Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > જ્યારે ડિલિવરીમાં કૉમ્પ્લિકેશન છે એવી પહેલેથી ખબર હોય તો...

જ્યારે ડિલિવરીમાં કૉમ્પ્લિકેશન છે એવી પહેલેથી ખબર હોય તો...

Published : 02 October, 2026 08:56 PM | IST | Mumbai
Dr. Pankaj Parekh

સામાન્ય બાળક માના ગર્ભમાં ૯ મહિના રહે છે. સામાન્ય રીતે તો ૩૬ અઠવાડિયાંનો ગર્ભ પરિપક્વ ગણાય છે, પરંતુ જો ગર્ભ એનાથી ઓછા સમયનો હોય અને પહેલાં જ ડિલિવરી થઈ જાય તો એને પ્રી-ટર્મ ડિલિવરી કહે છે.

ડૉ. પંકજ પારેખ

ડૉ. પંકજ પારેખ


જ્યારે ડિલિવરીમાં કૉમ્પ્લિકેશન છે એવી પહેલેથી ખબર હોય તો ડિલિવરી એવી હૉસ્પિટલમાં કરવી જ્યાં બાળકો માટે NICU હોય

સામાન્ય બાળક માના ગર્ભમાં ૯ મહિના રહે છે. સામાન્ય રીતે તો ૩૬ અઠવાડિયાંનો ગર્ભ પરિપક્વ ગણાય છે, પરંતુ જો ગર્ભ એનાથી ઓછા સમયનો હોય અને પહેલાં જ ડિલિવરી થઈ જાય તો એને પ્રી-ટર્મ ડિલિવરી કહે છે. પ્રી-ટર્મ ડિલિવરીમાં લગભગ ૨૪ અઠવાડિયાંથી લઈને ૩૫ અઠવાડિયાં સુધીનાં બાળકોની ગણતરી થાય છે. આ બાળકોનું શરીર એટલું સશક્ત નથી હોતું કે તે સામાન્ય બાળકની જેમ ખુદ જીવવાનો ભાર ઉપાડી શકે. તેમનાં અંગો હજી એટલાં ડેવલપ થયાં નથી હોતાં કે એ બહાર આવીને પોતાની રીતે કાર્યરત થઈ શકે. આથી જ આવાં બાળકોને ઘણી વાર કાચની પેટી જેને ઇન્ક્યુબેટર કહે છે એમાં રાખવામાં આવે છે. આ ઉપરાંત આ બાળકોને નિયોનેટલ ઇન્ટેન્સિવ કૅર યુનિટમાં રાખવામાં આવે છે જેને NICU કહેવામાં આવે છે. આ જગ્યાએ બાળકને કૃત્રિમ સપોર્ટ આપીને જિવાડવામાં આવે છે. જ્યાં સુધી તે બાળક મૅચ્યોર થઈ જાય ત્યાં સુધી તેને NICUમાં રાખવું જરૂરી છે. ફક્ત પ્રી-ટર્મ બાળકો જ નહીં, NICUમાં એવાં બાળકો જેમને જન્મ સમયે કોઈ તકલીફ પડી હોય – જેમ કે ઑક્સિજન બરાબર ન મળ્યો હોય, શ્વાસ બરાબર ન લઈ શકાયો હોય, બહાર આવીને તે રડ્યું ન હોય - તેમને પણ રાખવામાં આવે છે. પ્રી-ટર્મ બાળકોમાં જન્મ સમયનું વજન ઘણું ઓછું હોય છે કારણ કે તેમનું શરીર વિકાસ જ પામ્યું નથી એટલે વજન ક્યાંથી હોય. જોકે ઘણાં બાળકો બીજાં કોઈ કારણોસર પણ ઓછા વજન સાથે જન્મ્યાં હોય તો તેમને પણ NICUમાં રાખવામાં આવે છે. 
પહેલાં એક સમય હતો કે મુંબઈમાં આવાં બાળકો માટે જરૂરી NICUની સુવિધાઓ ખાસ બધી જગ્યાઓએ ઉપલબ્ધ હતી નહીં, પરંતુ આજની તારીખે આ સુવિધાઓ મોટા પાયે શહેરમાં ઉપલબ્ધ છે. ખાસ કરીને નાનાં નર્સિંગ હોમ સિવાય મોટી હૉસ્પિટલોમાં તો છે જ. હકીકત એ છે કે રિસ્કી ડિલિવરી એવી જ જગ્યાએ થવી જોઈએ જ્યાં NICUની સુવિધાઓ હોય, કારણ કે આવાં બાળકોને જન્મતાંની સાથે તરત જ બીજી મિનિટથી NICUની જરૂર રહે છે. જેટલો સમય બાળકને નર્સિંગ હોમથી NICUમાં લઈ જવા માટે લાગે એટલી વારમાં આ બાળકોમાં ઘણું બધું ડૅમેજ થઈ જવાની શક્યતા રહે છે. બીજું એ કે NICUમાં શું કરવામાં આવે છે એ વિશે જાણીએ તો મોટા ભાગે બાળક પોતાની મેળે શ્વાસ લઈ શકે, તેનું વજન મૉડરેટ લેવલ સુધી પહોંચી જાય અને તે માનું દૂધ પોતે જાતે ચૂસી શકે એવું થઈ જાય ત્યાં સુધી તેને NICUમાં રાખવામાં આવે છે. NICUમાં જે કૅર મળે છે એ શારીરિક સપોર્ટ હોય છે જે સમયસર મળી જાય એ બાળક માટે અત્યંત જરૂરી છે.


Whatsapp-channel Whatsapp-channel

02 October, 2026 08:56 PM IST | Mumbai | Dr. Pankaj Parekh

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK