મુંબઈ પોલીસે ગોવા જઈને પકડ્યા ૧૨ સાઇબર ઠગોને: મોબાઇલ, લૅપટૉપ, રોકડ, વિવિધ બૅન્કોનાં અકાઉન્ટ સહિત અનેક સામગ્રી જપ્ત
ગોવાથી પકડી લવાયેલા આરોપી પાસેથી પકડાયેલો મુદ્દામાલ દર્શાવી રહેલા પોલીસ-અધિકારીઓ.
પાયધુની પોલીસ દ્વારા સાઇબર ફ્રૉડના ગુનામાં ધરપકડ કરાયેલો આરોપી મુંબઈમાં બૅન્ક-અકાઉન્ટ્સ ખોલીને સાઇબર ફ્રૉડ કરીને ઑનલાઇન ગેમિંગ મારફત ગોવા પૈસા મોકલાવતો હોવાનું જણાતાં મુંબઈ પોલીસની ટીમે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને ગોવા જઈને સાઇબર ફ્રૉડ કરતી આંતરરાષ્ટ્રીય ટોળકીને પકડી પાડી હતી. પોલીસે ક્રાઇમ બ્રાન્ચ યુનિટ–બેની ટીમને ગોવા મોકલાવીને આખી ટોળકીનો પર્દાફાશ કર્યો હતો.
કલંગુટ નજીક ટીમે કાર્યવાહી કરીને ૧૨ આરોપીઓની ધરપકડ કરીને તેમની પાસેથી ૧૫ લૅપટૉપ, ૧૨૮ ઑટોમેટેડ ટેલર મશીન (ATM) કાર્ડ, ૮૫ મોબાઇલ, ૭૬ સિમ કાર્ડ, બાવીસ ચેકબુક, ૬ રાઉટર વગેરે સામગ્રી જપ્ત કરી હતી.
આ સાઇટનો ઉપયોગ કરતા હતા આરોપી
૧૦૦ પૅનલ, રુદ્રા આ નામની સાઇટોનો ઉપયોગ કરીને આરોપીઓ સાઇબર ફ્રૉડ આચરતા હોવાનું પોલીસને તપાસ દરમ્યાન જણાયું હતું. સાઇબર ફ્રૉડ કરીને મેળવેલી રકમ દુબઈના સાથીદારોને પણ કઢાવવા આપવાનું કહેવાતું હતું. દુબઈમાં રહેતા તેમના સાથીદારો આ રકમ કઢાવવા માટે ત્રણ ટકા કમિશન લેતા હોવાનું પોલીસને તપાસ દરમ્યાન જણાયું હતું. આ રકમ દુબઈના સાથીદારો આરોપીના બૅન્ક-ખાતામાં ટ્રાન્સફર કરી દેતા હતા.
