મહિલાઓને એવા સાથની જરૂર છે જ્યાં તેમનો બિઝનેસ તો વધે જ, સાથે-સાથે તેમનો વ્યક્તિગત વિકાસ પણ થાય
સોનાલી મહેતા ‘વાઇબ - ધ વુમન ટ્રાઇબ’ કમ્યુનિટીનાં કો-ફાઉન્ડર છે. આ કમ્યુનિટી મહિલા ઉદ્યોગ-સાહસિકોને એકબીજા સાથે જોડવાનું અને તેમને બિઝનેસ તેમ જ જીવનમાં આગળ વધારવાનું એક અદ્ભુત કામ કરે છે.
આજના દોડતા અને ડિજિટલ યુગમાં તકો તો ઘણી છે, પણ ઘણી મહિલાઓ બિઝનેસની સફરમાં એકલી પડી જાય છે. પછી ભલે તે સફળ ક્લિનિક ચલાવતી લેડી ડૉક્ટર હોય, ક્લાયન્ટ્સ સંભાળતી સર્વિસ-પ્રોવાઇડર હોય કે પોતાનો કોઈ પ્રોડક્ટ-બિઝનેસ ચલાવતી સ્ત્રી હોય. આ બધી જ મહિલાઓ એક એવો સાથ-સહકાર શોધતી હોય છે જે તેમની મુશ્કેલીઓને સાચે જ સમજી શકે.
મહિલાઓને એક એવા વાતાવરણની જરૂર છે જ્યાં તેમને સપોર્ટ મળે, આત્મવિશ્વાસ વધે, નવી ઓળખ મળે અને આગળ વધવાની તક મળે. મારું સ્પષ્ટ માનવું છે કે સ્ત્રીઓ એકબીજા સાથે હરીફાઈ કરવાને બદલે જો હાથ મિલાવીને આગળ વધે તો બહુ મોટો બદલાવ આવી શકે. એકબીજાને મદદ કરવાનો આ સ્વભાવ માત્ર લેણદેણ પૂરતો સીમિત નથી રહેતો, એમાંથી સાચા અને મજબૂત સંબંધો બને છે.
ADVERTISEMENT
બિઝનેસ કરતી મહિલાઓ ઘર અને કામ બન્નેની જવાબદારીઓ એકસાથે ઉપાડતી હોય છે. એવામાં ઘણી વાર તેમની પાસે એવી કોઈ જગ્યા નથી હોતી જ્યાં તેઓ દિલ ખોલીને વાત કરી શકે કે પ્રોત્સાહન મેળવી શકે.
મહિલાઓ માટેની ખાસ કમ્યુનિટી આ અધૂરપને પૂરી કરે છે. એ એક એવું સુરક્ષિત અને હળવું વાતાવરણ આપે છે જ્યાં સ્ત્રીઓ કોઈ પણ ખચકાટ વગર બિઝનેસની તકલીફો વહેંચી શકે, પોતાના અનુભવો કહી શકે અને એકબીજાની સફળતાની ઉજવણી કરી શકે.
દુનિયા ભલે ગમે એટલી ઑનલાઇન થઈ જાય, માણસો વચ્ચેનો સાચો સંપર્ક અને આપણો માણસ હોવાનો અહેસાસ ક્યારેય ઓછા નથી થતા. મહિલાઓને એવા સાથની જરૂર છે જ્યાં તેમનો બિઝનેસ તો વધે જ, સાથે-સાથે તેમનો વ્યક્તિગત વિકાસ પણ થાય. ઘણા નાના બિઝનેસ માત્ર મોટી જાહેરાતોથી નથી ચાલતા, કમ્યુનિટીમાં એકબીજાના ભરોસા પર મળતી માઉથ-પબ્લિસિટીથી આગળ વધે છે.
આવી કમ્યુનિટીમાં થતા સેમિનાર, એક્સપર્ટ્સની વાતો અને વર્કશૉપ દ્વારા ઘણું નવું શીખવા મળે છે. બુક્સ કરતાં બિઝનેસ કરતી બીજી બહેનોના સાચા અનુભવોમાંથી શીખવું વધુ સહેલું અને અસરકારક બને છે.
સ્ત્રીઓ જ્યારે આજુબાજુ અન્ય સફળ મહિલાઓને જુએ છે ત્યારે તેમનો ડર દૂર થાય છે અને લીડરશિપના ગુણો ખીલે છે. સમાજના ડર કે સંકોચને કારણે જે મહિલાઓ પોતાની વાત રજૂ નહોતી કરી શકતી તેઓ હવે મોટું વિચારવા લાગે છે અને બિઝનેસના સાહસિક નિર્ણયો લે છે. અહીં તેમને એવી પ્રેરણાદાયી મહિલાઓ મળે છે જેમને જોઈને તેઓ પોતાનાં સપનાં પૂરાં કરવા મક્કમ બને છે.
એક સ્ત્રી જ્યારે સશક્ત બને છે ત્યારે આખો પરિવાર, સમાજ અને દેશ મજબૂત બને છે. મહિલાઓ માટેનું આ પ્લૅટફૉર્મ ખરી સત્તા તેમના હાથમાં સોંપવાનું કામ કરે છે.
