સતત હેક્ટિક શેડ્યુલની વચ્ચે આપણું મન ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના ખોળામાં બે ઘડી શાંતિથી બેસવા તરસતું હોય છે. જોકે જ્યારે ગાર્ડન-બગીચાની વાત આવે ત્યારે મનમાં થોડું ઘાસ, ચાલવા માટેની કેડી, બે-ચાર લપસણી અને બેસવા માટેની બેન્ચનું ચિત્ર આવી જાય.
જૅપનીઝ ગાર્ડન.
અઠવાડિયાના થાક પછી લોકો એવી જગ્યા શોધે છે જ્યાં મનને શાંતિ મળે, આંખોને હરિયાળીની ઠંડક અને સોશ્યલ મીડિયા પર તેમના ફોટોગ્રાફ્સ પણ સુપરકૂલ લાગે. થાણેના નમો ગ્રૅન્ડ સેન્ટ્રલ પાર્કમાં જૅપનીઝ, ચાઇનીઝ, મૉરોક્કન અને મોગલ શૈલીના બગીચાઓ તૈયાર કરવામાં આવ્યા છે. એ જ જગ્યાએ ૪ દેશની અલગ-અલગ સંસ્કૃતિ અને સ્થાપત્યનો અદ્ભુત અનુભવ કરાવતું આ ગાર્ડન અત્યારે ટ્રેન્ડિંગ હૉટસ્પૉટ શા માટે બની રહ્યું છે એ જાણીએ
સતત હેક્ટિક શેડ્યુલની વચ્ચે આપણું મન ક્યાંક ને ક્યાંક પ્રકૃતિના ખોળામાં બે ઘડી શાંતિથી બેસવા તરસતું હોય છે. જોકે જ્યારે ગાર્ડન-બગીચાની વાત આવે ત્યારે મનમાં થોડું ઘાસ, ચાલવા માટેની કેડી, બે-ચાર લપસણી અને બેસવા માટેની બેન્ચનું ચિત્ર આવી જાય. શું તમે ક્યારેય એવા ગાર્ડનની કલ્પના કરી છે જ્યાં તમે એક પગથિયું ચાલો અને જપાનના ઝેન ગાર્ડન જ્યા શાંતિ મળે, થોડા આગળ વધો તો મૉરોક્કોની રંગબેરંગી ટાઇલ્સ તમારી આંખોને આંજી દે, થોડા વધુ આગળ જાઓ એટલે ચાઇનીઝ પગોડા દેખાય અને ગાર્ડનની મધ્યમાં પહોંચો એટલે મોગલ શૈલીના ફુવારાઓ તમને રાજશાહી ઠાઠનો અહેસાસ કરાવે? આ કોઈ ફાઇવસ્ટાર રિસૉર્ટ નથી કે કોઈ કાલ્પનિક ફિલ્મનો સેટ નથી. થાણેમાં કોલશેત રોડ પર આશરે ૨૦.૫ એકરમાં ફેલાયેલા નમો ગ્રૅન્ડ સેન્ટ્રલ પાર્કમાં આ ગાર્ડન તમને જોવા મળશે. એ સામાન્ય જૉગિંગ પાર્ક નથી, એક વૈશ્વિક સંસ્કૃતિઓનું ઓપન-ઍર મ્યુઝિયમ છે. આ ગાર્ડનના નિર્માણમાં વિજ્ઞાન, આર્કિટેક્ચર અને અનોખા ડિઝાઇન કન્સેપ્ટનો કેવી રીતે ઉપયોગ થયો છે એ વિગતવાર જાણીએ. ચાલો તૈયાર થઈ જાઓ આ ગ્લોબલ ગાર્ડનની સફર માટે.
જપાની વાઇબ્સ
જેવા તમે આ પાર્કના જૅપનીઝ થીમ સેક્શનમાં પ્રવેશો છો કે તરત જ આસપાસનું વાતાવરણ સાવ બદલાઈ જાય છે. અહીં પ્રવેશતાંની સાથે જ ઊંડી આંતરિક શાંતિનો અનુભવ થાય છે. આ ગાર્ડન જપાનની પરંપરાગત કારેસાનસુઈ અને ઝેન ફિલસૂફીનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવ્યું છે. જૅપનીઝ સંસ્કૃતિમાં આ ગાર્ડન માત્ર સુશોભનનું સાધન નથી, મેડિટેટિવ પ્લેસ પણ કહી શકાય. ઝેન મૂળભૂત રીતે જપાની બૌદ્ધ ધર્મની એક શાખા છે જે મેડિટેશન પર આધારિત છે. ગાર્ડનના પ્રવેશદ્વાર પર મુકાયેલો લાલ રંગનો પરંપરાગત ટોરી ગેટ જપાનમાં ભૌતિક જગતમાંથી આધ્યાત્મિક શાંતિ તરફના પ્રવેશનું પ્રતીક છે. જપાની આર્કિટેક્ચરનું અસલી રૂપ બતાવતું ટ્રેડિશનલ ટિમ્બર પૅવિલિયન અહીં બેસીને પ્રકૃતિને નિહાળવા માટે યોગ્ય સ્થાન પૂરું પાડે છે. આ ઉપરાંત બામ્બુ ગ્રૂવ્સ શાંત વાતાવરણ ઊભું કરે છે. રાત્રિના સમયે ઝાંખો પ્રકાશ ફેલાવતા સ્ટોન પગોડા લૅન્ટર્ન એટલે પથ્થરના દીવા આખા સેક્શનને અત્યંત નયનરમ્ય બનાવે છે.
પ્રાચીન ચીની સ્થાપત્ય
જ્યાં જૅપનીઝ ગાર્ડન મિનિમલિઝમ અને શાંતિ પર ભાર મૂકે છે ત્યાં ચાઇનીઝ સેક્શનમાં પ્રવેશતાં જ ચીનની પ્રાચીન રાજાશાહી આર્કિટેક્ચરની ઝલક જોવા મળે છે. ચીની બગીચાઓમાં કૃત્રિમતાને બદલે પથ્થરો, તળાવો અને વહેતાં ઝરણાં જેવાં કુદરતી તત્ત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. અહીંનું મુખ્ય આકર્ષણ વળેલાં છાપરાં ધરાવતું પરંપરાગત ચાઇનીઝ પૅવિલિયન છે. ચીની આર્કિટેક્ચરમાં છતનો આ વળાંક નકારાત્મક શક્તિઓને દૂર રાખવા અને સૂર્યપ્રકાશનું સંતુલન જાળવવા શાસ્ત્રીય રીતે બનાવવામાં આવે છે. ગાર્ડનમાં કુદરતી રીતે કોતરાયેલા ખાસ તાઇહુ રૉક્સ એટલે ચૂનાના પથ્થરોથી બનેલા વિશિષ્ટ કુદરતી ખડકો મૂકવામાં આવ્યા છે. ચીનની પ્રખ્યાત તાઇહુ તળાવની ગુફાઓ અને પાણીના પ્રવાહને કારણે વર્ષો સુધી કુદરતી રીતે કોતરાઈને આ પથ્થરો તૈયાર થતા હોય છે. ચીની બગીચાઓ અને સ્થાપત્યમાં આ પથ્થરોને પવિત્ર અને કુદરતની સુંદરતાના પ્રતીક તરીકે મૂકવામાં આવે છે. ગાર્ડનમાં એ કુદરતી ગુફાઓ અને પર્વતોનું પ્રતીક બનીને પ્રાચીન ચીની વાતાવરણ ઊભું કરે છે.
મુલાકાતીઓ માટે રસ્તા પર ખાસ પેબલ મોઝેક પેવિંગ એટલે કે કાંકરાની કલાત્મક ગોઠવણ કરવામાં આવી છે જે ખુલ્લા પગે ચાલવાથી એક કુદરતી ઍક્યુપ્રેશર થેરપી પણ પૂરી પાડે છે. એન્ટ્રી અને એક્ઝિટ ગેટ માટે ચીની સ્થાપત્યની ઓળખ દર્શાવતા વર્તુળાકાર મૂન ગેટ બનાવવામાં આવ્યા છે. ગાર્ડનની મધ્યમાં પથ્થરોની કિનારીઓ ધરાવતું પૉન્ડ છે જેમાં તરતી રંગબેરંગી આકર્ષક માછલીની પ્રજાતિ છે જે ખાસ કરીને ચીન અને જપાનનાં તળાવો કે પૉન્ડ્સમાં સુશોભન તરીકે રાખવામાં આવે છે. ચીની સંસ્કૃતિમાં માછલીને સમૃદ્ધિ, સદ્ભાગ્ય અને સકારાત્મક ઊર્જાનું પ્રતીક માનવામાં આવે છે. આ પૉન્ડ બગીચાની સુંદરતામાં વધારો કરીને ચાઇનીઝ સંસ્કૃતિની જીવંતતા દર્શાવે છે.
મોગલ શૈલી
પાર્કના મધ્ય ભાગમાં પ્રવેશતાં જ શાહી મોગલ સ્થાપત્યની ભવ્યતા આંખે વળગે છે. આખો વિસ્તાર પરંપરાગત ચારબાગ શૈલી અને ચોક્કસ જ્યોમેટ્રિક લેઆઉટ અને ડિઝાઇન મુજબ તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં કલાત્મક કોતરણી ધરાવતો મૉન્યુમેન્ટલ ગેટવે જે મુખ્ય પ્રવેશદ્વાર છે એ સૌથી પહેલાં ધ્યાન ખેંચે છે. મોગલ બગીચાઓની ખરી ઓળખ છે વહેતું પાણી. અહીં સીધી રેખામાં પથરાયેલી વૉટર ચૅનલ્સ, ફુવારા અને કૅસ્કેડિંગ વૉટર આખા વાતાવરણમાં એક અનોખી તાજગી ભરી દે છે. આ ઉપરાંત માર્બલ આધારિત ડોમ ફીચર લાઇટ્સ અને ઝીણી કોતરણીવાળી ઑર્નામેન્ટલ માર્બલ જાળીવાળી સ્ક્રીન આ જગ્યાની શોભામાં ચાર ચાંદ લગાવે છે. આખા વિસ્તારમાં વાવેલાં સુગંધિત ગુલાબ અને રૉયલ થીમ આધારિત છોડ આ મોગલ સેક્શનને અત્યંત ભવ્ય અને અનોખો લુક આપે છે.
મૉરોક્કન ગાર્ડન
આ ગ્લોબલ ગાર્ડન ટૂરનો ચોથો અને અત્યંત આકર્ષક ભાગ એટલે મૉરોક્કન સેક્શન. ઉત્તર આફ્રિકાના મૉરોક્કો દેશની અનોખી મૂરીશ સ્થાપત્યશૈલી પર આધારિત આ ગાર્ડન રંગોથી ભરપૂર છે. અહીંનું મુખ્ય આકર્ષણ મૂરીશ સ્ટાઇલ પૅવિલિયન છે જે મૉરોક્કોના પ્રખ્યાત જાર્ડિન મજોરેલ સ્ટાઈલથી પ્રેરિત કલર પૅલેટથી સજ્જ છે. આછા વાદળી, ઘેરા પીળા અને ગમે એવા તાપમાં પણ આંખોને ઠંડક આપે એવા શીતળતા આપતા રંગોનો ઉપયોગ અહીં થયો છે. સેન્ટ્રલ પાર્ટમાં મૉરોક્કોની હસ્તકલાની ઓળખસમી ઝેલિજ ટાઇલ્સથી ફાઉન્ટન બનાવવામાં આવ્યો છે. કલાત્મક બ્રિક પૅવિંગ અને ચોરસ જ્યોમેટ્રિક લાઇન્સવાળી આ જાલી સ્ક્રીન્સમાંથી લાઇટ પસાર થાય ત્યારે વધુ સુંદર લાગે છે. અહીં કરવામાં આવેલું થીમ પ્લાન્ટિંગ પણ મૉરોક્કોને અનુરૂપ છે જેમાં વિવિધ જાતના પામ, થોર અને સક્યુલન્ટ્સ, વિવિધ સુગંધિત જડીબુટ્ટીઓ અને રંગબેરંગી બોગનવેલિયાના છોડ વાવવામાં આવ્યા છે. માટીના મોટા ડેકોરેટિવ પૉટ્સ અને કલાત્મક ઍક્સેન્ટ્સ આ ગાર્ડનને સંપૂર્ણ ઉત્તર આફ્રિકન લુક પૂરો પાડે છે.
ADVERTISEMENT
શા માટે આ એક માસ્ટરપીસ છે?
નમો ગ્રૅન્ડ સેન્ટ્રલ પાર્કની સૌથી મોટી ખાસિયત એ છે કે અહીં માત્ર સુશોભન નથી કરવામાં આવ્યું, ચારેય દેશોની બાગાયતી તકનીકો અને સ્થાપત્ય વિજ્ઞાનનો અભ્યાસ કરીને દરેક છોડ અને સામગ્રી પસંદ કરવામાં આવ્યાં છે. એક સેક્શનમાંથી બીજા સેક્શનમાં જતાં જ અનુભવાતો આબોહવા અને સંસ્કૃતિનો બદલાવ મુલાકાતીઓને સાચે જ વાસ્તવિક ગ્લોબલ ટૂરનો અનુભવ કરાવે છે.
જતાં પહેલાં આ માહિતી નોંધી લેજો
જો તમે પણ અહીં જવાનું વિચારી રહ્યા હો તો પાર્કની મુલાકાત માટેનો સમય સવારે ૬ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી અને બપોરે એક વાગ્યાથી રાત્રે ૯ વાગ્યા સુધીનો છે. પાર્ક થાણે રેલવે-સ્ટેશનથી આશરે ૬ કિલોમીટર દૂર છે એટલે તમે ખાનગી વાહન કે રિક્ષા દ્વારા જઈ શકો છો. બસમાં જવું હોય તો થાણે મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટની ૯૨ નંબરની બસ પકડીને કલ્પતરુ પાર્ક સિટી બસસ્ટૉપ પર ઊતરીને ૧૦ મિનિટ ચાલીને પહોંચી શકાશે. અહીં પ્રવેશવા માટે સોમવારથી શુક્રવાર દરમ્યાન એન્ટ્રી-ફી તરીકે ૨૦ રૂપિયા ચૂકવવા પડશે અને વીક-એન્ડમાં ૩૦ રૂપિયા આપવાના રહેશે. સિનિયર સિટિઝન્સ માટે ૧૦ રૂપિયા ફી છે અને ૧૫ વર્ષ સુધીનાં બાળકો માટે પ્રવેશ તદ્દન ફ્રી છે.
