આપણામાં જો ફક્ત વિચારતંત્ર અને નિર્ણયતંત્ર હોત તો કામ સરળ બની જાત. મન દિશા બતાવે અને દિલ ચાલવાનો ઑર્ડર આપે પણ મન અને દિલ વચ્ચે લાગણીઓના સૂક્ષ્મ તાર તણાયેલા હોય છે
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)
આપણે નિર્ણય કરીએ છીએ સવારે પાંચ વાગ્યે ઊઠવાનો પણ આળસ ચડી જાય એટલે પછી પાંચના સાત વાગી જાય. પોતાને વચન આપીએ છીએ ફરીથી ગુસ્સો ન કરવાનું, પણ સહેજ માઠું લાગે એટલે ફરીથી ક્રોધના આવેશમાં આવીને ન બોલવા જેવું બોલાઈ જતું હોય છે. રોજના નિયમ મુજબ રાત્રે વાંચવા તો હું બેઠો હતો પણ એક મિત્રના ઘરેથી ખરાબ સમાચાર આવ્યા એટલે મન ચિંતામાં અને દુ:ખમાં ડૂબી ગયું અને વાંચન બાજુમાં રહી ગયું.
આપણે બોલીએ છીએ કંઈક અને કરીએ છીએ કંઈક જુદું. આદર્શ અને વ્યવહાર વચ્ચે એક મોટી ખાઈ રહેલી હોય છે. આપણામાં જો ફક્ત વિચારતંત્ર અને નિર્ણયતંત્ર હોત તો કામ સરળ બની જાત. મન દિશા બતાવે અને દિલ ચાલવાનો ઑર્ડર આપે પણ મન અને દિલ વચ્ચે લાગણીઓના સૂક્ષ્મ તાર તણાયેલા હોય છે. એના સ્પંદન માત્રથી મનની વિચારશ્રેણી બદલાય અને છેવટે દિલના નિર્ણયો બદલાઈ જતા હોય છે. લાગણીઓનો રંગ ક્યારેક લોહી કરતાં પણ વધારે લાલ હોય છે. ભય, ચિંતા, ક્રોધ, સંકોચ અને નિરાશા આ ભાવો માનવીના મનમાં રમતા જ રહે છે અને વ્યક્તિ સાવધ ન રહે તો તેની પાસે પોતાનું ધાર્યું કરાવે છે. ભય નાસીપાસ કરી દેશે, ક્રોધ પાશવી બનીને ન કરવાનાં કામ કરાવશે. નિરાશા કે ઉદાસીનતા તેની શક્તિ લૂંટી લેશે. અંતે પોતે ધારેલા રસ્તે વ્યક્તિ જઈ જ નહીં શકે. ધારેલું કામ પાર નહીં પડે. ઊર્મિતંત્ર જો વ્યવસ્થિત ચાલતું ન હોય તો વિચાર અને નિર્ણયતંત્રની કામગીરી પણ ખોરવાઈ જતી હોય છે. લાગણી હોય અને પ્રબળ હોય એ સારી વાત છે.
ADVERTISEMENT
લાગણી તીવ્ર હશે તો જ જીવનસફરમાં દોડવા અને વિઘ્નો પાર કરવા એ કામ લાગશે. અંગ્રેજી ભાષામાં Emotional Intelligence વિશે વિવિધ લેખકોનાં ઘણાં પુસ્તકો છપાઈ ચૂક્યાં છે. જીવનમાં ઘણાં બનાવો-ઘટનાઓ અનિશ્ચિત હોય છે. પરીક્ષાની તૈયારી કરી છે પણ પરિણામ શું આવશે એ કહેવાય નહીં. તો અત્યારથી ચિંતા કરવાથી કંઈ વધુ માર્ક્સ તો આવવાના નથી. આવા કલ્પિત દુઃખથી દુખી થવાની કોઈ જરૂર જ નથી હોતી. નાપાસ થઈશું તો એની શોકસભા પછી ગોઠવીશું. એટલું યાદ રાખવું કે વાસ્તવિક દુઃખ કરતાં કલ્પિત દુઃખ મોટું હોય છે અને લાંબું ચાલે છે. અમાસ પછી પૂર્ણિમા આવે જ છે. રાત પછી પ્રભાત થાય જ છે. ક્યારેક મનની સ્થિતિ બગડે તો બહાર બીજાને ખબર ન પડવા દો. દિલમાં ગમે તે લાગણીઓ હોય પણ હાથપગને નિયમ મુજબ ચલાવતા રહો. લડાઈના મેદાનમાં સૈનિકના હૃદયમાં અનેક ભાવો ઊઠે પણ એ તો બંદૂક ચલાવ્યે જ જાય છે. કવિ રઈશ મનીઆરની પંક્તિઓ યાદ આવે છે, ‘સાચો છું તોય હું મને સાબિત નહીં કરું.. હું સત્યને એ રીતથી લજ્જિત નહીં કરું... રાખે જો વિશ્વને તું વિખરાયેલું, પ્રભુ! જા, હું મારા ઘરને વ્યવસ્થિત નહીં કરું.’
- સોશ્યોલૉજી (લેખક જાણીતા પ્રકાશનગૃહ એન. એમ. ઠક્કરની કંપનીના સૂત્રધાર છે.)


