મુંબઈમાં સ્ત્રીશિક્ષણનો રસ્તો સરળ નહોતો. બૉમ્બે યુનિવર્સિટીની શરૂઆતથી કૉર્નેલિયા સોરાબજી, પંડિતા રમાબાઈ અને મહર્ષિ કર્વે સુધી અનેક સંઘર્ષો અને પ્રયાસોએ મહિલાઓ માટે શિક્ષણના દરવાજા ખોલ્યા.
ઓગણીસમી સદીના મુંબઈની સ્ત્રીઓ: કેવાં-કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?
૧૯૪૭થી પાછા પગલે ચાલીને હવે જઈએ ૧૮૫૭. આપણે જેને પહેલું સ્વતંત્રતાયુદ્ધ કહીએ છીએ અને અંગ્રેજો જેને ‘સિપાઈ બળવો’ કહેતા એનું એ વર્ષ. જોકે આપણે એની વાત નથી કરવાના. એ જ વર્ષે બ્રિટિશ સરકારે હિન્દુસ્તાનમાં ૩ યુનિવર્સિટીની સ્થાપના કરી. ૧૮૫૭ના બાવીસમા કાયદા હેઠળ સરકારે યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના કરી. ૧૮૫૭ની ૮ જુલાઈએ ગવર્નર જનરલે એની સ્થાપના કરતા કાયદાને મંજૂરી આપી. ૧૮૫૯માં યુનિવર્સિટી ઑફ બૉમ્બેએ પહેલી વાર મૅટ્રિકની પરીક્ષા લીધી. મુંબઈના ટાઉન હૉલ ખાતે લેવાયેલી આ પરીક્ષામાં કુલ ૧૩૨ છોકરાઓ બેઠા હતા, પણ એમાંથી માત્ર બાવીસ પાસ થયા હતા. એમાંના બે ગુજરાતીભાષી હતા : ઝવેરીલાલ ઉમિયાશંકર અને નાનાભાઈ હરિદાસ. નાનાભાઈએ પછીથી બૅચલર ઑફ લૉ (LLB)ની ડિગ્રી મેળવી અને ૧૮૮૪માં બૉમ્બે હાઈ કોર્ટના પહેલવહેલા ‘દેશી’ જજ બન્યા. ૧૮૮૯માં તેમનું અવસાન થયું ત્યાં સુધી તેઓ એ પદે રહ્યા. ત્યાર બાદ ૧૮૬૨માં પહેલી વાર બૅચલર ઑફ આર્ટ્સ (BA)ની પરીક્ષા લીધી એમાં તો માત્ર ૪ છોકરા જ પાસ થયા હતા, જેમાંનો એક પણ ગુજરાતીભાષી નહોતો. ૧૮૬૩ની BAની બીજી પરીક્ષામાં માત્ર ૩ છોકરા ગ્રૅજ્યુએટ થયા હતા અને એમાંનો એક ગુજરાતીભાષી હતો. તેમનું નામ નગીનદાસ તુલસીદાસ મારફતિયા. ૧૮૬૩ના એપ્રિલની છઠ્ઠી તારીખે તેમને BAની ડિગ્રી મળી. આ નગીનદાસ તે કવિ નર્મદના મિત્ર. નર્મદના અઠવાડિકનું ‘ડાંડીઓ’ નામ નગીનદાસે જ પાડેલું અને એમાં અવારનવાર લેખો પણ લખતા. વૃત્તિએ સમાજસુધારાના પુરસ્કર્તા. ૧૮૬૨માં છપાયેલા પહેલા મૌલિક ગુજરાતી નાટક ‘ગુલાબ’ના તેઓ કર્તા. BA પછી LLB થઈને વ્યવસાયે વકીલ બન્યા.
પણ બૉમ્બે યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદાનો ખરડો ઘડનારની એક નાનકડી ભૂલ કે સરતચૂકને કારણે આખા મુંબઈ ઇલાકાની સ્ત્રીઓએ ઘણું સહન કરવું પડ્યું, ઘણાં વર્ષો સુધી સહન કરવું પડ્યું. યુનિવર્સિટી ઑફ બૉમ્બેની સ્થાપના થઈ ત્યારથી છેક ૧૮૭૫ સુધી એક પણ છોકરીએ મૅટ્રિકની પરીક્ષા આપી નહોતી. ૧૮૭૫માં યુનિવર્સિટી ઑફ બૉમ્બેને બેલગાંવના પોસ્ટમાસ્તર સોરાબજી ખરસેતજીએ કાગળ લખીને પુછાવ્યું કે મારી દીકરી ફિરોઝા સોરાબજી મૅટ્રિકની પરીક્ષામાં બેસી શકે કે નહીં? (એ વખતે બેલગાંવ મુંબઈ ઇલાકામાં હતું અને તેથી યુનિવર્સિટી ઑફ બૉમ્બેના કાર્યક્ષેત્રમાં આવતું હતું.) આ પત્ર સિન્ડિકેટ પાસે ગયો. યુનિવર્સિટીની સ્થાપના કરતા કાયદાની કલમોમાં બધે વિદ્યાર્થી માટે અંગ્રેજીનો He શબ્દ જ વપરાયો હતો. આથી સિન્ડિકેટે જવાબ આપ્યો કે કોઈ છોકરીને પરીક્ષા માટે પરવાનગી આપવાની સત્તા અમને કાયદા દ્વારા આપવામાં આવી નથી. પોસ્ટમાસ્તરે અને તેમની દીકરીએ તો વાત પડતી મૂકી, પણ ખુદ સિન્ડિકેટના જ કેટલાક સભ્યો આ નિર્ણયથી નાખુશ હતા. ૮ વર્ષ સુધી તેમણે કરેલા પ્રયત્નોના પરિણામે છેવટે કાયદામાં એવી કલમ ઉમેરવામાં આવી કે જો તેમની ઇચ્છા હોય તો છોકરીઓ પણ યુનિવર્સિટીની પરીક્ષામાં બેસી શકે છે. જાણે આવી તકની રાહ જોઈને જ બેઠી હોય એમ પુણેની એક છોકરીએ ૧૮૮૩માં પોતાનું નામ ડેક્કન કૉલેજમાં નોંધાવ્યું અને ૧૮૮૮માં BAની ડિગ્રી મેળવી. તેનું નામ કૉર્નેલિયા સોરાબજી. અસલ પારસી, પણ તેના પિતાએ સ્વેચ્છાએ ખ્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો. કુટુંબ રહેતું હતું પુણેમાં અને ઘરમાં અંગ્રેજી, ગુજરાતી અને મરાઠી એમ ત્રણે ભાષા બોલાતી. તે બની મુંબઈ યુનિવર્સિટીની પહેલી સ્ત્રી ગ્રૅજ્યુએટ, બૉમ્બે પ્રેસિડન્સીની પહેલી સ્ત્રી ગ્રૅજ્યુએટ અને પહેલવહેલી ગુજરાતીભાષી સ્ત્રી ગ્રૅજ્યુએટ.
એ વખતે સ્ત્રીશિક્ષણની આવી દશા માત્ર હિન્દુસ્તાનમાં જ હતી એવું નહોતું. ગ્રેટ બ્રિટન પણ આપણા કરતાં બહુ આગળ નહોતું. ઑક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરવા કૉર્નેલિયા દાખલ થઈ ત્યારે ઑક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કરનારી તે પહેલી સ્ત્રી હતી. જ્યારે બૅચલર ઑફ સિવિલ લૉઝની પરીક્ષા આપવાની થઈ ત્યારે યુનિવર્સિટીના વહીવટી તંત્રે તેને જણાવ્યું કે બીજા છોકરાઓ સાથે બેસીને નહીં પણ અલગ ઓરડામાં એકલી બેસીને તેણે પરીક્ષા આપવી પડશે. કૉર્નેલિયાએ આ વાતનો ઉગ્ર વિરોધ કર્યો. છેવટે વાઇસ-ચાન્સેલરે નમતું જોખ્યું. પરીક્ષા આપી, પાસ થઈ; પણ ન ડિગ્રી મળી, ન તો અદાલતમાં પ્રૅક્ટિસ કરવાની પરવાનગી મળી. ઠેઠ ૧૯૧૯ સુધી ગ્રેટ બ્રિટનમાં કોઈ સ્ત્રી વકીલ તરીકે પ્રૅક્ટિસ કરી શકતી નહીં! સ્ત્રીઓને પહેલી વાર બારની મેમ્બરશિપ અપાઈ એ પછી ૧૯૨૩માં કૉર્નેલિયા લિન્કન્સ ઇનની મેમ્બર બની.
આપણે લંડનથી પાછા મુંબઈ આવીએ. ૧૮૮૨માં પંડિતા રમાબાઈએ મુંબઈમાં આર્ય મહિલા સમાજની સ્થાપના કરી. અલબત્ત, આ સંસ્થા માત્ર શિક્ષણ આપતી સંસ્થા નહોતી. જરૂરતમંદ સ્ત્રીઓને મદદ થાય એવી બીજી પ્રવૃત્તિઓ પણ ત્યાં ચાલતી. જસ્ટિસ મહાદેવ ગોવિંદ રાનડેનાં પત્ની રમાબાઈ રાનડે લગ્ન પછી પહેલાં મરાઠી અને પછી અંગ્રેજી વાંચતાં-લખતાં શીખ્યાં. પતિના પ્રોત્સાહનને પરિણામે રમાબાઈએ મુંબઈમાં ‘હિન્દુ લેડીઝ સોશ્યલ ક્લબ’ શરૂ કરી. એમાં સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓના હક્કો વિશે ભાષણો થતાં. એ રીતે તેમણે સ્ત્રીઓને જાહેરમાં બોલતી કરી. પારસી સમાજસુધારક બહેરામજી મલબારી અને દયારામ ગીડુમલને મુંબઈમાં સ્ત્રીઓ માટેની એક સંસ્થા શરૂ કરવાનો વિચાર આવ્યો. આ વિશે તેમણે પંડિતા રમાબાઈની સલાહ લીધી. સ્ત્રીઓને મુખ્યત્વે વ્યવહારુ અને વ્યવસાયલક્ષી શિક્ષણ આપવાના ઉદ્દેશ સાથે રમાબાઈના નેજા નીચે ૧૯૦૯માં ‘સેવા સદન’ સંસ્થાની શરૂઆત થઈ. શરૂઆતમાં એમાં નર્સિંગની તાલીમ અપાતી. પછી
ધીમે-ધીમે બીજા વ્યવસાયોનું શિક્ષણ અને તાલીમ અપાતાં થયાં. ૧૯૨૪ની પચીસ જાન્યુઆરીએ રમાબાઈનું અવસાન થયું ત્યારે ગાંધીજીએ સેવા સદનને આખા દેશમાંની એ પ્રકારની એકમાત્ર અને અનન્ય સંસ્થા તરીકે ઓળખાવી હતી. રમાબાઈએ મરાઠીમાં ‘આમચ્યા આયુશ્યાતિલ કાહી આઠવણી’ નામે આત્મકથા પણ લખી હતી.
વીસમી સદીની શરૂઆત થઈ ત્યારે મુંબઈ, પુણે, અમદાવાદ જેવાં મોટાં શહેરોમાં તો સ્ત્રીશિક્ષણ સામેનો વિરોધ ઘણો ઓછો થઈ ગયો હતો; પણ બહુ મોટી સંખ્યામાં મા-બાપ હજી સહશિક્ષણની વિરુદ્ધ હતાં. એટલે એક માણસે લગભગ એકલે હાથે સ્ત્રીઓના શિક્ષણ માટે સંસ્થાઓ શરૂ કરી. એ વ્યક્તિ તે મહર્ષિ ધોન્ડો કેશવ કર્વે. તેમનો જન્મ ૧૮૫૮ની ૧૮ એપ્રિલે મુંબઈ ઇલાકાના કોકણ વિસ્તારમાં આવેલા શેરવલી-મુરુડ નામના ગામમાં. ઘણું લાંબું આયુષ્ય ભોગવીને ૧૦૪ વર્ષની ઉંમરે પુણેમાં આવેલા હિંગણે આશ્રમમાં ૧૯૬૨ની ૯ નવેમ્બરે તેમનું અવસાન થયું. સ્ત્રીશિક્ષણ અને સમાજસુધારાની પ્રવૃત્તિમાંની તેમની અસાધારણ કારકિર્દીને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૧૯૫૮ના જન્મશતાબ્દી વર્ષમાં તેમને ભારતરત્નથી નવાજ્યા. એ જ વર્ષે ટપાલ ખાતાએ તેમના માનમાં ટપાલટિકિટ બહાર પાડી.
૧૮૮૪માં તેમણે મુંબઈની એલ્ફિન્સ્ટન કૉલેજમાંથી ગણિતશાસ્ત્રની ડિગ્રી મેળવી હતી. ૧૮૯૧થી ૧૯૧૪ સુધી તેમણે પુણેની ફર્ગ્યુસન કૉલેજમાં ગણિતના અધ્યાપક તરીકે કામ કર્યું. ૧૯૦૭માં પુણે નજીકના હિંગણે ખાતે એક ઝૂંપડીમાં છોકરીઓ માટેની નિશાળ શરૂ કરી. અલબત્ત, એમાં આરોગ્યશાસ્ત્ર, બાળઉછેર, આહારવિજ્ઞાન જેવા વિષયોના શિક્ષણ પર ભાર મૂક્યો. આગળ જતાં ૩ જુદી-જુદી સંસ્થાઓને ભેગી કરીને ‘હિંગણે સ્ત્રીશિક્ષણ સંસ્થા’ની શરૂઆત થઈ. આગળ જતાં એનું નામ બદલાઈને મહર્ષિ કર્વે સ્ત્રીશિક્ષણ સંસ્થા રાખવામાં આવ્યું.
જપાનના પ્રવાસ દરમ્યાન ત્યાંની મહિલા વિદ્યાપીઠ જોઈને તેઓ ખૂબ જ પ્રભાવિત થયા. પાછા આવીને ૧૯૧૬માં આખા દેશની પહેલવહેલી મહિલા વિદ્યાપીઠની સ્થાપના પુણે ખાતે ૧૯૧૬માં કરી. થોડા વખત પછી સર વિઠ્ઠલદાસ ઠાકરસીએ આ વિદ્યાપીઠને એ જમાનામાં ઘણી મોટી ગણાય એવી રકમ ૧૫ લાખ રૂપિયાનું દાન આપ્યું. પરિણામે સંસ્થાને શ્રીમતી નાથીબાઈ દામોદર ઠાકરસી નામ આપ્યું અને એનું વડું મથક મુંબઈ ખસેડાયું. મહર્ષિ કર્વેએ વાવેલા બીજમાંથી આજે તો એક વટવૃક્ષ મહોરી ઊઠ્યું છે. મહારાષ્ટ્રની કુલ ૩૬૨ કૉલેજ એની સાથે જોડાયેલી છે. આ ઉપરાંત ગુજરાત, દમણ, આસામ, બિહાર, મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશની ૧૯ કૉલેજ પણ એની સાથે સંકળાયેલી છે. મહર્ષિ કર્વેની મરાઠી આત્મકથા ‘આત્મવૃત્તાંત’ ૧૯૨૮માં અને અંગ્રેજી આત્મકથા Looking Back ૧૯૩૬માં પ્રગટ થઈ. તેમના જીવનના મહત્ત્વના પ્રસંગોના આધારે લખાયેલું નાટક ‘હિમાલયાચી સાવલી’ (હિમાલયના પડછાયામાં) વસંત કાનેટકરે લખ્યું જે ૧૯૭૨માં પહેલી વાર ભજવાયું. ૨૦૨૫માં એ ફરી વાર ભજવાયું.
આ બધાનો અર્થ હરગિજ એવો નથી કે સ્ત્રીશિક્ષણ સહિત સમાજસુધારાની પ્રવૃત્તિઓનો કે સંસ્થાઓનો એ વખતે વિરોધ થયો નહોતો. વ્યક્તિઓ અને કેટલીક સંસ્થાઓ ‘દેશની પ્રાચીન પરંપરા’ના નામે જ્ઞાતિપ્રથા, બાળલગ્ન, શ્રાદ્ધ વગેરેની ધાર્મિક ક્રિયાઓનો બચાવ કરતી હતી અને સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ જેવા સુધારાનો વિરોધ કરતી હતી. કેટલાક કહેતા હતા કે અંગ્રેજ સરકાર આ બધા ‘સુધારા’ દાખલ કરીને આખા દેશને વટલાવવા માગે છે. અખબારો અને સામયિકો તો રીતસર બે છાવણીમાં વહેંચાઈ ગયાં હતાં. એક છાવણી સુધારાવાદી તો બીજી સુધારાને ‘કુધારો’ કહીને એનો સતત અને સખત વિરોધ કરતી. સાહિત્યકાર, પત્રકાર, અને સમાજસુધારક બહેરામજી મલબારીએ જ્યારે ‘સંમતિવાયના કાયદા’ની જોરશોરથી હિમાયત કરી ત્યારે રૂઢિચુસ્તોએ ગાઈબજાવીને કહ્યું કે એક બિનહિન્દુને આવી બાબતોમાં દખલ કરવાનો અધિકાર નથી. જ્ઞાતિનાં બંધનોને અને અસ્પૃશ્યતાને ‘પરંપરાગત’ વારસા તરીકે જાળવી રાખવાની હિમાયત કરનારા તો ઘણા હતા. જ્યોતિબા ફુલે, સાવિત્રીબાઈ ફુલે અને બીજા કેટલાક સુધારકોના અથાગ પ્રયત્નને કારણે મુંબઈ ઇલાકાના મરાઠીભાષી વિસ્તારોમાં અસ્પૃશ્યતા ઓછી થઈ. આ બધા સુધારા અને એના વિરોધ વિશેની કેટલીક સમસ્યાઓ તો કોર્ટ સુધી પહોંચેલી. એવા કેટલાક કિસ્સાઓની વાત હવે પછી. ઓગણીસમી સદીના મુંબઈની કોઈ સ્ત્રી આજના મુંબઈમાં ભૂલી પડે તો? ઘર, રસ્તા, ટ્રેન, કૉલેજ કે ઑફિસમાંની સ્ત્રીઓને જોઈને કદાચ રાવજી પટેલની પેલી પંક્તિઓમાં થોડો ફેરફાર કરીને ગણગણવા લાગે:
તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં —
કેવાં કેવાં દખ બહેની, અમે રે સહ્યાં?
કહોને બહેની દખ કેવાં સહ્યાં!
