US Tariffs: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આવતા ઉત્પાદનો પર ૩૫ ટકા ટૅરિફની જાહેરાત કરી છે; જે ૧ ઓગસ્ટ ૨૦૨૫થી અમલમાં આવશે
ડોનાલ્ડ ટ્રમ્પની ફાઇલ તસવીર
અમેરિકા (America)ના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ (Donald Trump)એ ફરી એકવાર તેમની ટેરિફ નીતિ (US Tariffs)થી વિશ્વને હચમચાવી નાખ્યું છે. બ્રાઝિલ પર ૫૦% ટેરિફ લાદ્યા બાદ, ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટી જાહેરાત કરી અને અમેરિકાના પડોશી દેશ કૅનેડા પર ભારે ટૅરિફ લાદવાની જાહેરાત (Donald Trump imposes 35% tariff on Canadian imports) કરી. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડાથી આવતા ઉત્પાદનો પર ૩૫%ની ભારે ટૅરિફ (આયાત ડ્યુટી) લાદવાની જાહેરાત કરી છે. આ ડ્યુટી ૧ ઓગસ્ટ, ૨૦૨૫થી અમલમાં આવશે અને યુએસમાં પ્રવેશતા તમામ કૅનેડિયન ઉત્પાદનો પર લાગુ થશે. ટ્રમ્પે આ નિર્ણયને કૅનેડાની બદલો લેવાની કાર્યવાહી અને અન્યાયી વેપાર વર્તનનો પ્રતિભાવ ગણાવ્યો છે.
ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સત્તાવાર પત્રમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે કૅનેડા અમેરિકાને ફેન્ટાનાઇલ જેવી ખતરનાક દવાઓનો પુરવઠો રોકવામાં નિષ્ફળ રહ્યું છે. તેને અમેરિકન સમાજ માટે ગંભીર ખતરો ગણાવતા તેમણે કહ્યું કે, ‘હવે સમય આવી ગયો છે કે અમેરિકા તેની સુરક્ષા અને અર્થતંત્રને પ્રાથમિકતા આપે.’ ટ્રમ્પે પોતાના પત્રમાં લખ્યું છે કે, ‘જેમ તમે જાણો છો, અમેરિકાએ દેશમાં ફેલાતા ફેન્ટાનાઇલ સંકટને નિયંત્રિત કરવા માટે અગાઉ પણ ટૅરિફ લાદ્યા છે.’ તેમણે આગળ લખ્યું છે, ‘આ કટોકટી આંશિક રીતે કૅનેડા દ્વારા કાર્યવાહી કરવામાં નિષ્ફળતાને કારણે વધી રહી છે.’ સાથે જ ટ્રમ્પે ચેતવણી આપી હતી કે, જો કૅનેડિયન કંપનીઓ ટૅરિફથી બચવા માટે તેમના ઉત્પાદનો ત્રીજા દેશમાંથી પસાર કરશે તો તેમના પર પણ ટૅરિફ લાદવામાં આવશે.
ADVERTISEMENT
યુએસ પ્રેસિડન્ટે સ્પષ્ટ કર્યું કે, જો કૅનેડા અમેરિકાના આ ટૅરિફનો જવાબ પોતાના ઉત્પાદનો પર ડ્યુટી વધારીને આપશે, તો અમેરિકા તેના જવાબમાં વધુ ટૅરિફ લાદશે. તેમણે લખ્યું, ‘જો તમે કોઈપણ કારણોસર ટૅરિફ વધારશો, તો અમે તે જ ટકાવારી ૩૫%માં ઉમેરીશું કારણ કે તમે તેને વધારશો.’
કૅનેડાની ડેરી નીતિઓ પર નિશાન સાધતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ‘કૅનેડા અમેરિકન ડેરી ખેડૂતો પર ૪૦૦% સુધીની આયાત ડ્યુટી લાદે છે. આના કારણે અમેરિકાને ભારે વેપાર ખાધ સહન કરવી પડી રહી છે અને હવે તે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની ગયો છે. કેનેડા આપણા ડેરી ખેડૂતો પર અભૂતપૂર્વ કર લાદે છે અને તે પણ ત્યારે જ્યારે આપણા ખેડૂતોને ત્યાં તેમના ઉત્પાદનો વેચવાની મંજૂરી નથી.’
આ ઉપરાંત ડોનાલ્ડ ટ્રમ્પે કૅનેડિયન કંપનીઓને અમેરિકામાં તેમના યુનિટ સ્થાપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. તેમણે વચન આપ્યું હતું કે, અમેરિકામાં વ્યવસાય શરૂ કરવા માંગતી કંપનીઓને ઝડપી, વ્યાવસાયિક અને નિયમિત મંજૂરીઓ મળશે. તેમણે પત્રમાં લખ્યું છે કે, ‘જો કોઈ કૅનેડિયન કંપની અમેરિકા આવીને ઉત્પાદનોનું ઉત્પાદન કરવા માંગે છે, તો અમે તેમને થોડા અઠવાડિયામાં બધી મંજૂરીઓ આપીશું.’

