રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સર્વેસર્વા ડૉ. મોહન ભાગવતે ૨૩+ દેશોના અને દેશનાં ૧૦૦+ શહેરોનાં ૧૫થી ૧૯ વર્ષના ૨૦૦૦ વિદ્યાર્થીઓ સાથે મુંબઈમાં સંવાદ કર્યો, કહ્યું કે બે પક્ષમાંથી એકનો ભરોસો કરવાનો હોય તો હું આંખ મીંચીને જેન-ઝીનો ભરોસો કરું
બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં ડૉ. મોહન ભાગવત. તસવીરો : આશિષ રાજે
જેન-ઝીએ આંદોલન કરવું જ જોઈએ, ડેમોક્રસીમાં આંદોલન કેવી રીતે કરવું એના રસ્તા દેખાડ્યા
લગભગ ૨૦૦૦ જેટલા જેન-ઝીને સંબોધતી વખતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે રોજગારી, પર્યાવરણ, સમલૈંગિક લગ્ન, RSSમાં મહિલાઓનું સ્થાન, ભારત-પાકિસ્તાન સાથે નાગરિકોનો આપસનો સૌહાર્દ, કથળેલી શિક્ષણવ્યવસ્થા, જેન-ઝીનો વાજબી વિરોધ અને સોશ્યલ મીડિયાનો પ્રભાવ જેવા ઘણાબધા વિષયો પર પુછાયેલા આકરા પ્રશ્નોના ખુલ્લા દિલે જવાબ આપ્યા જે વિગતવાર પ્રસ્તુત છે
ADVERTISEMENT
રુચિતા શાહ
feedbackgmd@mid-day.com
ગઈ કાલે બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સના નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)માં યોજાયેલી ‘ઇન્ડિયાઝ ઇન્ટરનૅશનલ મૂવમેન્ટ ટુ યુનાઇટેડ નેશન્સ’ (IIMUN)ની પંદરમી વાર્ષિક પરિષદમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવતે ‘જેન-ઝી’ અને ‘જેન-આલ્ફા’ સાથે સીધો સંવાદ કર્યો હતો. આ આયોજનમાં દેશનાં ૧૦૦થી વધુ શહેરો અને ૨૩થી વધુ દેશોમાંથી ૧૫થી ૧૯ વર્ષની વયના આશરે ૨૦૦૦ જેટલા વિદ્યાર્થીઓ સહિત સમાજના ઘણાબધા અગ્રણીઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમના એક ભાગમાં IIMUNના સ્થાપક રિષભ શાહે મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા RSSના વડાને પૂછેલા સટીક સવાલોના જવાબો પ્રસ્તુત છે અહીં.
થોડા દિવસ પહેલાં એક આંદોલન થયું હતું એના સંદર્ભમાં રિષભ પૂછે છે... લોકશાહીમાં જ્યારે ડાયલૉગ ફેલ જાય છે ત્યારે આંદોલન થાય છે. ઘણા લોકો એવું માને છે કે સરકારે જો પહેલાં જ જેન-ઝી સાથે ડાયલૉગ કરી લીધો હોત, પહેલાં જ જેન-ઝી સાથે વાત કરી લીધી હોત તો આ આંદોલન ન થાત. તમે શું માનો છો? બીજું આંદોલન કરવું ખરાબ છે કે?
આંદોલન પણ ડાયલૉગનો જ પ્રકાર છે. ડેમોક્રસીમાં પ્રોટેસ્ટ પણ ચર્ચા-વિચારણાનો એક માર્ગ છે. ઘણાબધા વ્યુ સાથે આવે. જેન-ઝી જેન્યુઇન છે. ભારતની શિક્ષાપદ્ધતિમાં બદલાવની જરૂર છે. ડાયલૉગ થવો જોઈએ. અમે જ્યારે આ ઉંમરમાં હતા ત્યારે અમારી પેઢીનો સ્વભાવ હતો કે જે મોટા લોકો કહેતા એ માની લેતા. આજની જેન-ઝી પ્રશ્ન પૂછે તો લૉજિકલ જવાબ જોઈએ અને સાથે પ્રેમ જોઈએ. તેમની સાથે પ્રેમ હશે તો જ સંવાદ સંભવ છે. અંગ્રેજીમાં શબ્દ છે ડિબેટ, પણ આપણે ત્યાં શબ્દ છે શાસ્ત્રાર્થ જ્યાં વાદ અને પ્રતિવાદ નથી થતો પણ પૂર્વપક્ષ અને ઉત્તરપક્ષ હોય છે. બધાં જ પાસાંઓ અને પરસ્પરના વિચારો સામે આવે છે ત્યારે સંપૂર્ણ સત્ય જોવા મળે છે. જેન-ઝીએ આંદોલન કરવું જ જોઈએ, પણ ડેમોક્રસીમાં આંદોલન કેવી રીતે કરવું એના રસ્તા પણ દેખાડ્યા છે. તમે જો ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં બે ભાષણ સાંભળો તો એમાં આંદોલન કેવી રીતે કરવું એનાં પણ ઇન્ડિકેશન છે. જેન-ઝીએ આંદોલન કર્યું કારણ કે તેમને તકલીફ હતી. સિસ્ટમ કરેક્શન માટે તેમણે આંદોલન કર્યું. આ આંદોલન મારી કે તેની વિરુદ્ધ નહીં પણ સિસ્ટમ-કરેક્શન માટે હોય ત્યાં સુધી ઠીક છે... (અહીં તક લઈને રિષભ શાહ ફરી પૂછે છે, ‘તમને નથી લાગતું કે સરકારે વહેલો સંવાદ કર્યો હોત તો આટલું મોટું ન થાત?) ...કમી તો રહી છે પણ ઠીક થઈ જશે.


બાંદરા કુર્લા કૉમ્પ્લેક્સમાં આવેલા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરમાં ગઈ કાલે આયોજિત કાર્યક્રમમાં ડૉ. મોહન ભાગવતને સાંભળતા ટીનેજર્સ, પર્ફોર્મ કરતાં અમૃતા ફડણવીસ. તસવીરો : આશિષ રાજે
જે પણ યુવાનો આંદોલન માટે બહાર આવ્યા તેમને ઍન્ટિ-નૅશનલ ઠરાવવામાં આવ્યા. જે ઇનોસન્ટ છે તેમના પર ક્યારેક લાઠીચાર્જ થયો છે, પેલેટ ગન ચલાવવામાં આવી હતી...
આ જે વાતો છેને આ કેમ થયું, શું થયું એના કારણમાં જવું પડે. એને લગતી પૂરી માહિતી મારી પાસે નથી અને તમારી પાસે પણ નહીં હોય એવું મને લાગે છે. એટલે એના ઊંડાણમાં જઈને શું ખોટું થયું એ નક્કી કરવું પડશે, એને જોઈને ક્યાં ગરબડ છે એ નક્કી કરવું પડશે. હું અત્યારે એ નથી કહી શકતો કે શું થયું, કેમ થયું. સાચું-ખોટું મને પણ ખબર નથી. તમે પણ ક્યાંક વાંચીને કહી રહ્યા છો અને હું પણ ક્યાંક વાંચીને જવાબ આપી રહ્યો છું. આજે સવારે હું આવી રહ્યો હતો ત્યારે ખબર પડી કે કેટલાક ગુંડા ઘૂસી ગયા એ મને નથી ખબર, પણ જો મારે આંખ મીંચીને કોઈના પર ભરોસો કરવાનો હોય તો હું જેન-ઝી પર ભરોસો કરીશ. એ લોકો પ્રામાણિક છે.
૧૫ લાખ સ્કૂલમાંથી એક લાખ સ્કૂલમાં દીકરીઓ માટે ટૉઇલેટની વ્યસ્થા નથી. બેટી પઢાઓ બેટી બચાઓ અચ્છા સ્લોગન હૈ પરંતુ આવી સ્કૂલમાં દીકરી ભણશે કેવી રીતે જ્યાં બાથરૂમ જ નથી? પંદર હજાર સ્કૂલમાં પીવાના પાણીની વ્યવસ્થા નથી. શિક્ષામાં ઘણું થયું છે એ માન્યું, પણ હજી ઘણુંબધું થવું જોઈએ. મારા માટે તો નૅશનલ ઇમર્જન્સી છે. શિક્ષા પર ફોકસ કરવાનું તમને લાગે છે? એક એજ્યુકેશન રિફૉર્મ છે. શિક્ષણમાં ૬ ટકાથી બજેટ વધવું જોઈએ.
શિક્ષા એ કમર્શિયલ બિઝનેસ નથી પણ જીવનજરૂરિયાત છે. એ બધા માટે સુલભ બને એ માટે વિચાર કરવો પડશે. બધાની જવાબદારી છે. હું પોતે પોતાની રીતે શું કરી શકું એ વિચારવું જોઈએ. અમે ગામવાળા સાથે મળીને ઘણી સ્કૂલોમાં ફૅસિલિટી ઊભી કરી છે. શિક્ષાનું આર્થિક બર્ડન છે એના માટે સમાજે ધ્યાન આપવું પડશે. અહીં સરકારની વાત નથી પણ આપણા બાળકની વાત છે. વિજિલન્ટ પણ રહેવાનું અને અસિસ્ટ કરવાની જરૂર છે. બાકી જેમણે શિક્ષા આપવાની છે એ શિક્ષકોને પણ ટ્રેઇન કરવા જોઈએ. શિક્ષા આપણે નવી પેઢીનું નિર્માણ કરવા માટે આપીએ છીએ, સ્કૂલ ચલાવવા કે પૈસા કમાવા માટે નહીં. આપણા સૌનો સહભાગ અને ધ્યાન રહે એ જરૂરી છે. આ બે કરીશું તો ઘણું સારું થઈ જશે. તમે પણ આવો કોઈ પ્રોજેક્ટ લો જેમાં સમાજને સાથે લઈને શિક્ષામાં ઠીકઠાક કરો તો ઘણો બદલાવ આવી શકે છે. એવું તો કોઈએ કહ્યું નથી કે સરકાર જ બધી શિક્ષા ચલાવે. આપણે પણ કરી શકીએ. અમારા કાર્યકર્તાઓ પણ વિદ્યાભારતી સંસ્થાના નામે દેશની ત્રેવીસ હજાર સ્કૂલ બહુ જ સરસ રીતે કરી રહ્યા છે. હા, શિક્ષણમાં બજેટ વધારવાની વાતનું અમે સમર્થન કરીએ છીએ, પરંતુ જનતાએ આમાં સક્રિય થવાની જરૂર છે. કોઈ પણ સરકાર જનતાના મૂડને ક્યારેય ઇગ્નૉર કરી શકતી નથી.
સોશ્યલ મીડિયાના ઍલ્ગરિધમને કારણે જેન-ઝી પ્રભાવિત થઈ રહ્યા છે, જેન-ઝીનું ધ્રુવીકરણ (પોલરાઇઝેશન) થઈ રહ્યું છે એવું તમને લાગે છે? આજે ઘણા દેશોમાં ૧૬ વર્ષથી નાની ઉંમરનાં બાળકો માટે સોશ્યલ મીડિયા પર બૅન મૂકી દેવામાં આવ્યો છે. આપણે ત્યાં પણ કોઈ આવા ઉપાયો હોવા જોઈએ.
નિયમ લાવવાથી ડિસિપ્લિન નહીં આવે. પ્રતિબંધ કરશો તો જુદી રીતે એનો ઉપયોગ શરૂ થશે. એને બદલે ઍટિટ્યુડ બદલવાની જરૂર છે. આજે ડીપફેક વિડિયો આવી રહ્યા છે ત્યારે સામે આવતી કોઈ પણ માહિતીને સ્વીકારવાને બદલે ઑથેન્ટિક સોર્સ પર જઈને એની ચકાસણી કરો. તમે કહો છો કે રોલમૉડલ હવે સોશ્યલ મીડિયા પર બનવા માંડ્યાં છે ત્યારે તમને જો લોકો અનુસરી રહ્યા છે તો તમારે વધુ જવાબદારીપૂર્વક, વિવેકપૂર્વક વ્યવહાર કરવાની જરૂર છે. જેન-ઝીમાં એ સમજણ આવે અને વિવેક વિકસે એની શરૂઆત એની આગલી પેઢીના આચરણથી થશે.
આપણા પાડોશી દેશ સાથેના આપણા સંબંધોની અસર નાગરિકો પર પણ પડતી હોય છે. શું પાકિસ્તાન કે ચીનમાં સામાન્ય લોકો સાથે ભારતમાં રહેતા નાગરિકો વચ્ચે દ્રોહ હોય અથવા
તેમનો જુદા-જુદા ક્ષેત્રમાં વિરોધ કરવો યોગ્ય છે?
જો એ દેશો સાથે કૉન્ફ્લિક્ટનો સમય ચાલતો હોય ત્યારે સરકારની માર્ગદર્શિકા પ્રમાણે ચાલવું પડે, પરંતુ બાકીના સમયમાં એક સૌહાર્દભર્યો સંબંધ રાખવો જોઈએ. ચીન સાથે આપણા બે હજાર વર્ષ જૂના સંબંધો છે. પાકિસ્તાન તો આપણામાંથી જ આવ્યું છે. અત્યારના કૉન્ફ્લિક્ટ માટે એ જૂના સંબંધોને ભુલાવી દેવા યોગ્ય નથી. કૉન્ફ્લિક્ટ સંબંધને હૉલ્ટ કરી શકે પણ નિર્મૂલન નહીં. માણસાઈ સૌથી પહેલાં છે. પર્મનન્ટ હેટ્રેડ સૉલ્યુશન નથી. યુદ્ધનો માહોલ હોય અથવા આતંક હિલચાલો ચાલતી હોય ત્યારે સરકાર સાથે રહેવું જોઈએ.
આજે જેન-ઝી સમલૈંગિક (LGBTQ) લગ્નોને સપોર્ટ કરે છે. સંઘની વિચારધારા એને સપોર્ટ નથી કરતી. શું આપણા દેશમાં પણ સમલૈંગિક લગ્નોને અનુમતિ મળવી જોઈએ?
સમલૈંગિકતા વિશે તમે જે રજૂઆત કરી એ જ રીતે હું જાહેરમાં બોલ્યો છું? (રિષભ નકારમાં માથું ધુણાવે છે) અમે માનીએ છીએ કે આ બધા લોકો પણ આ સમાજનો હિસ્સો છે અને આપણે તેમના માટે સ્વીકૃતિ લાવવી જ પડે, પરંતુ તમે લગ્નપરંપરાની વાત કરતા હો ત્યારે એની પાછળનો ઉદ્દેશ માત્ર સાથે રહેવું એવો નથી. એક સંપૂર્ણ પરિવાર-વ્યવસ્થા એની સાથે જોડાયેલી છે, માતા-પિતા બનીને સંતાનોને સંસ્કરણ આપવા માટે આરંભાયેલી વ્યવસ્થા છે. આ જ સિસ્ટમમાં તમે સમલૈંગિકતાને સામેલ કરો એને બદલે તેમના માટે એક જુદી જ વ્યવસ્થા ઊભી કરીને તેમને સ્વીકૃતિ આપવી જોઈએ. વિશેષ રસ્તાઓ લો. લગ્નવ્યવસ્થાને એના માટે ટૅમ્પર કરવાની જરૂર નથી. સમલૈંગિક કપલની કમ્પૅન્યનશિપને સ્વીકારે એવો કાયદો પસાર કરવો જોઈએ જેથી સમાજવ્યવસ્થામાં એને સ્વીકૃતિ મળે અને એ રીતે સોસાયટીને લાંબા સમય સુધી સ્મૂધ રાખશે.
આ સમાજમાં મહિલાઓના રોલ વિશે તમે શું માનો છો? શું કામ સંઘની મુખ્ય સંસ્થામાં મહિલાઓ નથી? તેમને પણ લીડરશિપ પોઝિશનમાં કે નિર્ણય લેતી વખતે સાથે રાખવી જોઈએ એવું નથી લાગતું?
અમે માનીએ છીએ કે મહિલા પુરુષસમોવડી પણ છે અને એકબીજાને કૉમ્પ્લીમેન્ટ પણ કરે છે. તેમને બધી જ રીતે ટ્રેઇન કરવી જ જોઈએ. મહિલાઓ બધું જ કરી શકે છે અને તેમને બધા માટે ટ્રેઇન પણ કરવી જોઈએ. રાષ્ટ્રસેવિકા સમિતિ છે એને RSSનો ફુલ સપોર્ટ છે. એ લોકોએ જ કહ્યું છે કે અમે અહીં કામ કરીશું, તમે એમાં માથું ન મારો અને તમે તમારું કામ કરો એમાં અમે ઇન્ટરફિયર નહીં કરીએ. તેમના કહેવાથી આ સિસ્ટમ બની છે એ રીતે કામ થાય છે. બન્ને સંસ્થા એકબીજાને હેલ્પ કરે જ છે. આ મૅન્ડેટ તેમણે આપેલો છે, એને અમે પાળીએ છીએ. ઍપેક્સ બૉડીની ૩ દિવસની સભા યોજાય ત્યારે એમાં મહિલાઓ પણ ડિસિઝન-મેકિંગની પ્રોસેસમાં જોડાય છે.
ભારતમાં ૪૦ કરોડ જેન-ઝી છે અને નોકરી એ બહુ જ મોટો પ્રશ્ન છે. એક ટકા પાસે ૪૦ ટકા સંપત્તિ છે. બેરોજગાર વિશે તમે શું માનો છો? સરકાર શું કરે અને સમાજ શું કરે?
રોજગાર એટલે માત્ર નોકરી નહીં પણ વ્યવસાય અને સ્કિલ-બેઝ્ડ વર્ક પણ, પરંતુ સમાજમાં માઇન્ડસેટ છે કે જે પૈસાથી કામ કરે તેમને જ પ્રતિષ્ઠા મળે છે. ડિગ્નિટી ઑફ લેબરને પાછી મેળવવાની આપણે જરૂર છે. સરકારી નોકરી પાછળ બધા દોડે છે પરંતુ એવાં કેટલાંય ક્ષેત્રો છે જ્યાં વર્કર નથી મળતા. સમાજના લોકોએ રોજગારને જોવાની પોતાની દૃષ્ટિ બદલવી પડશે, નવા પર્યાયો તરફ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. ઑન્ટ્રપ્રનરશિપ, શ્રમ-પ્રતિષ્ઠા જોઈએ. સારી લાઇફ એનાથી મળી શકે છે. લક્ઝરી લાઇફ મળશે એની ગૅરન્ટી નહીં. રોજગાર મળશે જો જૉબમાં ઊંચપીચ જોવાનું બંધ કરી દીધું. સમાજે આને જોવાનો દૃષ્ટિકોણ બદલવો પડશે.
રિઝર્વેશન પર્મનન્ટ છે કે એમાં કંઈક બદલાવ લાવવો જોઈએ?
આનો જવાબ હું સીધો નહીં આપું. બાબાસાહેબ આંબેડકરની ઍડવાઇઝ વિશે જાણો. સોશ્યલ કારણથી રિઝર્વેશન છે. જ્યાં સુધી જાતિભેદ છે ત્યાં સુધી રિઝર્વેશન ચાલશે. જ્યાં રિઝર્વેશન મળે છે એમાં થોડાક લોકો કહેતા શરૂ થયા છે કે અમને મળ્યું, અમારું બધુ જ સારું છે એટલે હવે છોડવા માંડો. હવે રિઝર્વેશન મેળવનારા લોકો જ આગળ આવી રહ્યા છે અને સ્વીકારી રહ્યા છે કે અમારા અપલિફ્ટમેન્ટમાંથી અમને જે મળ્યું એમાંથી હવે બીજાને આપો જે જરૂરિયાતમંદ છે. આમાં રાજનીતિ ન થવી જોઈએ. આની રાજનીતિને કારણે જે સામાજિક એકતા માટે આવ્યું એમાં સમાજને વિભાજિત કરે છે.
ક્લાઇમેટ ચેન્જમાં જેન-ઝી ખૂબ માને છે. પરંતુ કોઈ પણ પક્ષની સરકાર હોય ડેવલપમેન્ટના નામે પર્યાવરણનું હનન કરે છે. વૃક્ષ નહીં કાપો અને રોડ જુદી રીતે બનાવો, પણ સરકાર નથી સાંભળતી. તો સર શું કરવું જોઈએ?
સરકાર જુદી વાત છે. એણે ઘણી બાબતો પર ફોકસ કરવાનું હોય છે. ડેવલપમેન્ટનું અવેલેબલ મૉડલ હોય છે એ અનસસ્ટેનેબલ છે. માત્ર ભારત જ છે જે સસ્ટેનેબિલિટી પૂરી પાડે છે. ડેવલપમેન્ટ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વિના પણ કેવી રીતે અમલમાં મુકાય એ માટે સોસાયટીએ પણ સક્રિય ભૂમિકા ભજવીને સરકાર સામે દાખલો પૂરો પાડવો પડશે. તમારા ઘરની શરૂઆત કરો. પાણી બચાવો, પ્લાસ્ટિક હટાઓ અને પેડ લગાવો જેવો એક પ્રોગ્રામ શરૂ કર્યો છે. આપણે જ પહેલાં પર્યાવરણને બચાવવાની બાબતમાં રોજબરોજના કામમાં સભાન થવાની જરૂર છે. જો આપણે આપણા ઘરથી શરૂ કરીશું તો આપણા શબ્દોનું વજન પડશે. જોકે હવે એ શરૂ થયું છે.
૧૦૦ વર્ષથી તમે મૅન-મેકિંગ કરી રહ્યા છો. અમને કહો એવા ગુણો જે લીડરમાં હોવા જોઈએ.
લીડર એટલે ભાષણ આપનારો કે જનતાની સામે જનારો નહીં પણ પાછળ રહીને કામ કરનારો હોય. પાંચ ગુણો લીડરમાં હોય. પાત્રે ત્યાગી, ગુણે રાગી, ભાગી પરિજને; શાસ્ત્રે બોદ્ધા, રણે યોદ્ધા, પુરુષઃ પંચલક્ષણઃ॥ એટલે કે યોગ્યતા માટે ત્યાગ કરનારો, ગુણવાનોનો રાગી, પોતાની સંપત્તિ કે સુખ-સંપદાનો ભાગ પોતાના પરિજન, સગાંસંબંધીઓ અને પરિવાર સાથે વહેંચનારા, જ્ઞાની, વિપત્તિ સામે લડનારો એમ આ પાંચ ગુણો લીડરમાં હોવા જોઈએ.

ડૉ. મોહન ભાગવત સાથે સંવાદ કરતા રિષભ શાહ.
જેન-ઝીની સામે ભાગવતે જ્યારે ક્લૉક-ઇટ કર્યું
જેન-ઝી સાથે સંવાદ કરતી વખતે તેમની ભાષા અને સંકેતોને અપનાવતાં મોહન ભાગવતે સહમતીનું સૂચન ગણાતી Clock-itની સાઇન પણ કરી હતી જેમાં અંગૂઠાના ટેરવાથી તર્જનીને સ્પર્શ કરવાનો હોય છે. સહમતી અથવા તો મુદ્દાની વાત પકડી લીધી એવું દર્શાવાતું આ જેશ્ચર દેખાડીને ક્યાંક ને ક્યાંક મોહન ભાગવત કહેવા માગતા હતા કે તેઓ આજની નવી પેઢીના વિચારો, તેમની લાગણીઓ અને તેમની શૈલીને પૂરેપૂરી સમજે છે અને તેને આવકારે છે.
RSSના સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અમેરિકા અને કૅનેડાના પ્રવાસે જશે
૨૯ ઑગસ્ટે ન્યુ યૉર્કના વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમમાં વક્તવ્ય આપવા ઉપરાંત વિદેશી યુવાનો અને બુદ્ધિજીવીઓ સાથે સંવાદ સાધશે
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની શતાબ્દી નિમિત્તે સરસંઘચાલક ડૉ. મોહન ભાગવત અમેરિકા અને કૅનેડાના પ્રવાસે જશે. ૨૯ ઑગસ્ટે ન્યુ યૉર્કના મૅનહટનમાં આયોજિત વનનેસ સેલિબ્રેશન કાર્યક્રમમાં તેઓ વક્તવ્ય આપશે. આ વિદેશપ્રવાસ દરમ્યાન તેઓ વિશ્વબંધુત્વ, સામાજિક સમરસતા અને એકતા જેવા વિષયો પર સંઘની ભૂમિકા સ્પષ્ટ કરશે તથા ભારતીય મૂળના યુવાનો, ખાસ કરીને જેન-ઝી અને બુદ્ધિજીવીઓ સાથે સીધી વાતચીત કરશે. તેઓ બ્રિટન પણ જાય અેવી શક્યતા છે.
