Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > અમે પણ અમારાં સંતાનોને હજી સુધી મોબાઇલ ખરીદી નથી આપ્યો

અમે પણ અમારાં સંતાનોને હજી સુધી મોબાઇલ ખરીદી નથી આપ્યો

Published : 11 July, 2025 12:50 PM | IST | Mumbai
Darshini Vashi

મોટા ભાગના પેરન્ટ્સ બાળકો દસ વર્ષનાં નથી થતાં ત્યાં તેમને પર્સનલ મોબાઇલ ફોન ખરીદી આપતા હોય છે ત્યારે સામે એવા કેટલાક પેરન્ટ્સ પણ છે જેમણે તેમનાં ટીનેજર બાળકોનાં ભણતર અને ભવિષ્યને ધ્યાનમાં રાખીને તેમને પર્સનલ ફોન ખરીદી નથી આપ્યા

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા

અભિષેક બચ્ચન, ઐશ્વર્યા રાય બચ્ચન અને દીકરી આરાધ્યા


ફિલ્મ અભિનેતા અભિષેક બચ્ચને તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે તેણે અને ઐશ્વર્યાએ તેમની ૧૪ વર્ષની દીકરી આરાધ્યાને હજી સુધી પર્સનલ મોબાઇલ ફોન ખરીદી નથી આપ્યો એટલું જ નહીં, સોશ્યલ મીડિયા પર પોતાનું પર્સનલ અકાઉન્ટ પણ ખોલવાની પરવાનગી આપી નથી. જોકે એક નજરે જોતાં આપણને આ નિર્ણય થોડો અંકુશિત ભલે લાગતો હોય પણ આજે જ્યારે આપણી આજુબાજુ મોબાઇલ અને સોશ્યલ મીડિયાના ઉપદ્રવને લીધે જે વાતાવરણ જોઈ રહ્યા છીએ એને જોતાં આ નિર્ણય એકદમ યોગ્ય લાગે છે. માત્ર અભિષેક-ઐશ્વર્યા જ નહીં, તેમના જેવા બીજા પણ ઘણા પેરન્ટ્સે તેમનાં ટીનેજ બાળકોને હજી સુધી પોતાનો પર્સનલ મોબાઇલ ફોન ખરીદી નથી આપ્યો. તો ચાલો મળીએ આવા કેટલાક પેરન્ટ્સને અને જાણીએ કે તેમણે બાળકોને કેમ મોબાઇલ ફોન ખરીદી આપ્યો નથી અને પર્સનલ મોબાઇલ ન હોવાને લીધે તેમનાં ટીનેજ સંતાનો અન્યોથી કેવી રીતે અલગ તરી આવે છે.




ભરપૂર ફૅમિલી-ટાઇમ મળે છે


મુલુંડમાં રહેતાં ચાર્મી શેઠ કહે છે, ‘મારી એક દીકરી આઠમા ધોરણમાં ભણે છે અને એક દીકરી નવમા ધોરણમાં ભણે છે અને બન્ને પાસે તેમના પર્સનલ મોબાઇલ નથી. મેં તેમને સ્ટ્ર‌િક્ટ્લી કહી રાખ્યું છે કે તમને અત્યારે તો મોબાઇલ નહીં જ મળે. સ્કૂલના કોઈ પ્રોજેક્ટ હોય કે ફ્રેન્ડ્સ સાથે કોઈ વાત કરવી હોય તો તેમને મારો મોબાઇલ લેવાની છૂટ છે, પણ અડધો કલાકથી વધારે તેઓ મોબાઇલ વાપરતાં નથી. જો મોબાઇલ માટે તેઓ બહુ રિક્વેસ્ટ કરે તો હું કહું કે જોઈએ તો તમે ટીવી અડધો કલાક વધારે જુઓ પણ મોબાઇલ તો નહીં જ. ટીવી તો આપણી સામે ચાલતું હોય છે. એના પર આપણી નજર રહી શકે છે, પણ મોબાઇલ એક વાર હાથમાં આપી દઈએ પછી પેરન્ટ્સનો કોઈ કન્ટ્રોલ કામ આવતો નથી. મોબાઇલ ન હોય તો તમે દુનિયાથી અલગ નથી થઈ જતા, ઊલટાનું ફૅમિલી સાથે વધારે અટૅચ થઈ જતા હો છો. જેમ કે મારી બે દીકરીઓ લગભગ સેમ એજ કૅટેગરીમાં આવે છે એટલે તેમની વચ્ચેનું બૉન્ડિંગ પણ સારુંએવું છે. મોબાઇલ ન હોવાથી મને એવું લાગે છે કે તેઓ એકબીજાને સિસ્ટર-ટાઇમ વધુ આપી શકે છે. તેઓ એકબીજા સાથે બધી વાતો શૅર કરી શકે છે. ત્યાં સુધી કે અમે જ્યારે બહાર જઈએ છીએ ત્યારે કોઈના હાથમાં મોબાઇલ રહેતો નથી. બાકી આપણે જોઈએ છીએ કે કોઈ પણ સોશ્યલ ગૅધરિંગમાં અથવા તો ટ્રાવેલિંગ દરમિયાન બાળકો મોબાઇલમાં મસ્ત રહેતાં હોય છે, પણ અમારી સાથે એવું થતું નથી. અમે જ્યારે પણ ટ્રાવેલિંગ કરીએ ત્યારે કાં તો સૉન્ગ સાંભળતાં હોઈએ અથવા તો સૉન્ગ ગાતાં હોઈએ અથવા તો કોઈ ગેમ્સ રમીએ. કોઈના હાથમાં મોબાઇલ નહીં. અને આમ પણ હવે તેમની બોર્ડ એક્ઝામ આવશે એટલે મોબાઇલથી જેટલાં દૂર રહે એટલું જ તેમના માટે સારું છે. મોબાઇલ હોવાથી ઇતર પ્રવૃત્તિમાંથી રસ ઓછો થઈ જાય છે, પણ અમને એમાં પણ ફાયદો થયો છે. મારી ડૉટર્સ બાસ્કેટબૉલ, ડાન્સ અને ડ્રૉઇંગ શીખી રહી છે.’


પર્સનલ ફોન તો સ્કૂલ પછી

મારા દીકરાની ઉંમર ૧૩ વર્ષની છે અને હજી સુધી મેં તેને પર્સનલ ફોન લઈ આપ્યો નથી એમ જણાવતાં અંધેરીમાં રહેતા રાહુલ ગાલા કહે છે, ‘મને ખબર છે તેની સમાન એજ ધરાવતાં અન્ય બાળકો પાસે પર્સનલ ફોન છે, પરંતુ હું તેને કૉલેજમાં જશે ત્યારે જ ફોન ખરીદીને આપીશ. પર્સનલ ફોન નહીં લઈ આપવાનું સૌથી મોટું કારણ તો એ જ છે કે મેં દરેક જગ્યાએ જોયું છે કે બાળકોને મોબાઇલ મળી જાય એટલે તેઓ એની અંદર એવાં ખોવાઈ જાય કે તેમને આસપાસનું કંઈ દેખાતું જ નથી. અત્યારની એજમાં ભણવા પર વધારે ફોકસ કરવાની જરૂર છે. જો તેમના હાથમાં પર્સનલ મોબાઇલ આવી જાય તો પછી તેઓ કોઈનું સાંભળશે જ નહીં. ભણવા પરથી ધ્યાન પણ હટી જાય છે. બીજું એ કે મોબાઇલ હાથમાં હોય તો સ્વાભાવિક રીતે તે ઑન જ રહે. આપણા હાથમાં મોબાઇલ હોઈ ત્યારે આપણે પણ મોબાઇલ ફોનના ઉપયોગને કન્ટ્રોલમાં લાવી નથી શકતા તો પછી તેઓ એને મૅનેજ કેવી રીતે કરી શકશે? નો ડાઉટ, મારો દીકરો જીદ નથી કરતો, માત્ર મોબાઇલની ડિમાન્ડ કરે છે કેમ કે તેના ફ્રેન્ડ્સ પાસે છે. પરંતુ અમે તેને કહ્યું છે કે સ્કૂલ બાદ જ તને અમે મોબાઇલ લઈ આપીશું. તે માની પણ ગયો છે તેમ જ તે પોતે પણ સ્વીકારે છે કે મોબાઇલ ન હોવાથી તેને ફ્રી ટાઇમ વધારે મળે છે. તે વધારે રમી શકે છે. ચેસ સહિત અનેક બ્રેઇન-બૂસ્ટર ગેમ તે ફ્રી હોય ત્યારે રમી શકે છે. તેમ જ આઉટડોર સ્પોર્ટ્સ જેમ કે સ્વિમિંગ અને ક્રિકેટમાં પણ તે સક્રિય રહેતો હોય છે. જો મોબાઇલ હોય તો તેઓ આ બધી ગેમ સ્ક્રીન પર રમવા લાગે. ફિઝિકલ ઍક્ટિવિટીને પણ બ્રેક લાગી જાય છે. તેને જો કોઈ કામ હોય અથવા તો થોડો બ્રેક જોઈતો હોય તો તે અમારો મોબાઇલ યુઝ કરે છે, પણ એ મર્યાદિત સમય માટે જ હોય છે.’

એક્સ્ટ્રા-ઍક્ટિવિટી વધુ કરી શકે છે

બાળકોની ૧૨થી ૧૫ વર્ષની ઉંમર ખૂબ જ નાજુક હોય છે. આ સમય દરમિયાન તેમનામાં અનેક રીતે બદલાવ આવતા હોય છે. તેમને સમજવાં અને સમજાવવાં ખૂબ જ કઠિન ટાસ્ક બની જતો હોય અને અને આવી એજ દરમિયાન જો તેમના હાથમાં મોબાઇલ પકડાવી દેવામાં આવે તો પછી સિચુએશન આઉટ ઑફ કન્ટ્રોલ થઈ શકે છે. એમાં પણ જો બન્ને પેરન્ટ્સ વર્કિંગ હોય ત્યારે બાળકો પર મોબાઇલ વપરાશનો કોઈ અંકુશ રહેતો નથી. એટલે આ બધું જ વિચારીને બાળકને મોબાઇલ માટે પહેલાંથી જ ના પાડી દેવી ભવિષ્ય માટે યોગ્ય નિર્ણય સાબિત થઈ શકે છે. કાંદિવલીમાં રહેતાં જ્યોતિ પારેખ કહે છે, ‘મારો દીકરો ૧૩ વર્ષનો છે. હું અને મારા હસબન્ડ બન્ને વર્કિંગ છીએ એટલે જો અમે તેને મોબાઇલ આપી દઈએ તો તેના પર અમારું વધુ ધ્યાન રાખી નહીં શકીએ. બીજું કે મોબાઇલ આવે એટલે સોશ્યલ મીડિયા પર અકાઉન્ટ ખૂલી જ જાય. આપણે જોઈએ જ છીએ કે કેવી-કેવી પોસ્ટ અને રીલ્સ આવતી હોય છે, તો આ જાણીને પણ આપણે કેવી રીતે તેમને મોબાઇલ આપીએ? ભલે આપણે તેમને સોશ્યલ મીડિયા પર પોતાનું અકાઉન્ટ કે પ્રોફાઇલ બનાવવાની ના પાડીએ અથવા તો પોસ્ટ કરવાની ના પાડીએ, તો શું તેઓ અટકવાના છે ખરા? આજે મોબાઇલ પર સ્ક્રૉલ કરો તો તમને પણ ન ખબર હોય કે બીજી સ્લાઇડમાં તમને શું જોવા મળશે. આજે જ્યારે આવી પરિસ્થિતિ છે ત્યારે તેમના માટે મોબાઇલ વાપરવો ખૂબ ડેન્જરસ છે. આ ઉંમર એવી છે જેમાં બાળકોને જેમ વાળો એમ તેઓ વળી શકે છે. આ એજમાં તેઓ પેરન્ટ્સ કરતાં ફ્રેન્ડસનો અને ટીવી-મોબાઇલના પડદે આવતી ચીજો પર વધારે વિશ્વાસ કરતા હોય છે. શું સાચું છે, શું ખોટું છે એ તેઓ સમજી નથી શકતા. એટલે અમે આ બધું અગાઉથી વિચારીને તેને મોબાઇલ નથી લઈ આપ્યો. હા, તે ઘણી વખત માગે છે પણ અમે તેને સમજાવીએ તો તે સમજી પણ જાય છે. તે અત્યારે ઘણી ઍક્ટિવિટીની સાથે સંકળાયેલો છે. ડ્રૉઇંગ ઉપરાંત તે ગિટાર પણ શીખે છે. બૅડ્મિન્ટન રમે છે અને આ સિવાય પણ તે કંઈક-કંઈક કરતો રહે છે.’

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2025 12:50 PM IST | Mumbai | Darshini Vashi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK