Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ૧૪ વર્ષની ઉંમરે પોતાનું પહેલું ઘર અને પહેલી કાર ખરીદનારી મહિમા મકવાણા આજે મુસાફિર કૅફેની સફળતા માણી રહી છે

૧૪ વર્ષની ઉંમરે પોતાનું પહેલું ઘર અને પહેલી કાર ખરીદનારી મહિમા મકવાણા આજે મુસાફિર કૅફેની સફળતા માણી રહી છે

Published : 22 August, 2026 02:24 PM | Modified : 22 August, 2026 02:25 PM | IST | Mumbai
Jigisha Jain | jigisha.jain@mid-day.com

દર વર્ષે દિવાળીએ અમે ચોટીલા જઈએ છીએ. દુનિયા આખી ઉપર-નીચે થઈ જાય, તોફાન પણ આવે તોય અમે અમારો આ નિયમ તોડતા નથી

મહિમા મકવાણા

મહિમા મકવાણા


પાંચ મહિનાની નાની ઉંમરે પિતાને ગુમાવી ચૂક્યા પછી દહિસરની ચાલીમાં ઊછરેલી ઍક્ટ્રેસ મહિમા મકવાણાએ ૯-૧૦ વર્ષની નાની ઉંમરથી ઍક્ટિંગ શરૂ કરી દીધી હતી. ટીવી પર ‘બાલિકા વધૂ’ અને ‘સપને સુહાને લડકપન કે’ જેવા શોથી જાણીતી બનેલી મહિમાએ તેનાં મમ્મીની અૅક્ટ્રેસ બનવાની અધૂરી ઇચ્છાને પૂરી કરી એ બાબતનો તેને ગર્વ છે

૨૦૧૯નો સમય હતો. બાળકલાકાર તરીકે ટીવીમાં વર્ષોથી કામ કરતી મહિમા મકવાણાનો નવો શો ‘શુભારંભ’ આવી રહ્યો હતો એટલે એ શોના પ્રમોશન માટે ‘બિગ બૉસ’ જવાનું થયું. ફક્ત ૨૦ વર્ષની મહિમા ખૂબ ખુશ હતી, કારણ કે તે સલમાન ખાનને મળવાની હતી. પ્રમોશન્સમાં જેવી ફૉર્મલ મીટિંગ હોય એમ મળીને મહિમા ત્યાંથી નીકળી ગઈ હતી. તે ખુશ હતી કે તે ‘ધ સલમાન ખાન’ને મળીને આવી હતી. એના થોડા સમય પછી સલમાન ખાન પ્રોડક્શન્સમાંથી ફોન આવ્યો તેના કાસ્ટિંગ ડિરેક્ટરનો. મહિમાને પહેલાં તો વિશ્વાસ જ ન આવ્યો કે સલમાન ખાન જે ફિલ્મ બનાવી રહ્યા છે એ માટે તેઓ તેને ઑડિશન કરવા બોલાવી રહ્યા છે. ઑડિશનમાં ૩ સીન પર્ફોર્મ કરવાના હતા. એ કિસ્સો યાદ કરતાં મહિમા કહે છે, ‘મેં એક સીન કર્યો પછી તેમણે કટ કહીને કહ્યું કે તમે જાઓ. હું થોડી નર્વસ તો હતી જ. મેં પૂછ્યું કે બીજા બે સીન? તો તેમણે કહ્યું કે જરૂર નથી. મેં ધારી લીધું કે મારો પર્ફોર્મન્સ તેમને ગમ્યો નથી એટલે આગળ મારી પાસે કરાવી નથી રહ્યા. નિરાશ થઈને હું ત્યાંથી નીકળી ગઈ. ૩ દિવસ પછી મને ફોન આવ્યો કે તમે સિલેક્ટ થઈ ગયાં છો. બાપ રે! એક ટીવી-ઍક્ટરનું સપનું હોય છે ફિલ્મોમાં કામ કરવાનું, પણ જો તમને સલમાન ખાનની ફિલ્મ મળી જાય તો એનાથી મોટું શું હોઈ શકે? કદાચ આ ઘટના મારા જીવનની સૌથી ફિલ્મી ઘટના કહી શકાય. આયુષ શર્માની ઑપોઝિટ મને લેવામાં આવી. સલમાનસર સાથે મેં કામ કર્યું. તેમની પ્રોડ્યુસ થયેલી ફિલ્મ અને જે ફિલ્મમાં તેઓ હતા એમાં હું હતી. આ મારા જીવનની સૌથી સુંદર ક્ષણ કહી શકું. ફરી ૨૦૨૨માં અમે ‘બિગ બૉસ’માં ગયા અને એ પણ મારી પહેલી હિન્દી ફિલ્મ ‘અંતિમ - ધ ફાઇનલ ટ્રુથ’ના પ્રમોશન માટે. એ દિવસે જીવન એક સર્કલ સાબિત થયું. જ્યાંથી આ બધું શરૂ થયું હતું ત્યાં આવીને પૂરું થયું.’



કરીઅર


મહિમાએ ‘અંતિમ - ધ ફાઇનલ ટ્રુથ’ સિવાય ‘વેન્કટાપુરમ્’ અને ‘મોસાગાલ્લુ’ નામની બે તેલુગુ ફિલ્મ પણ કરી છે, પણ લોકો મૂળ તેને ટીવી-સિરિયલો દ્વારા વધુ ઓળખે છે. ‘મોહે રંગ દે’, ‘બાલિકા વધૂ’, ‘મિલે જબ હમ તુમ’ જેવી સિરિયલોમાં તેણે બાળકલાકાર તરીકે કામ કર્યું છે. ટીવીની દુનિયામાં તેણે કામની શરૂઆત કરી ત્યારે ‘સપને સુહાને લડકપન કે’ તેનો પહેલો એવો શો હતો જે લીડ ઍક્ટ્રેસ તરીકે તેણે કર્યો. એ પહેલાં ‘સઁવારે સબકે સપને પ્રીતો’, ‘CID’, ‘આહટ’ જેવા શોમાં કામ કર્યું હતું. ૨૦૧૫માં તેણે એકસાથે ત્રણ ટીવી-શો ‘દિલ કી બાતેં દિલ હી જાને’, ‘કોડ રેડ’ અને ‘પ્યાર તૂને ક્યા કિયા’ કર્યા. ‘અધૂરી કહાની હમારી’, ‘રિશ્તોં કા ચક્રવ્યૂહ’, ‘કુમકુમ ભાગ્ય’, ‘મરિયમ ખાન રિપોર્ટિંગ લાઇવ’, ‘શુભારંભ’ જેવી ટીવી-સિરિયલોમાં પણ કામ કર્યું હતું. વેબ-સિરીઝની વાત કરીએ તો ‘રંગબાઝ’, ‘ફ્લૅશ’, ‘શો-ટાઇમ’માં કામ કર્યા બાદ હાલમાં ‘મુસાફિર કૅફે’ નામની વેબ-સિરીઝમાં તેણે પ્રીતિ કૌશિક નામનું પાત્ર ભજવીને લોકોનાં દિલ જીતી લીધા છે. 
ટીવીમાં સતત કામ કરવાની વાત કરતાં મહિમા કહે છે, ‘હું ભાગ્યશાળી છું કે મને એક પછી બીજું કામ સતત મળતું જ રહ્યું અને હું એ કરતી રહી. હકીકતમાં નાની ઉંમરથી કામ કરવામાં થાય છે એવું કે લોકો તમને ઓળખતા હોય છે, પણ કામ મળવું અને સતત મળવું સરળ નથી. મેં ખૂબ મહેનત કરી છે, ખૂબ ઑડિશનો આપ્યાં છે, ખૂબ રિજેક્શન પણ મળ્યાં છે, દિવસ-રાત કામ કર્યું છે અને આજે જ્યારે ‘મુસાફિર કૅફે’ને આટલો પ્રેમ મળી રહ્યો છે અને લોકો મને અને મારા કામને વખાણી રહ્યા છે ત્યારે બસ હાથ જોડીને બધાને થૅન્ક યુ કહેવા માગું છું. હું ખૂબ ખુશ છું અને પ્રેક્ષકોના પ્રેમને માણી રહી છું. મને નથી ખબર કે કાલે શું થવાનું છે, આના પછી મારી પાસે શું કામ છે હાથમાં; પણ આજે લોકોનો જે પ્રેમ મળી રહ્યો છે એને હું પૂરી રીતે પામવા માગું છું.’

બાળપણ


મહિમા જ્યારે માત્ર પાંચ મહિનાની હતી ત્યારે તેના પિતાનું નિધન થયું હતું. પિતા જતા રહ્યા એટલે મહિમા અને તેના ભાઈ ચેતનના ઉછેરની જવાબદારી મમ્મી મીના પર આવી ગઈ. દહિસરની ચાલમાં રહેતા આ પરિવારે ઘણા કપરા દિવસો જોયા છે. બોરીવલીની મૅરી ઇમૅક્યુલેટ ગર્લ્સ હાઈ સ્કૂલમાં તે ભણી. પરિવારને મદદ કરવા માટે મહિમાએ માત્ર ૯ વર્ષની ઉંમરે ઑડિશન આપવાનું શરૂ કર્યું. સીધું તેણે ટીવીમાં કામ શરૂ કર્યું હતું. આ વિશે વાત કરતાં મહિમા કહે છે, ‘આ ઉંમરે બાળકો સ્કૂલના પ્રોગ્રામમાં ભાગ લેતાં હોય છે, પણ મારું સ્ટેજ સીધું ટીવીથી જ શરૂ થયું. સમય મળ્યો ત્યારે સ્કૂલમાં પણ પ્રોગ્રામ કર્યા, પણ મુખ્ય કામ તો એ સમયે પણ ટીવી જ હતું. આ ઉંમરે એક પ્રકારની છોકરીઓ હોય છે જેઓ ઘરથી સ્કૂલ અને સ્કૂલથી ઘર જતી હોય છે. એ જ પ્રકારની હું હતી. બસ, મારા રૂટીનમાં સ્કૂલથી સેટ અને સેટથી ઘર હતું. બસ, આ જ મારી દુનિયા હતી. હું નાની હતી ત્યારે એ ઉંમરે પણ એ વાત મને ખબર હતી કે હું ‘ટીવી’ પર આવું છું. ઍક્ટિંગ કયા પ્રકારનું ફીલ્ડ છે, એમાં કરીઅર બનાવી શકાય કે નહીં, મને એ ગમે છે કે નહીં એ બધું હું ત્યારે નાની હતી એટલે કશો વિચાર આવતો નહીં; પણ આ કામ મારા જીવનનો ભાગ છે અને હું ટીવી પર આવું છું એનું ભાન મને હતું. જોકે ભણવાનું પણ મેં સાથે-સાથે મૅનેજ કર્યું. ગ્રૅજ્યુએશન સુધી હું ભણી.’

મમ્મી સાથેનું કનેક્શન

બાળકલાકારો સામાન્ય બાળપણ જીવી નથી શકતા એ એક હકીકત છે. મહિમાએ એક બાળક તરીકે ઘણો ભોગ આપ્યો છે. સ્કૂલ, પિકનિક, મિત્રો, રમતો તેના બાળપણનો ભાગ નહોતાં; પરંતુ પિતા વિનાનું જીવન બાળક માટે સરળ નથી હોતું. બીજી તરફ ટીવીએ મહિમાને ઘણું આપ્યું. આ વિશે વાત કરતાં મહિમા કહે છે, ‘મારી મમ્મીનું સપનું પોતાનું ઘર ખરીદવાનું હતું. ૧૩ વર્ષની ઉંમરે મને મુખ્ય કલાકાર તરીકે પ્રથમ રોલ મળ્યો અને એના એક જ વર્ષ પછી એટલે કે ૧૪ વર્ષની ઉંમરે મેં પહેલું ઘર અને કાર ખરીદી લીધી હતી. આ ઘરનું ઉદ્ઘાટન મારી મમ્મીના બર્થ-ડે પર અમે કરેલું. આજે મારી પાસે મુંબઈમાં મારાં બે ઘર છે. મેં જ્યારે શરૂઆત કરી ત્યારે મને ખબર નહોતી કે હું જીવનમાં આટલું બધું કરીશ. ખરેખર તો મારી મમ્મી ઇચ્છતી હતી કે હું ઍક્ટર બનું, કેમ કે તે ખુદ ઍક્ટર બનવા માગતી હતી પણ બની ન શકી. કેટલાં એવાં બાળકો હોય છે જે માતા-પિતાનાં અધૂરાં સપનાં પૂરાં કરી શકે? મમ્મી જ્યારે મને ઍક્ટર તરીકે જીવતી જુએ ત્યારે તેને જેટલી ખુશી થાય છે એ ઘણી અદ્ભુત હોય છે. એ જોઈને હું ઘણી ખુશ રહું છું. અમે એકદમ ટિપિકલ મધર-ડૉટર છીએ. હું તેને હેરાન પણ એટલી જ કરું છું. તે મને ખિજાય પણ એટલું જ. મારી મમ્મી મને નખશિખ ઓળખે છે. મારાં બધાં બહાનાં તે પકડી પાડે છે. તેની સામે હું કામચલાઉ ખોટું પણ બોલી નથી શકતી. એની મજા છે.’

મહેનત

મહિમાને ઘર-ઘરમાં જાણીતી બનાવી ‘સપને સુહાને લડકપન કે’ શોએ. એ પછી તેને સતત કામ મળતું ગયું અને તે કરતી ગઈ. આ વિશે વાત કરતાં તે કહે છે, ‘એ સમયે હું ૧૩ વર્ષની હતી. એ સિરિયલે મને પહેલી વાર ફેમ શું હોય છે એ અહેસાસ કરાવ્યો અને એ સમજ આપી કે હું આ કામ શક્ય હોય ત્યાં સુધી કરવા માગું છું. મહેનતનું કેવું છે કે જેની પાસે કામ છે તે પણ મહેનત કરે છે અને જેની પાસે કામ નથી તે પણ મહેનત તો કરે છે. મારાં નસીબ એટલાં સારાં છે કે મેં કામ સાથેની મહેનત કરી. બાકી હું હંમેશાં ફિલ્મો કરવાનું સપનું જોતી હતી. હું જાણતી હતી કે મારા માટે આ રસ્તો મુશ્કેલ હશે, પણ મારે પ્રયત્ન કરવો જ હતો. હું ત્યાં સુધી પહોંચી શકી એનો મને આનંદ છે.’

કામે શીખવ્યું

મહિમાએ ઍક્ટિંગનો કોઈ કોર્સ કર્યો નથી. નાનપણથી જ કામ કરતાં-કરતાં તે બધું શીખતી ગઈ અને કરતી ગઈ. આટલાં વર્ષોના અનુભવ પરથી પોતાના ફીલ્ડ વિશેનું સૌથી મોટું લર્નિંગ તે શું શીખી છે? એ પ્રશ્નનો જવાબ આપતાં મહિમા કહે છે, ‘હું શીખી છું કે કશું જ કાયમી નથી. અનિશ્ચિતતા આમ તો જીવનનો ગુણધર્મ છે, પણ અમારા ફીલ્ડમાં એ સૌથી વધુ છે. અત્યારે ‘મુસાફિર કૅફે’ને કારણે લોકોનો અઢળક પ્રેમ મને મળી રહ્યો છે, પણ આજની તારીખે મને નથી ખબર કે આના પછી શું? કાલે સવારે ઊઠું તો મારી પાસે શું કામ છે? આ પ્રશ્ન અમારા ઍક્ટર્સ માટે ઘણો અઘરો થઈ જાય છે જેને લીધે હું શીખી છું કે સફળતા ગમે એટલી મોટી હોય, એને માથે નહીં ચડાવવાની. અમે ઍક્ટર્સ બધા અતિ સંવેદનશીલ હોઈએ છીએ. અમારો ઈગો ખૂબ બટકણો હોય. કોઈ કંઈ બોલે અને એ તૂટી જતો હોય છે એટલે ખુદને ઘણું સંભાળીને રાખવું જરૂરી છે અને કૃતજ્ઞતાની પ્રૅક્ટિસ કરવી જરૂરી છે. જે ઈશ્વરે આપ્યું છે એ સુંદર છે અને એ બાબતે ધન્યતા અનુભવવી રહી, પણ કાલે કદાચ આ સફળતા ન હોય કે કામ ન હોય તો એના માટે પણ તૈયાર રહેવું.’

ગુજરાતી કનેક્શન

મહિમાના પપ્પા ગુજરાતી હતા, મમ્મી મહારાષ્ટ્રિયન છે. મહિમા ખૂબ નાની હતી ત્યારે પપ્પા ગુજરી ગયા એટલે તે વધુ મરાઠી છે. ગુજરાતી તેને સમજાય છે, પણ બોલવામાં થોડી તકલીફ પડે છે. એમ છતાં ગુજરાતી ફૂડ તેને ખૂબ ભાવે છે. મેથીનાં થેપલાં, ફાફડા-જલેબી તેનાં પ્રિય છે. આ વિશે વાત કરતાં મહિમા કહે છે, ‘મારાં મમ્મી ચામુંડામાતાજીમાં શ્રદ્ધા ધરાવે છે એટલે દર દિવાળીએ અમે ચોટીલા જઈએ છીએ. દુનિયા આખી ઉપર-નીચે થઈ જાય, તોફાન પણ આવે તોય અમે અમારો આ નિયમ તોડતા નથી. દિવાળીએ ચોટીલાની ટ્રિપ નક્કી.’ 

જલદી ફાઇવ

 ખાલી સમયમાં શું કરો છો? : હું એક નૉર્મલ છોકરી છું. ઘરે ટીવી જોવું, બુક્સ વાંચવી, મિત્રો સાથે ચિલ કરવું, જમવાનું બનાવવું, બૅડ્‍મિન્ટન રમવું મને ખૂબ ગમે. 
 બકેટ-લિસ્ટ : હું કોઈ રમત વ્યવસ્થિત શીખીને રમવા માગું છું. હું યુરોપ ફરવા માગું છું. હું ક્યારેય સફારી ફરવા નથી ગઈ તો એ જોવા માગું છું. 
 ડર : મને મારી મમ્મીને ખોઈ બેસવાનો ખૂબ ડર લાગે છે. 
 અફસોસ : મને જીવનમાં કોઈ જ અફસોસ નથી. જીવનની દરેક તકલીફે મને વધુ મજબૂત બનાવી છે, મને ઘણું શીખવ્યું છે. એ તકલીફો બાબતે હું અફસોસ કરું તો એ ખોટું થશે. 
 જો ઍક્ટર ન બની શકી હોત તો? : આવો કોઈ ‘તો’ મારા જીવનમાં છે જ નહીં. ઍક્ટિંગ સિવાય મને કશું આવડતું નથી એટલે બીજી વસ્તુઓ બાબતે હું વિચારી પણ શકતી નથી. 

Whatsapp-channel Whatsapp-channel

22 August, 2026 02:25 PM IST | Mumbai | Jigisha Jain

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK