Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > કૉલમ > મુંબઈના સમુદ્રકિનારા પરથી શા માટે લુપ્ત થઈ રહ્યા છે કાચબા?

મુંબઈના સમુદ્રકિનારા પરથી શા માટે લુપ્ત થઈ રહ્યા છે કાચબા?

Published : 23 May, 2026 12:42 PM | IST | Mumbai
Kajal Rampariya | feedbackgmd@mid-day.com

સમુદ્રના સફાઈ-કામદાર ગણાતા કાચબા મુંબઈના દરિયાકિનારે પોતાના અસ્તિત્વને શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. પ્રદૂષણના સામ્રાજ્ય વચ્ચે આ શાંત જીવ માટે ફરીથી દરિયાકિનારા સલામત બનાવવા શક્ય છે?

મુંબઈના સમુદ્રકિનારા પરથી શા માટે લુપ્ત થઈ રહ્યા છે કાચબા?

મુંબઈના સમુદ્રકિનારા પરથી શા માટે લુપ્ત થઈ રહ્યા છે કાચબા?


સમુદ્રના સફાઈ-કામદાર ગણાતા કાચબા મુંબઈના દરિયાકિનારે પોતાના અસ્તિત્વને શોધવા સંઘર્ષ કરી રહ્યા છે. પ્રદૂષણના સામ્રાજ્ય વચ્ચે આ શાંત જીવ માટે ફરીથી દરિયાકિનારા સલામત બનાવવા શક્ય છે? વર્લ્ડ ટર્ટલ ડે નિમિત્તે કાચબાને બચાવવા મથી રહેલા રિયલ લાઇફ હીરો પાસેથી જાણીએ

એક સમય હતો જ્યારે મુંબઈના બીચ પર હજારોની સંખ્યામાં કાચબા દેખાતા હતા, પણ હવે માત્ર પ્લાસ્ટિકનો કચરો અને કૉન્ક્રીટનાં બાંધકામો જ દેખાય છે. પ્રદૂષિત પાણી અને માનવીય દખલગીરીએ કાચબાને દૂર ધકેલી દીધા છે. જો કાચબા નહીં બચે તો આપણી સમુદ્રી જીવસૃષ્ટિનું સંતુલન પણ ખોરવાશે. સમુદ્રી કાચબા પર્યાવરણની ઇકો-સિસ્ટમના એન્જિનિયર્સ છે. એક જમાનામાં જ્યાં હજારો કાચબા ઈંડાં મૂકવા આવતા હતા એ મુંબઈના બીચ પરથી આજે કાચબા કેમ ગાયબ થઈ ગયા છે? મહારાષ્ટ્રના દરિયાકાંઠાની વાસ્તવિકતા અને આ જીવોની પીડાને સમજવા માટે આપણે બે અલગ-અલગ વિસ્તારોના અનુભવો અને સંશોધનોને જોડવાં પડશે. એક તરફ કોકણના કિનારે કાચબાની નેસ્ટિંગ એટલે કે તેમણે મૂકેલાં ઈંડાંઓને બચાવતા ટર્ટલ કન્ઝર્વેશનિસ્ટ મોહન ઉપાધ્યે અને દહાણુમાં ઘાયલ કાચબાનો જીવ બચાવતા ડૉ. દિનેશ વિન્હેકર પાસેથી ઊંડાણપૂર્વક જાણીએ.
દરિયાકિનારાનું ટૂરિઝમ મરીન લાઇફ માટે જોખમી
મૂળ મુંબઈના ચેમ્બુર વિસ્તારના મોહન ઉપાધ્યે મુંબઈની ભીડથી કંટાળીને વર્ષ ૨૦૦૦માં પોતાના વતન કોકણના વેલાસ શિફ્ટ થયા હતા. અહીં સહ્યાદ્રિ નિસર્ગ મિત્ર નામની સંસ્થા અને વનવિભાગ દ્વારા ચાલતા ઑલિવ રિડલી પ્રજાતિનાં ટર્ટલ્સના સંરક્ષણ માટેના કામમાં જોડાયાં. કાચબાના અસ્તિત્વ સામે કેમ જોખમ ઊભું થયું એ વિશે ટર્ટલ કન્ઝર્વેશનિસ્ટ પાસેથી સમજીએ. 
પહેલાંના સમયમાં બળદ મજબૂત બને એ માટે એમને કાચબાનાં ઈંડાં ખવડાવવામાં આવતાં. કિનારા પર રખડતા કૂતરાઓ અને શિયાળ જેવાં પ્રાણીઓ કાચબાના માળા ખોદીને ઈંડાં ખાઈ જતાં. સમુદ્રમાં તરતી ટ્રાન્સપરન્ટ પ્લાસ્ટિકની બૅગ પાણીમાં કાચબાને જેલીફિશ જેવી દેખાય છે અને જેલીફિશ કાચબાનો મનપસંદ ખોરાક હોવાથી તેઓ ભૂલથી પ્લાસ્ટિક ખાઈ લે છે. એવા ઘણા કાચબા મળે છે જેમના પેટમાંથી પ્લાસ્ટિક નીકળ્યું હોય. આને કારણે એમના પ્રજનનદરમાં ઘટાડો નોંધાયો છે. દરિયામાં છોડવામાં આવેલાં ૧૦૦૦ બચ્ચાંઓમાંથી માત્ર એક જ બચ્ચું મોટું થઈને બચે છે. બાકીને ૯૯૯ પક્ષીઓ અને મોટી માછલીઓનો ખોરાક બની જાય છે અથવા બોટના એન્જિન સાથે અથડાવાને કારણે મૃત્યુ પામે છે. ઈંડાંના સ્મગલિંગ અને ચોરીને અટકાવવા માટે અહીં વેલાસ અને આસપાસના બીચ પર ટર્ટલ સંવર્ધન કાર્યક્રમ અંતર્ગત ગામલોકોને ભાગીદાર બનાવવામાં આવ્યા.  ઑલિવ રિડલી ટર્ટલ વિશે જાગૃતિ ફેલાય એ માટે ૨૦૦૬માં કોકણના વેલાસ બીચ પર પહેલી વાર ટર્ટલ ફેસ્ટિવલ શરૂ કરવામાં આવ્યો હતો. ગામના ઘરોમાં જ ટૂરિસ્ટને હોમ-સ્ટેની સુવિધા આપવામાં આવી જેથી ગ્રામજનોને રોજગાર મળે અને તેઓ પણ ટર્ટલ સંવર્ધનના કામમાં દિલથી જોડાય. 
મુંબઈમાં કેમ નથી થતું સંવર્ધન?
મુંબઈના દરિયાકિનારાઓની વાત અલગ છે. મુંબઈ અને એની આસપાસના વિસ્તારોમાં આવેલા સમુદ્રકિનારાઓને ટર્ટલ્સ શા માટે અવૉઇડ કરે છે એ વિશે મોહનભાઈ કહે છે, ‘કાચબાનાં બચ્ચાં રેતીમાંથી નીકળીને સમુદ્ર તરફ જાય છે ત્યારે તેમના મગજમાં એ કિનારાનું GPS લોકેશન પ્રિન્ટ થઈ જાય છે. બે દાયકા પછી ફીમેલ ટર્ટલ મોટી થાય ત્યારે ઈંડાં મૂકવા એ જ કિનારે પાછી આવે છે, પણ મુંબઈના દરિયાકિનારાઓ પર ટૂરિઝમ અતિશય વધ્યું છે અને નાઇટ-લાઇફ પણ એટલી ઍક્ટિવ હોવાથી રાત્રે પૂર્ણપણે અંધારું હોતું નથી. દરિયાકિનારે આવેલી હોટેલો અને સ્ટ્રીટલાઇટ્સને લીધે કોઈ કાચબો ભૂલેચૂકે પણ ઈંડાં મૂકી દે તો એનાં નાનાં બચ્ચાં બહાર આવે ત્યારે દિશા ભૂલી શકે છે. કુદરતી રીતે બચ્ચાં ચંદ્રના પ્રકાશને જોઈને સમુદ્ર તરફ જાય છે, પરંતુ 
લાઇટ્સ પાછળ ભાગીને તેઓ રસ્તા પર આવી જાય છે જે તેમના જીવ માટે જોખમી બની જાય છે. બીજું મહત્ત્વનું કારણ ગ્લોબલ વૉર્મિંગ છે. મુંબઈના શહેરીકરણ અને ગ્લોબલ વૉર્મિંગને કારણે દરિયાકિનારાની રેતીનું તાપમાન વધી રહ્યું છે. કાચબાના ઈંડામાંથી નર બચ્ચું બહાર આવશે કે માદા એનો આધાર રેતીના તાપમાન પર છે. વધુ ગરમીને કારણે માત્ર માદા કાચબા જ જન્મી રહી છે, જેનાથી એમનો સેક્સ-રેશિયો ખોરવાઈ રહ્યો છે. કિનારા પર બાઇક ચલાવવાથી રેતી કડક થઈ જાય છે જેને કારણે કાચબા ત્યાં ખાડો ખોદી શકતા નથી અને એ બીચ રિજેક્ટ કરી દે છે. 
છેલ્લાં એક દાયકામાં દહાણુ અને પાલઘરના કિનારે એક પણ કાચબાનો માળો મળ્યો નથી.’ 
નેસ્ટિંગ અને હૅચિંગની પ્રોસેસ
મહારાષ્ટ્રમાં સૌથી વધુ ઑલિવ રિડલી પ્રજાતિના કાચબા જોવા મળે છે. આ કાચબા નવેમ્બરથી માર્ચ દરમ્યાન ઈંડાં મૂકવા કિનારે આવે છે. માદા ટર્ટલ કન્ઝર્વેશનની પ્રક્રિયા પણ બહુ નિરાળી છે. મોહનભાઈ કહે છે, ‘માદા ટર્ટલ મોટા ભાગે રાતના સમયે દરિયાકિનારે આવીને ખાડો ખોદે છે અને ત્યાં ઈંડાં આપીને રેતીથી ખાડો ઢાંકી દે છે. આ પ્રક્રિયાને નેસ્ટિંગ કહેવાય છે અને ઈંડાંમાંથી બચ્ચાં બહાર આવે એ પ્રક્રિયાને હૅચિંગ કહેવાય છે. બચ્ચાંને બહાર આવતાં ૪૫થી ૬૨ દિવસ લાગે છે. અમે ઈંડાં શોધી કૃત્રિમ ખાડો કરીને એમને રીલોકેટ કરીએ છીએ અને બચ્ચાં બહાર આવે એ પછી એમને સુરક્ષિત સમુદ્રમાં છોડીએ છીએ. કાચબાને સમુદ્રના સફાઈ-કામદાર કહેવામાં આવે છે. તેઓ મરેલા જીવોને ખાઈને પાણી ચોખ્ખું રાખે છે. એ સમુદ્રી ઘાસ અને ઍલ્ગે એટલે કે શેવાળને ખાઈને એને ટ્રિમ કરે છે જેથી અન્ય માછલીઓને ઈંડાં મૂકવાની પૂરતી જગ્યા મળે છે.’
ઘણાં પરિબળો છે જવાબદાર
ટર્ટલ્સ મુંબઈના દરિયાકિનારેથી દૂર થઈ રહ્યા છે એનાં અનેક કારણો છે. દહાણુ ટર્ટલ રેસ્ક્યુ સેન્ટરના વેટરિનરી ડૉક્ટર ડૉ. દિનેશ વિન્હેકરના અનુભવ મુજબ છેલ્લાં ૧૫ વર્ષમાં તેમની પાસે આવેલા કાચબામાંથી ૯૯ ટકા કાચબા માનવસર્જિત ભૂલોનો ભોગ બનેલા હોય છે. કયાં પરિબળો કાચબાના જીવન માટે નુકસાનકારક છે એ વિશે તેઓ કહે છે, ‘માછીમારો દ્વારા સમુદ્રમાં ત્યજી દેવાયેલી પ્લાસ્ટિકની મજબૂત જાળમાં કાચબા ખરાબ રીતે ફસાઈ જાય છે. એમાંથી છૂટવાના પ્રયાસમાં એમના ફ્લિપર્સ એટલે તરવાના પગ કપાઈ જાય છે અથવા લોહીનું પરિભ્રમણ બંધ થતાં સડી જાય છે. કાચબો સમુદ્રી જીવ હોવા છતાં ફેફસાંથી શ્વાસ લે છે એટલે એણે દર થોડી મિનિટે સમુદ્રની સપાટી પર આવવું પડે છે. જાળમાં ફસાયા પછી તેઓ ઉપર આવી શકતા નથી જેને કારણે ફેફસાંમાં પાણી ભરાઈ જાય છે અને ગંભીર ઇન્ફેક્શન થાય છે. ફેફસાંની ઈજા અથવા પેટમાં પ્લાસ્ટિક ભરાઈ જવાને કારણે કાચબાના શરીરમાં ગૅસ ભરાઈ જાય છે. પરિણામે કાચબો ઇચ્છે તો પણ પાણીમાં ડૂબકી મારી શકતો નથી અને ફુગ્ગાની જેમ સપાટી પર જ તરતો રહે છે. ખોરાક ન મળવાને કારણે એ અશક્ત થઈ જાય છે અને મોજાંના પ્રવાહ સાથે કિનારે ફેંકાઈ જાય છે. આ ઉપરાંત શહેરીકરણ, રાત્રે હેવી લાઇટિંગ્સ, ઘોંઘાટ, શ્વાનની અવરજવર, વાહનો અને માણસોની સતત અવરજવર કાચબા ગાયબ થવાનું સૌથી મોટું કારણ છે. ૨૦૧૮માં વર્સોવા બીચ પર કાચબાનાં બચ્ચાં બહાર આવવાની જે ઘટના બની હતી એણે સાબિત કર્યું કે જો બીચ વધુ સ્વચ્છ અને શાંત બને તો કાચબાઓ પાછા ફરી શકે છે.’
મુંબઈ આવવાનું કેમ ટાળે છે?
મુંબઈના દરિયાકિનારા બાયોલૉજિકલી બહુ સ્ટ્રેસફુલ બની ગયા છે એમ જણાવતાં ડૉ. દિનેશ કહે છે, ‘પ્રદૂષિત પાણી, કડક કે દબાઈ ગયેલી રેતી, કચરાનો ભારે ભરાવો, ગટરના પાણીની અસર, બીચ ગ્રૂમિંગ મશીન, બાંધકામનો કાટમાળ અને મનુષ્યોની બીચ પર ૨૪ કલાક હાજરી કાચબાના જીવન પર માઠી અસર પાડે છે. ઈંડાં મૂકવા આવતી માદા કાચબાને અંધારું, શાંતિ, સ્વચ્છતા અને ધીમો ઢાળ ધરાવતી રેતીની જરૂર હોય છે. મુંબઈ આ ચારેય બાબતોમાં નિષ્ફળ જાય છે. ઘણી વાર કાચબા મુંબઈના કિનારે આવે તો છે, પણ આ જ બધાં પરિબળોને લીધે કાચબા કિનારે તો આવે છે, પણ માળા બાંધ્યા વિના અને ઈંડાં આપ્યા વિના સમુદ્રમાં પાછા ફરી જાય છે. ઑલિવ રિડલી કાચબાઓ જેલી ફિશ, કરચલા અને સમુદ્રના તળિયે રહેતા જીવોને ખાઈને દરિયાઈ સંતુલન જાળવવામાં મદદ કરે છે. એમનો નાશ થવો એ દરિયાકાંઠાની જીવસૃષ્ટિ ખતમ થઈ રહી હોવાનો સંકેત છે. મુંબઈ માટે આનો અર્થ થશે નબળી દરિયાઈ જૈવવિવિધતા, ખોરવાયેલી ફૂડ-ચેઇન અને માછલીઓની નર્સરી, ડૉલ્ફિન, દરિયાઈ પક્ષીઓ તેમ જ માછીમારોની આજીવિકા માટે ખતરાની ઘંટડી સમાન છે.’



ધવલ લક્ષ્મી - ધ વૉરિયર
ડૉ. દિનેશ દહાણુ ફૉરેસ્ટ ડિવિઝન અંતર્ગત ટર્ટલની સારવાર માટેના મહારાષ્ટ્રના સૌથી શ્રેષ્ઠ ફૅસિલિટી સેન્ટરમાં દર શુક્રવારે વિઝિટ કરે છે અને ઈજાગ્રસ્ત કાચબાની સારવાર કરે છે. પાલઘરની પહેલી સૅટેલાઇટ ટૅગવાળી ઑલિવ રિડલી ટર્ટલ ધવલ લક્ષ્મીની વાત આજકાલ ચર્ચામાં છે. કેમ કે એક વર્ષમાં એ હજારો કિલોમીટરની વધુની સમુદ્રયાત્રા કરીને થોડા જ સમયમાં પાછી ભારત તરફ ફરે એવી શક્યતા છે. આ ધવલ લક્ષ્મીને નવજીવન આપવાનું કામ પણ ડૉ. દિનેશે કર્યું હતું. તેઓ કહે છે, ‘ગયા વર્ષે ૨૦૨૫માં ધવલ લક્ષ્મી ટર્ટલ દહાણુના સમુદ્રકિનારે માછીમારની જાળમાં ફસાયેલી અને ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવી હતી. એના આગળના બન્ને ફ્લિપર્સ પર ગંભીર ઈજા થઈ હતી. અમે એની સારવાર કરી હતી. દહાણુ સેન્ટરના સ્થાપક વન્યજીવ કાર્યકર સ્વર્ગસ્થ ધવલ કંસારાની યાદમાં કાચબાનું નામ ધવલ લક્ષ્મી રાખવામાં આવ્યું. નવેમ્બર મહિનામાં ધવલ લક્ષ્મી સ્વસ્થ થતાં એને પાછી સમુદ્રમાં છોડવામાં આવી. એ દરિયામાં મુક્ત થયા પછી ક્યાં જાય છે અને કેવી રીતે જીવે છે એ જાણવા માટે વાઇલ્ડલાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડિયા અને મૅન્ગ્રોવ ફાઉન્ડેશન દ્વારા એની પીઠ પર એક નાનું સૅટેલાઇટ ટ્રાન્સમીટર લગાડવામાં આવ્યું હતું. મહારાષ્ટ્રના પશ્ચિમ કિનારેથી સારવાર પામેલા કોઈ કાચબા પર સૅટેલાઇટ ટૅગ લગાવવાની આ પહેલી ઘટના હતી. આ વર્ષના ફેબ્રુઆરીમાં એ ભારતથી હજારો કિલોમીટર દૂર ઓમાનના મસિરાહ આઇલૅન્ડ તરફ પહોંચી હતી. ત્યાં કિનારે જવાને બદલે એ યુ-ટર્ન લઈને ભારત તરફ પાછી ફરી. મે મહિનામાં એણે ભારતીય સરહદમાં પ્રવેશ કર્યો અને હવે મહારાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહી છે. સામાન્ય રીતે સૅટેલાઇટ ટૅગ કરાયેલા અન્ય કાચબા ભારતના પશ્ચિમ કિનારાની આસપાસ જ ફરતા રહે છે, પરંતુ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા પછી સાજી થયેલી ધવલ લક્ષ્મી એકમાત્ર એવી ટર્ટલ છે જેણે આટલો લાંબો, ઊંડા દરિયાનો ૩૫૦૦ કિલોમીટરનો રાઉન્ડ ટ્રિપ પ્રવાસ સફળતાપૂર્વક ખેડ્યો છે. આ વન્યજીવ સંરક્ષણ અને સારવારની સફળતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.’


શા માટે ઊજવાય છે ટર્ટલ ડે?
વર્લ્ડ ટર્ટલ ડેની શરૂઆત વર્ષ ૨૦૦૦માં અમેરિકાની બિનસરકારી સંસ્થા અમેરિકન ટૉર્ટોઇસ રેસ્ક્યુ દ્વારા કરવામાં આવી હતી. આ સંસ્થાની સ્થાપના ૧૯૯૦માં માર્શલ થૉમ્પસન અને સુઝૅન ટેલમ નામના દંપતીએ કરી હતી. તેઓ ઘાયલ અને તરછોડાયેલા કાચબાને બચાવવાનું કામ કરતાં હતાં. આ દિવસની ઉજવણીનો હેતુ દુનિયાભરના કાચબાની લુપ્ત થતી પ્રજાતિઓ વિશે જાગૃતિ ફેલાવવાનો અને લોકોને એમનાં કુદરતી રહેઠાણો બચાવવા પ્રોત્સાહિત કરવાનો હતો. ભારતમાં પણ બે દાયકાથી વાઇલ્ડલાઇફ સંસ્થાઓ અને વનવિભાગ દ્વારા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ખાસ કરીને ઓડિશા, મહારાષ્ટ્ર અને તામિલનાડુ જેવાં દરિયાકાંઠાનાં રાજ્યોમાં સી ટર્ટલના સંરક્ષણ માટે વિશેષ જાગૃતિ અભિયાન ચલાવવામાં આવે છે. છેલ્લાં ૧૦-૧૨ વર્ષમાં ઑલિવ રિડલી ટર્ટલ જે ખાસ કરીને મહારાષ્ટ્ર અને ઓડિશાના દરિયાકિનારા પર જોવા મળે છે એ લુપ્ત થઈ રહ્યા હોવાથી રાજ્ય સરકાર એના સંવર્ધન માટે પગલાં ભરી રહી છે.

આપણે શું કરી શકીએ?
આપણે કઈ રીતે સમુદ્રી જીવની રક્ષા કરી શકીએ એ વિશે વાત કરતાં ડૉ. દિનેશ કહે છે, ‘સૌથી પહેલું કામ એ કરવાનું છે કે આપણા બીચને પ્લાસ્ટિકના કચરાથી બિલકુલ મુક્ત રાખવાના છે જેથી આ જીવો શ્વાસ લઈ શકે અને ખોરાક મેળવી શકે. કાચબાઓની નેસ્ટિંગ સીઝન દરમ્યાન રાતના સમયે બીચ પર થતી લેટનાઇટ પાર્ટીઓ બંધ કરવી જોઈએ, જેથી તેઓ કોઈ પણ ડર વગર કિનારે આવી શકે. દરિયાકિનારાની રેતી પર વાહનો ચલાવવાનું સંપૂર્ણપણે બંધ થવું જોઈએ. ગાડીઓનાં ટાયર નીચે કાચબાના માળા કચડાઈ જવાનો ભારે ખતરો રહે છે. દરિયાકિનારે જો કોઈ પણ સાજો કે ઈજાગ્રસ્ત કાચબો દેખાય તો મોડું કર્યા વગર એની માહિતી તાત્કાલિક વનવિભાગને આપો. આ મદદ માત્ર કાચબાઓ માટે જ નહીં, મુશ્કેલીમાં મુકાયેલા દરેક સમુદ્રી જીવ માટે હોવી જોઈએ જેથી મરીન બાયોડાઇવર્સિટી પ્રભાવિત ન થાય.’


Whatsapp-channel Whatsapp-channel

23 May, 2026 12:42 PM IST | Mumbai | Kajal Rampariya

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK