Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > એક પુલ, દો માલી : એક ફ્રેન્ચ, એક ફ્રેરે

એક પુલ, દો માલી : એક ફ્રેન્ચ, એક ફ્રેરે

Published : 13 June, 2026 04:33 PM | IST | Mumbai
Deepak Mehta | deepakbmehta@gmail.com

બીજે દિવસે ગવર્નરસાહેબે બધા લાગતાવળગતા અમલદારોની મીટિંગ બોલાવી. કહે : ‘એક જમાનામાં દુશ્મનોના આક્રમણથી બચવા કોટ જરૂરી હતો. પણ આજે હવે, ૧૮૫૭ પછી, કોઈની મગદૂર નથી કે મુંબઈ પર નજર બગાડે. એટલે હવે કોટ નકામો થઈ ગયો છે.

લંબગોળ સ્કાય વૉક, નાના ચોક, સર બાર્ટલ ફ્રેરે

લંબગોળ સ્કાય વૉક, નાના ચોક, સર બાર્ટલ ફ્રેરે


તુઝે સૂરજ કહું યા ચંદા,
તુઝે દીપ કહું યા તારા?
૧૯૬૯માં આવેલી ફિલ્મ ‘એક ફૂલ દો માલી’નું પડદા પર બલરાજ સાહની ગાતા એ ગીત આજે આટલે વરસે યાદ આવવાનું કારણ?  હા, જી. અમને ખબર છે : સુજ્ઞ વાચકો વિમાસણમાં પડ્યા હશે કે મુંબઈના બ્રિજ વિશે વાત કરતાં કરતાં આજે આ ભાઈ ફિલ્મી ગીતને રવાડે કેમ ચડી ગયા? કારણ આજે આપણે મુંબઈના એક બ્રિજનાં બે નામ વિશેની આવી જ વાત કરવાની છે. મુંબઈ પર ક્યારેય ફ્રેન્ચ શાસન હતું? ના. તો પછી મુંબઈના એક જાણીતા બ્રિજનું નામ ‘ફ્રેન્ચ બ્રિજ’ કેમ છે? જવાબ : અંગ્રેજ સરકારના એક અધિકારી, જે પછીથી BBCI રેલવે કંપનીની સ્થાપના થઈ ત્યારે તેના પહેલા ચૅરમૅન બન્યા હતા, તેમની યાદગીરીમાં આ બ્રિજનું નામ પાડવામાં આવેલું. એમનું આખું નામ લેફ્ટનન્ટ કર્નલ પૅટ્રિક થિયોડોર ફ્રેન્ચ. જન્મ ૧૮૦૫માં, અવસાન ૧૮૯૦માં. આ રેલવે કંપનીના ચૅરમૅન બન્યા તે પહેલાં તેઓ ૧૮૪૧-૧૮૪૨ દરમિયાન ‘અપર સિંધ’ના પૉલિટિકલ એજન્ટ હતા. ૧૮૪૪માં રાજસ્થાનના જોધપુર ખાતે તેમણે ઍક્ટિંગ પૉલિટિકલ એજન્ટ તરીકે કામ કર્યું. પછી થોડા વખત માટે તેઓ મુંબઈ શહેરના ‘ટાઉન મેજર’ બન્યા અને ૧૮૫૧માં બન્યા વડોદરા રાજ્યના રેસિડન્ટ. ૧૮૫૫માં BBCI રેલવે કંપની શરૂ થઈ ત્યારે તેના પહેલા અધ્યક્ષ બન્યા. 
ચાલો, એક આંટી તો ઉકેલાઈ ગઈ. ના, ના. વધુ ગૂંચવાઈ છે. કારણ મુંબઈની મ્યુનિસિપાલિટીના અને રેલવેનાં જૂનાં દફતરોમાં આ બ્રિજ ‘ફ્રેન્ચ બ્રિજ’ તરીકે નહીં, પણ ‘ફ્રેરે બ્રિજ’ તરીકે નોંધાયેલો છે! આજે પણ મુંબઈની મ્યુનિસિપાલિટીનો Mumbai Legacy Project આ બ્રિજને ‘ફ્રેરે બ્રિજ’ તરીકે જ ઓળખાવે છે, ફ્રેન્ચ બ્રિજ તરીકે નહીં. અને ગૂગલદેવતાનો નકશો ઉઘાડો તો એમાં પણ નામ મળશે ‘ફ્રેરે બ્રિજ. તો આ ‘ફ્રેરે’ વળી ક્યાંથી ટપકી પડ્યો? એ હતો કોણ? 

જન્મેજય કહે, સુણો રાજન! ૧૮૬૨થી ૧૮૬૭ સુધી મુંબઈના ગવર્નર હતા તેઓશ્રી. આખું નામ સર હેન્રી બાર્ટલ એડવર્ડ ફ્રેરે, પહેલા બેરોનેટ. ૧૮૧૫ના માર્ચની ૨૯મી તારીખે જન્મ. ૧૮૮૪ના મે મહિનાની ૨૯મી તારીખે અવસાન. ઈસ્ટ ઇન્ડિયા કંપનીની કૉલેજનો અભ્યાસ પૂરો કરી ૧૮૩૪માં તેઓ હિન્દુસ્તાન આવ્યા અને બૉમ્બે પ્રેસિડન્સીની મુંબઈ ખાતેની ઑફિસમાં એક સાધારણ ‘રાઇટર’ (ક્લાર્ક) તરીકે જોડાયા. એ વખતે બૉમ્બે પ્રેસિડન્સીની સરકારમાં જોડાનાર દરેક અંગ્રેજ માટે ઓછામાં ઓછી એક ‘દેશી’ ભાષા જાણવાનું ફરજિયાત હતું. મરાઠી ભાષાની પરીક્ષા પસાર કર્યા પછી તેમની નિમણૂક ૧૮૩૫માં પુણેના અસિસ્ટન્ટ કલેક્ટર તરીકે થઈ. સરકારી સીડીનું એક એક પગથિયું ચડતાં ચડતાં છેવટે ૧૮૬૨માં તેમની નિમણૂક મુંબઈના ગવર્નર તરીકે થઈ. હિન્દુસ્તાનમાંની કંપની સરકારની રાજવટ પૂરી થઈ તે પછી ગ્રેટ બ્રિટનના ‘તાજ’ દ્વારા નિમાયેલા તેઓ પહેલવહેલા ગવર્નર.  



હતા તો સરકારી નોકર, પણ કામ કરવાની રીત સરકારી નોકર જેવી નહીં. લોકોના હિત માટે પોતાને જે સાચું અને સારું લાગે તે કરવાનું. વળી રાજા વીર વિક્રમની જેમ અવારનવાર નગરચર્યા કરવા નીકળી પડે. એ વખતનું મુંબઈ બે ભાગમાં વહેંચાયેલું: કોટ, અને બહાર કોટ. એમાં બહાર કોટમાં એક મકાન. ગવર્નર ફ્રેરેએ નોંધ્યું કે દર બે-પાંચ મહિને મકાનમાં એક-એક માળ વધતો જતો હતો અને હવે તો તે પાંચ માળનું બની ગયું હતું. ગયા મકાનમાલિકને મળવા. ‘આ વખતોવખત મકાનમાં નવા માળ કેમ બાંધો છો?’ ‘શું કરીએ સાહેબ! મકાન છે કોટ ફરતી ખાઈની બાજુમાં. તેમાં બારે માસ ગંધાતું પાણી રહે. ગંદકીનો પણ પાર નહીં. મારાં ત્રણ છોકરાં મરી ગયાં, રોગનો ભોગ બનીને. એટલે ખાઈની ગંદકીથી બચવા નવા નવા માળ ઉમેરું છું.


બીજે દિવસે ગવર્નરસાહેબે બધા લાગતાવળગતા અમલદારોની મીટિંગ બોલાવી. કહે : ‘એક જમાનામાં દુશ્મનોના આક્રમણથી બચવા કોટ જરૂરી હતો. પણ આજે હવે, ૧૮૫૭ પછી, કોઈની મગદૂર નથી કે મુંબઈ પર નજર બગાડે. એટલે હવે કોટ નકામો થઈ ગયો છે. વહેલામાં વહેલી તકે એને તોડવાનું કામ શરૂ કરો.’ અમલદારો તો ડઘાઈ ગયા. જરા વારે હિંમત કરી બોલ્યા : ‘પણ સાહેબ! આવા મોટા કામ માટે તો લંડનથી પરવાનગી મેળવવી પડે. એ વગર તાજના પૈસા આપણે વાપરી કઈ રીતે શકીએ?’

‘તાજનો એક સેન્ટ પણ આપણે વાપરીશું નહીં. કિલ્લો તોડ્યા પછી, ખાઈ પૂર્યા પછી, જે જમીન છુટ્ટી થશે તે બજારભાવે વેચીશું. એમાંથી જે આવક થશે તે કોટ તોડવાના ખરચ કરતાં ઘણી વધુ હશે.’ અને પછી મુંબઈનો કોટ કહેતાં ફોર્ટ તૂટ્યો, અને એ પણ એવી રીતે કે એની એકાદ ઈંટ પણ યાદગીરીરૂપે સચવાઈ નહીં. આ ગવર્નરસાહેબના નામનો એક રસ્તો પણ મુંબઈમાં હતો, ફ્રેરે રોડ. આઝાદી પછી એનું નામ બદલીને પી. ડીમેલો રોડ કરવામાં આવ્યું. તેઓ એક જમાનામાં જાણીતા સમાજવાદી મજૂર સંગઠનના નેતા હતા. 


પણ હજી પેલો કોયડો તો ઉકેલાયો નહીં. ફ્રેરે બ્રિજ કઈ રીતે બન્યો ફ્રેન્ચ બ્રિજ? ૧૯૧૭માં પ્રગટ થયેલા પુસ્તક Bombay Place - names and Street-namesમાં Samuel T. Sheppard જણાવે છે કે ફ્રેરે બ્રિજ ૧૮૬૬માં બંધાયેલો, પણ આ સાલ સ્વીકારવી મુશ્કેલ છે. કારણ BBCI રેલવેના ગ્રાન્ટ રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૪ના નવેમ્બરની ૨૮મી તારીખે થયું. એ કંપનીનું મુંબઈનું આ પહેલવહેલું ટર્મિનસ. એટલે કે એ વખતે એ કંપનીના ટ્રેનના પાટા ગ્રાન્ટ રોડથી આગળ જતા નહોતા. તો પછી પાટા ઓળંગવા માટે ૧૮૬૬માં બ્રિજ બાંધવાની જરૂર જ શા માટે પડે? તે પછી ચર્ની રોડ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૮ના સપ્ટેમ્બરની ત્રીજી તારીખે થયું. અને મરીન લાઇન્સ સ્ટેશનનું ઉદ્ઘાટન ૧૮૬૯ના જૂનની ૧૯મી તારીખે થયું. બ્રિજ બાંધવાની જરૂર પડે એટલી હદે ટ્રેનોની આવનજાવન વધતાં થોડાં વરસ તો લાગ્યાં જ હોય. ત્યાં સુધી ફાટકથી કામ ચાલ્યું હોય. એટલે બૉમ્બે સિટી ગૅઝેટિયર (ભાગ ૧, પાનું ૫૦૯) ફ્રેન્ચ કે ફ્રેરે બ્રિજ બંધાયાની સાલ ૧૮૮૬ આપે છે તે વધારે યોગ્ય લાગે છે. આ બ્રિજ ખાસ્સો લાંબો છે. લેમિંગ્ટન રોડ અને ગ્રાન્ટ રોડના નાકા આગળથી શરૂ થઈને આ બ્રિજ નાના ચોક આગળ પૂરો થાય છે. નાના ચોક આગળ છ રસ્તા ભેગા થાય છે. એટલે વાહનો અને રાહદારીઓની જબરી ભીડ. એ દૂર કરવા માટે આ બ્રિજના નાના ચોકના છેડા પર છ રસ્તાને જોડતો સ્કાય વૉક બાંધવામાં આવ્યો જેનું ઉદ્ઘાટન ૨૦૧૪ના જુલાઈની ૨૩મી તારીખે થયું હતું. એ દિવસે ભારતીય જનતા પાર્ટીના ‘સ્વયંસેવકો’એ કાળા વાવટા ફરકાવીને આ બ્રિજનો વિરોધ કર્યો હતો. કેમ? તો કે એ બ્રિજની નીચે આવેલા જગન્નાથ શંકરશેઠના પૂતળાને યોગ્ય રીતે શણગારવામાં આવ્યું નહોતું એટલે! આજે આપણને માનતાં વાર લાગે, પણ ૫૮૫ મીટર લાંબો આ લંબગોળ બ્રિજ બાંધવા પાછળ ૫૦.૪ કરોડ રૂપિયાના ખર્ચનો અંદાજ હતો, પણ હકીકતમાં આ બ્રિજ બાંધવાનો ખર્ચ તેના કરતાં ઓછો થયો હતો, ૪૩.૧૨ કરોડ રૂપિયા! 

અસલ ફ્રેરે  બ્રિજ જૂનોપુરાણો થઈ જતાં ૧૯૨૧માં એને ફરી બાંધવામાં આવ્યો. આ કામ કરેલું BBCI રેલવેએ, અને એટલે એ વખતે રેલવેએ તેનું નામ બદલીને રાખ્યું ફ્રેન્ચ બ્રિજ. ૧૯૨૧માં જ્યારે તે બંધાયો ત્યારે તે વખતની અદ્યતન ટેક્નૉલૉજી પ્રમાણે બંધાયો હતો. અને તેના પરથી ટ્રામ પણ પસાર થતી હતી. આ લખનાર ન્યુ ઈરા સ્કૂલમાં ભણતો ત્યારે વરસો સુધી આ બ્રિજ પરથી પસાર થતી ટ્રામમાં બેસીને ગોવાળિયા ટૅન્ક ઊતરીને સ્કૂલે જતો. 

આ બ્રિજની આસપાસનો વિસ્તાર એક જમાનામાં ગુજરાતી અને મરાઠી સંસ્કૃતિની પ્રવૃત્તિઓથી ધમધમતો હતો. લેમિંગ્ટન રોડ એટલે આજે કમ્પ્યુટર બજાર. એક જમાનામાં એ બુક બજાર હતું. ગુજરાતી અને મરાઠી છાપખાનાં, નાટકશાળાઓ, સુધારાની પ્રવૃત્તિને વેગ આપતી સંસ્થાઓ, તથા કેટલીક જાણીતી શિક્ષણસંસ્થાઓ તેની આસપાસના વિસ્તારમાં આવી હતી. આઝાદી માટેની ચળવળની પણ ઘણી મહત્ત્વની ઘટનાઓનો આ બ્રિજ સાક્ષી બન્યો હતો. ૨૦૧૯માં આ પુલ જોખમી જણાતાં તેને તોડવાને બદલે સમારકામ કરવામાં આવ્યું. કેટલાંક કટાઈ ગયેલાં ગર્ડર બદલવામાં આવ્યાં જ્યાં ચણતરકામ ખવાઈ ગયું હતું ત્યાં ફરી કરવામાં આવ્યું અને ૨૦૨૦માં આ બ્રિજ ફરી ખુલ્લો મૂકવામાં આવ્યો.

આ બ્રિજનું નામ ફ્રેરે બ્રિજ, કે ફ્રેન્ચ બ્રિજ? આપણાં મરાઠીભાષી બહેન-ભાઈઓ કહે તેમ ‘ગમ્મત કાય ઝાલી આહે’ કે પાક્કા મુંબઈગરા તો આ બ્રિજને નથી ઓળખતા ફ્રેન્ચ બ્રિજ તરીકે, કે નથી ઓળખતા ફ્રેરે બ્રિજ તરીકે. તેમને માટે તો એ છે ‘ગ્રાન્ટ રોડનો બ્રિજ.’ કારણ એ આવ્યો છે ગ્રાન્ટ રોડ સ્ટેશનની નજીક.  

૧૯૫૫માં આવેલી ગુજરાતી ફિલ્મ ‘નાગ દેવતા’માં ગીતા દત્ત અને પિનાકિન શાહે ગાયેલું : ‘કોઈ રે ઉકેલો આંટી, જેની પડે ન પાઈ રાતી.’ આજે બ્રિજના નામની આંટી તો ઊકલી, પણ હવે પછી આપણે ઉકેલવાની છે એક આંટી નહીં, પણ એક જબરી ગૂંચ. મુંબઈની સૌથી વધુ જાણીતી બે-પાંચ જગ્યાઓમાંની એક જગ્યાના નામ અંગેની ગૂંચ.

Whatsapp-channel Whatsapp-channel

13 June, 2026 04:33 PM IST | Mumbai | Deepak Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK