાં આવે. તમે નવા-નવા હો તો એકદમ પૂછી બેસો કે ભાવમાં આટલો તફાવત કેમ છે? ત્યારે દુકાનદાર તમને કહેશે કે અડીને જુઓ. દેખાવમાં સરખા લાગતા બન્ને દુપટ્ટાને જ્યારે અડો ત્યારે એમાં જમીન-આસમાન જેટલો ફરક સમજી શકાય, કારણ કે એક હાથનું બનેલું કાપડ છે અને એક મશીનથી બનેલું. અંદાજે જોઈએ તો ૮૦ ટકા લોકો સસ્તું કાપડ ખરીદે છે અને ૨૦ ટકા લોકો એ મોંઘું કાપડ ખરીદે છે. હૅન્ડલૂમ કાપડ બધાને ગમે છે ઘણું; પણ એ મોંઘું છે, મશીન જેટલું ટકે નહીં, રંગ કાચા હોય, મેઇન્ટેનન્સ વધુ માગે, મોટા ભાગે ઘરમાં ધોવાય નહીં, એમાં ડિઝાઇનમાં ક્યાંક-ક્યાંક ભૂલો પણ હોય જેવી ફરિયાદો ઘણા લોકો કરતા જોવા મળે છે. એની સામે એવા લોકો પણ છે જેઓ હૅન્ડલૂમના પ્રેમમાં છે. અલગ-અલગ પ્રકારનું હાથવણાટનું કાપડ પહેરવાનો તેમને ખૂબ શોખ છે અને એના સિવાય તેમને બીજું કાપડ ગમતું નથી. આજે નૅશનલ હૅન્ડલૂમ દિવસ નિમિત્તે મળીએ એવા લોકોને જેઓ હૅન્ડલૂમપ્રેમી છે અને સમજીએ કે હૅન્ડલૂમ કાપડમાં એવું શું છે જે તેમને આટલું બધું આકર્ષે છે.

એવરગ્રીન ફૅશન



ઇન્ડિયન એથ્નિક કંપની નામની કપડાંની સક્સેસફુલ બ્રૅન્ડ ચલાવતાં હેતલ દેસાઈએ હૅન્ડલૂમ કાપડમાંથી બનાવેલાં કપડાં વેચીને કરોડો રૂપિયાની કંપની ઊભી કરી છે, પણ એ કંપની ઊભી કરતાં પહેલાં તેઓ ખુદ હૅન્ડલૂમપ્રેમી હતાં. આ વિશે વાત કરતાં હેતલબહેન કહે છે, ‘હું નાની હતી ત્યારે બધા લોકો મિલનું કાપડ જ પહેરતા. એક તાકો લઈ આવે અને એમાંથી બધાનાં કપડાં સિવાઈ જાય. મારા પપ્પા જજ હતા એટલે તેમની બદલી વડોદરા થઈ અને અમે ત્યાં ગયા પછી મેં જોયું કે હાથવણાટનાં કપડાં કેટલાં સુંદર લાગે! વડોદરામાં હૅન્ડલૂમ કપડાંનું ચલણ પહેલેથી ખૂબ વધારે હતું. હું કમાતી થઈ પછી તો મેં આ જ કપડાં લીધાં અને પહેર્યાં. લગ્ન કરીને મુંબઈ આવી ત્યારે અહીં તો બધા ટેરિકૉટન કે પૉલિએસ્ટર જ પહેરતા દેખાયા. મુંબઈની ગરમીમાં કેવી રીતે સહન થાય આ કાપડ? મારી બન્ને દીકરીઓ અને પતિને પણ મેં હૅન્ડલૂમ જ પહેરાવ્યું. સુતરાઉ કાપડ, મલ-કૉટન અને બાકી તહેવારોમાં સિલ્ક. અમે જ્યારે આ કપડાં પહેરતાં તો મુંબઈની ભીડમાં અલગ જ તરી આવતાં અને પછી જ્યારે મેં બ્રૅન્ડ ચાલુ કરી ત્યારે હવે બધા કહે છે કે હેતલ, તેં મુંબઈને હૅન્ડલૂમ પહેરતું કરી દીધું. ભલે હૅન્ડલૂમ પહેરનારા લોકો ઓછા છે, પણ એક વાત લખીને તમને કહી શકું કે જે વ્યક્તિ એક વખત હૅન્ડલૂમ કપડાં પહેરવા લાગે પછી તેને બીજાં કપડાં પહેરવાં ગમે જ નહીં, કારણ કે હૅન્ડલૂમ જેવું કમ્ફર્ટ કોઈ તમને આપતું નથી અને બીજું એ કે હૅન્ડલૂમ એવરગ્રીન ફૅશન છે. તમારાં પરદાદી પણ પટોળાં પહેરતાં હતાં અને તમારી દીકરી પણ પટોળાં પહેરે. એમાં જૂનું કશું થતું જ નથી. એક ડિઝાઇનર સાડી ખરીદો તો આજે પહેરાય અને ૬ મહિના પછી એની ફૅશન જતી રહે. હૅન્ડલૂમમાં એવું ન થાય.’


કમ્ફર્ટ વધુ વહાલી છે

એવી જ કંઈક વાત કરતાં જુહુમાં રહેતા ૬૦ વર્ષના પાર્થિવ ત્રિવેદી કહે છે, ‘મારી પ્રકૃતિ એવી છે કે મને તો ખૂબ જ ગરમી થાય અને પરસેવો ખૂબ વળે એટલે મને હાથવણાટનાં કૉટન, લિનન અને ખાદી જ ગમે. ખાદી તો હું ખૂબ જ પહેરું છું. મારાં દરરોજનાં કપડાંમાં તમને કૉટન, લિનન અને ખાદી જ મળશે. બાકી તહેવારનાં કપડાંઓમાં સિલ્ક જોવા મળે. હું ખાસ્સો યંગ હતો, લગભગ પચીસ વર્ષનો, ત્યારથી જ આ પ્રકારનાં કપડાં પહેરું છું. લોકોને આ કપડાં વિશે ખાસ એ ફરિયાદ હોય છે કે એ ચોળાઈ જાય છે જલદી, પણ સાચું કહું તો મને એ જ ચોળાયેલો લુક વધુ પસંદ છે. કોઈ બીજું કપડું હું હાથ પણ લગાડતો નથી. મને મારું કમ્ફર્ટ અને મારી પસંદગી વધુ વહાલાં છે.’


રૉયલ ફીલ

તાતા ઇન્સ્ટિટ્યૂટ ઑફ સોશ્યલ સાયન્સિસનાં વિઝિટિંગ ફેકલ્ટી ડૉ. પૂનમ મેધને હૅન્ડલૂમ કલેક્શન વસાવવાનો શોખ છે, જેના માટે તેઓ પ્લાનિંગ પણ કરે છે. તેમની સાથે વાત કરો તો મારી પાસે મૈસૂર ક્રૅપ નથી અને ચિકનકારીના સૂટ અને દુપટ્ટા તો છે, પણ સાડી લેવાની હજી બાકી છે એમ અફસોસ કરતાં હોય છે. પોતાને હૅન્ડલૂમ કેમ આટલું ગમે છે એ જણાવતાં પૂનમબહેન કહે છે, ‘હૅન્ડલૂમ કાપડનું એસ્થેટિક જ જુદું હોય છે. એ પહેર્યું હોય ત્યારે તમે જાજરમાન લાગો. રૉયલ ફીલ આપે એ તમને. મારી સાથે એવું થયું કે હું એ પ્રકારની સાડીઓ પહેરતી ગઈ અને એ કાપડ આજે મારી ઓળખનો એક ભાગ બની ગયું. લોકો તમને એ રીતે જોવા લાગે. મારી પાસે હોશીરાબાદની બાલુચેરી સાડી છે જેના પાલવ પર વાર્તા ચીતરી હોય છે જે બે જ રંગમાં હોય. આ સિવાય બંગાળની ફૂલયા સાડી પણ છે. બાકી બાંધણી, ચંદેરી, બનારસી, ઇક્કત કાંચીકૉટન, મહેશ્વરી કૉટન, ભાગલપુરી સિલ્કની ઘણી સાડીઓ છે. આસામની જે બે પીસની મેખલા સાડી આવે એમાંથી ઇન્સ્પિરેશન લઈને બનેલી એક સાડી પણ છે. હાથવણાટનું દરેક કાપડ વણકરની પોતાની આગવી શૈલી અને અનુભવથી બનેલું હોય છે જેને કારણે દરેક પીસ યુનિક હોય છે.’

વારસામાં આપીને જઈશ

હૅન્ડલૂમ કાપડનો શોખ ધરાવતા ટીવી-ઇન્ડસ્ટ્રીમાં સફળ એડિટર તરીકે જાણીતા કાંદિવલીમાં રહેતા સમીર ગાંધી છેલ્લાં ૧૫-૨૦ વર્ષથી હૅન્ડલૂમ પહેરે છે અને કલેક્ટ પણ કરે છે. આ વિશે વાત કરતાં તેઓ કહે છે, ‘અત્યંત આરામદાયક અને બ્રીધેબલ કાપડ કોને ન ગમે? આ કપડાંની ખાસિયત એ છે કે એ ગરમીમાં ઠંડક અને ઠંડીમાં હૂંફ આપે છે. એની ઝીણવટ, એની ડિઝાઇનિંગ અને એ મહેનતને પહેરવાની મજા છે. લોકો કહે છે કે હૅન્ડલૂમ કપડાંને સાચવીને પહેરવાં પડે છે, પણ હકીકત એ છે કે એ એટલાં સુંદર હોય કે એમને સાચવવાં ગમે. હું તો એ કપડાં એટલે સાચવું છું કે એ મારા બન્ને દીકરાઓને વારસામાં આપીને જઈ શકું. આજકાલ જે ૩ મહિના પહેરો અને ફેંકી દોવાળો ટ્રેન્ડ છે એનાથી વિપરીત છે આ વસ્તુ. આ એવાં કપડાં છે જે તમે પેઢી દર પેઢી પહેરી શકો. મને એ મોંઘાં નથી લાગતાં. એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે.’

કોણ કહે છે નવીનતા નથી?

હૅન્ડલૂમ કાપડમાં નવીનતા નથી એવું કહેનારા લોકો પણ છે. જેમ કે બાંધણીમાં બીજું નવું શું લાવવાના હતા? પણ ખરેખર આજે જોશો તો આજકાલ ડિઝાઇનર્સ હૅન્ડલૂમમાં અઢળક નવીનતા લાવી રહ્યા છે. એ વિશે ડૉ. પૂનમ મેધ કહે છે, ‘ભારતીયોને આ પ્રૉબ્લેમ નડવાનો જ નથી, કારણ કે આપણે ત્યાં દરેક પ્રાંતનું પોતાનું હૅન્ડલૂમ છે. એટલું જ નહીં, એક જ રાજ્યમાંથી પણ ઓછામાં ઓછા ૫-૭ અલગ-અલગ પ્રકાર મળી આવે. એટલે વરાઇટીની ઊણપ નથી.’

ખૂબ જ જાણીતા હૅન્ડલૂમના પ્રકાર

ગુજરાતનાં પટોળાં, મશરૂ અને કચ્છવણાટ કાપડ એક ગુજરાતી તરીકે મોટા ભાગના લોકોને ખબર હોય છે. આ સિવાય ઉત્તર પ્રદેશનું બનારસી રેશમ, લખનઉનું ચિકનકારી, મધ્ય પ્રદેશનું ચંદેરી અને મહેશ્વરી, મહારાષ્ટ્રની પૈઠણી, તામિલનાડુનું કાંજીવરમ, ઓડિશાનું સંબલપુરી અને બમકાઈ, પશ્ચિમ બંગાળની જામદાની અને તાંત, આસામનું મુગા રેશમ, આંધ્ર પ્રદેશ અને તેલંગણનું પોચમપલ્લી અને ઉપાડા કાપડ અત્યંત જાણીતા હાથવણાટના પ્રકાર છે. 

ઓછા જાણીતા હેન્ડલૂમના પ્રકાર

હિમાચલ પ્રદેશનું કુલ્લુ પટ્ટુ અને કિનૌરી શાલ, રાજસ્થાનનું પટ્ટુ વણાટ, તામિલનાડુનું કોઇલિયા અને કલાક્ષેત્ર મસાજી, તેલંગણનું તેલિયા રૂમાલ, કર્ણાટકનું ઇલકલ, મણિપુરનું લેસિંગફી અને ફાનેક, ગોવાનું કુનબી, ઓડિશાનું ડુંગરિયા કોંધ વણાટ, પશ્ચિમ બંગાળનું બલુચરી જેવાં ઘણાં બધાં જુદાં-જુદાં કાપડ છે જેના વિશે ખૂબ ઓછા લોકોને માહિતી છે. આવું જ એક કાપડ એટલે ગુજરાતનું તાંગાલિયા વણાટ. સુરેન્દ્રનગર અને વઢવાણ વિસ્તારના દાંગસિયા સમુદાયનું ૭૦૦ વર્ષ જૂનું વણાટકામ, જેમાં દાણા જેવી અદ્ભુત ડિઝાઇન તાણા-વાણા થકી હાથથી ગૂંથવામાં આવે છે.

આ લોકો માટે કારીગરે હાથથી વણેલું કાપડ મોંઘું નથી, મહામૂલું છે

આજકાલ જે ૩ મહિના પહેરો અને ફેંકી દોવાળો ટ્રેન્ડ છે એનાથી વિપરીત છે આ વસ્તુ. આ એવાં કપડાં છે જે તમે પેઢી દર પેઢી પહેરી શકો. મને એ મોંઘાં નથી લાગતાં. એ એક પ્રકારનું ઇન્વેસ્ટમેન્ટ લાગે છે.’

ઇકો-ફ્રેન્ડ્લી

પોતાનો અનુભવ જણાવતાં સમીર ગાંધી કહે છે, ‘હું કચ્છમાં ભુજોડી ગામે ગયો ત્યારે ત્યાં વાંજાભાઈ કરીને વણકર હતા તેમના ઘરે ગયો હતો. ત્યાંથી ઘેટીના ઊનમાંથી બનાવેલાં પૅન્ટ અને શાલ લઈને આવેલો. અજય અરવિંદ ખત્રીનાં પત્નીએ હાલમાં એક લિનનની બ્રૅન્ડ શરૂ કરી છે એનાં કપડાં મારી પાસે છે. મારી પત્ની શ્વેતાને પણ હૅન્ડલૂમનો એટલો જ શોખ છે એટલે જ અમારાં બાળકોને પણ અમે ઇન્ડિયન હૅન્ડલૂમ કપડાં પહેરાવીએ છીએ, ઉત્સવોમાં ખાસ. મારે કારણે તેઓ પણ સમજે છે કે ભીડમાં અલગ લાગવું હોય તો હૅન્ડલૂમથી બેટર કશું નથી. અમે હૉન્ગકૉન્ગ ફરવા ગયેલાં ત્યાં પણ અમે ચીનનું હૅન્ડલૂમ સિલ્ક બનાવતા કારીગરને શોધવા ગયેલા, પણ મળી નહોતા શક્યા. હું જ્યાં જાઉં ત્યાં કોશિશ કરીને ત્યાંનું હૅન્ડલૂમ શોધું અને લાવું. આ કપડાંઓ ઇકો-ફ્રેન્ડ્લી પણ ગણાય છે, કારણ કે આ કાપડ બનાવવામાં વીજળીનો ઉપયોગ થતો નથી અથવા ખૂબ ઓછો થાય છે. સૌથી સુંદર વાત એ છે કે એ પહેરવાથી આપણો સાંસ્કૃતિક વારસો જાળવી રાખવાની તક મળે છે.’
હૅન્ડલૂમ માટે મહત્ત્વનો મુદ્દો એ છે કે ભારતીય કલા અને કલાકારો જે પેઢીઓથી આ કલા વારસાગત લઈને ચાલ્યા છે તેમને આપણે સેલિબ્રેટ નહીં કરીએ તો કોણ કરશે? વિદેશી બ્રૅન્ડ્સ આવીને આપણી કલાને લઈ જાય અને પોતે અપનાવીને આપણને જ એ કપડાં વેચશે ત્યારે આપણે માનીશું કે આ કલા કેટલી દમદાર છે? એ લોકો પર દયા ખાઈને તેઓ સર્વાઇવ કરી શકે એટલે આપણે હૅન્ડલૂમ પહેરવાનું નથી. આ કારીગરો દયાને પાત્ર નથી. આ કારીગરો અને તેમની કલા ઇનામને પાત્ર છે. આપણા હૅન્ડલૂમ કાપડની ગુણવત્તા જ એટલી સારી છે કે એની ગુણવત્તા માટે આપણે આ કાપડ અપનાવવું જોઈએ.

Whatsapp-channel Whatsapp-channel

07 August, 2026 03:13 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK