દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલય, પોલીસ, મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને અન્ય એજન્સીઓના કન્ટ્રોલ-રૂમને સાંકળી લઈને ચોમાસા દરમ્યાન યુનિફાઇડ ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો
ગઈ કાલે સહ્યાદ્રિ ગેસ્ટહાઉસમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની અધ્યક્ષતામાં યોજાયેલી મૉન્સૂન મીટિંગ
સમગ્ર મહારાષ્ટ્રમાં ચોમાસાની તૈયારીને મજબૂત બનાવવા અને કટોકટી દરમ્યાન ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના ઝડપી રિસ્પૉન્સ માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત સંકલિત કમાન્ડ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ ડેવલપ કરવાનો નિર્દેશ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે અધિકારીઓને આપ્યો હતો.
સહ્યાદ્રિ ગેસ્ટ હાઉસ ખાતે ઉચ્ચ સ્તરની ચોમાસા પહેલાંની તૈયારી અને ડિઝૅસ્ટર મૅનેજમેન્ટની રિવ્યુ મીટિંગની અધ્યક્ષતા કરતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે દરેક ચોમાસું નવા પડકારો લાવે છે અને વિભાગોએ પેપર પરના આયોજનથી આગળ વધવું જોઈએ જેથી ગ્રાઉન્ડ લેવલ પર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજરનો અસરકારક અમલ થાય. તેમણે સમયસર ચેતવણી, ઇમિજિયેટ રિસ્પૉન્સ સિસ્ટમ અને અસરગ્રસ્ત નાગરિકોને ઝડપી સહાયતાના મહત્ત્વ પર ભાર મૂક્યો હતો. મુખ્ય પ્રધાને એ તમામ વિભાગોને આગામી ૧૫ દિવસમાં તેમની તૈયારીઓનો રિવ્યુ કરવા અને ખામીઓ સુધારવાનો નિર્દેશ આપ્યો હતો.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસે મંત્રાલય, પોલીસ, મ્યુનિસિપલ કૉર્પોરેશનો અને અન્ય એજન્સીઓના કન્ટ્રોલ-રૂમને સાંકળી લઈને ચોમાસા દરમ્યાન યુનિફાઇડ ઇમર્જન્સી રિસ્પૉન્સ સિસ્ટમ બનાવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.
મીટિંગ દરમિયાન વિવિધ કેન્દ્રીય અને રાજ્ય એજન્સીઓએ તેમની તૈયારીની યોજનાઓ રજૂ કરી હતી. ઇમર્જન્સી ઑપરેશન્સ માટે આર્મી, નેવી, ઍરફોર્સ, કોસ્ટગાર્ડ અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) સાથે કો-ઑર્ડિનેશન મજબૂત બનાવવામાં આવ્યું છે. નેવીના વેસ્ટ ઝોન કમાન્ડે મોટાં અને નાનાં જહાજો, હેલિકૉપ્ટર અને ઇન્ટરસેપ્ટર ક્રાફ્ટ તૈયાર રાખ્યાં છે, જ્યારે વાયુસેના દ્વારા ઍર ઍમ્બ્યુલન્સ અને કાર્ગો સપોર્ટ સુવિધાઓની વ્યવસ્થા કરવામાં આવી છે.
SDRF ટીમોનો વિસ્તાર
હાલમાં મહારાષ્ટ્રમાં ૧૦ સ્ટેટ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (SDRF) ટીમો કાર્યરત છે અને બે વધારાની ટીમો માટે મંજૂરી આપવામાં આવી છે.
પમ્પિંગ-સ્ટેશન
મુંબઈમાં ભારે વરસાદ દરમ્યાન પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવા માટે ૪૩ મુખ્ય પમ્પિંગ-સ્ટેશનો સક્રિય કરવામાં આવ્યાં છે અને એક સ્માર્ટ પમ્પ મૉનિટરિંગ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે. કોકણ અને ઘાટ વિભાગોમાં રેલવે ભારે વરસાદ દરમ્યાન સલામતીની સાવચેતી તરીકે ટ્રેનની ગતિને નિયંત્રિત કરશે.
હૉસ્પિટલોમાં ૩૦૦૦ બેડ અનામત
રાજ્ય સરકારે કટોકટીની પરિસ્થિતિ માટે હૉસ્પિટલોમાં ૩૦૦૦ બેડ અનામત રાખ્યા છે, જ્યારે ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ કન્ટ્રોલ રૂમ ચોમાસાની ઋતુ દરમ્યાન ૨૪ કલાક કાર્યરત રહેશે.
