Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > કૉલમ > શું માત્ર પાંચ મિનિટ ફાળવશો નેચર માટે?

શું માત્ર પાંચ મિનિટ ફાળવશો નેચર માટે?

24 September, 2021 05:18 PM IST | Mumbai
Ruchita Shah | ruchita@mid-day.com

ભલે એને રિસ્પૉન્સ નબળો મળ્યો છે, પણ આ યુવાને જે સહજ રીતે કુદરતના સંવર્ધનને જીવનનો હિસ્સો બનાવ્યો છે એ ખરેખર અનુકરણીય છે

શું માત્ર પાંચ મિનિટ ફાળવશો નેચર માટે?

શું માત્ર પાંચ મિનિટ ફાળવશો નેચર માટે?


કોઈ પણ ટૂરિસ્ટ-સ્પૉટ પર જાઓ ત્યારે તમારા ટોટલ ટ્રાવેલ-ટાઇમમાંથી માત્ર પાંચ મિનિટનો સમય કાઢીને કચરો ઉઠાવીને ડસ્ટબિનમાં નાખી શકાય? દહિસરના જતીન ભાટિયાએ સોશ્યલ ‌મીડિયા પર આવી અનોખી ફાઇવ મિનિટ ચૅલેન્જ જાહેર કરી છે. ભલે એને રિસ્પૉન્સ નબળો મળ્યો છે, પણ આ યુવાને જે સહજ રીતે કુદરતના સંવર્ધનને જીવનનો હિસ્સો બનાવ્યો છે એ ખરેખર અનુકરણીય છે

મુંબઈ યુનિવર્સિટીમાંથી વનસ્પતિશાસ્ત્રમાં માસ્ટર્સ કરનારા ‌દહિસરના જતીન ભાટિયા માટે કુદરતનું સંવર્ધન કરવું એ પોતાની નૈતિક જવાબદારી પણ છે, પૅશન પણ છે અને આ સમયની જરૂરિયાત પણ છે. ઉપદેશાત્મક ધોરણે જ નેચર કન્ઝર્વેશનની વાતો કરનારાઓમાંથી જતીન નથી. તેણે પોતાના જીવનમાં અને જીવનશૈલીમાં પહેલાં બદલાવ લાવીને ઉદાહરણ બેસાડવાના પ્રયાસો કર્યા છે. જેમ કે તેના ઘરમાં જેટલો પણ કમ્પોસ્ટ થઈ શકે એટલે કે જેમાંથી ખાતર બની શકે એવો કચરો છે એનો ઉપયોગ તે ખાતર બનાવવા માટે કરે છે. છ જણના પરિવારમાં રહેતો હોવાથી ક્યારેક જો શાકભાજી, ફળ કે ભોજન વધી પડે તો એને સ્વચ્છ કરી નજીકના તબેલામાં જઈને ગાય-ભેંસોને ખવડાવી દે છે. પ્લાસ્ટિક અને અન્ય કમ્પોસ્ટ ન થઈ શકે એવા કચરાનું પ્રૉપર રીસાઇક્લિંગ થાય એવી જગ્યાએ આપી આવે છે. ઘરમાં ફળ અને શાકભાજીનાં બીને સૂકવીને એનો સ્ટૉક પોતાની પાસે રાખે છે અને જ્યારે પણ બહાર જાય, કોઈ ખાઈ જેવી જગ્યા દેખાય ત્યાં આ બી વેરીને આવે છે જેથી ત્યાં નૅચરલ પ્લાન્ટેશનનો અવકાશ રહે. નિયમિત દરિયાકિનારે જઈને એકલપંડે સ્વચ્છતા અભિયાન યોજી ત્યાંનો કચરો ઉઠાવીને તે સ્વચ્છતા આપવાના પોતાના પ્રયાસો કરે છે. આવું તો કંઈકેટલુંય તે તેના ડે-ટુડે રૂટીનમાં કરે છે જેનું આપણને આશ્ચર્ય થાય. આ બધું શરૂ કેવી રીતે થયું અને તેના જીવનનું ધ્યેય શું છે અને આપણે સૌ વ્યક્તિગત ધોરણે કુદરત માટે શું કરી શકીએ એ આજે જાણીએ. 


સમજાય તો સારું | કુદરત પ્રત્યે બાળપણથી આકર્ષણ હતું, પણ સમજણ આવી કૉલેજમાં આવ્યો ત્યારે. વાતની શરૂઆત કરતાં જતીન કહે છે, ‘મીઠીબાઈમાં ભણતો હતો ત્યારે અમારો બૉટનીનો ડિપાર્ટમેન્ટ ખૂબ જ ઍક્ટિવ હતો. એ સમયે આરે કૉલોનીમાં નેચરને ડૅમેજ થતું અટકાવવા માટે પ્રકૃતિપ્રેમીઓ રૅલીઓ કાઢતા ત્યારે મારી કૉલેજના બૉટનીના ડિપાર્ટમેન્ટ હેડથી લઈને પ્રિન્સિપાલ પણ એમાં સામેલ થતા. તેમની પાસેથી જ કુદરત પ્રત્યેનો મારો લગાવ વધુ ઘેરો બન્યો અને મેં નક્કી કર્યું કે બૉટ‌નીમાં જ હું આગળ ભણીશ. કરિક્યુલમના ભાગરૂપે મેં ઘણાં જંગલોની વિઝિટ કરી છે અને જ્યાં-જ્યાં માનવવસ્તી પહોંચી હતી ત્યાં-ત્યાં ગંદગી અને કલુષિતતા પહોંચી હતી એ જોઈને મનને ખૂબ ઠેસ પહોંચતી. જ્યાં મનુષ્યો નથી પહોંચ્યા એવા વર્જિન વિસ્તારો બહુ જૂજ રહ્યા છે જ્યાં કુદરત એના મૂળ સ્વરૂપમાં હોય. આપણે તો ખૂણે-ખૂણે બિસ્કિટ્સ, વેફર્સનાં પૅકેટ્સ, પ્લાસ્ટિક અને કાચની બૉટલોને પહોંચાડી દીધાં છે. કુદરત માટેની આ સંવેદનાઓ ભણતા-ભણતા જ જાગી ગઈ હતી.’

વાતો નહીં વર્ક |  જે તમે હૃદયના ઊંડાણથી મહેસૂસ કરો છો એ પહેલાં પોતાના જીવનમાં ઉતારવાના પ્રયાસ કરો છો. જ‌તીને પણ એ જ કર્યું. તે કહે છે, ‘કૉલેજકાળથી જ કુદરતનું હનન મને ખૂંચતું હતું એટલે પહેલાં મારી જ લાઇફસ્ટાઇલમાં બદલાવ આવ્યો. જેમ કે કમ્પોસ્ટિંગ કરવું, સૂકા કચરાને પ્રૉપર રીસાઇકલ થાય એ ચૅનલ ધી પહોંચાડવો, કોઈની કરેલી કચરાયુક્ત ગંદગી સૂગ રાખ્યા વિના જાતે સાફ કરવી, ડ્રાય સીડ્સનું કૅઝ્યુઅલી પ્લાન્ટેશન કરવું. બાયોલૉજીમાં પણ મારી સમજણ સારી હતી અને ધીમે-ધીમે એ ભણવા માટે સ્ટુડન્ટ્સ આવવા માંડ્યા. મારા સ્ટુડન્ટ્સને લઈને હું ઘણી વાર બીચ પર સફાઈ કરવા માટે જાઉં છું. તેમના પેરન્ટ્સને સમજાવું છું. અત્યારે વાતો કરનારા ઘણા છે, ને નક્કર કામ કરનારા ઓછા. આ વાત પણ લોકોને સમજાય એ જરૂરી છે. માત્ર બોલવાથી નહીં ચાલે, તમારે ઍક્શન લેવી પડશે.’

 નેચર કન્ઝર્વેશનને પ્રૅક્ટિકલ જીવન સાથે જોડીશું  તો જ એને ફૉલો કરનારો વર્ગ મળશે. 


પાંચ મિનિટ ચૅલેન્જ કઈ રીતે શરૂ થઈ?

જતીન પુણે પાસે આવેલા એક તળાવમાં ટ્રેકિંગ માટે ગયો હતો. ત્યાં જ્યાં-ત્યાં પડેલાં પ્લાસ્ટિકનાં રૅપર્સ જોયાં અને કાચની દારૂની બાટલીઓ જોઈ. એના પરથી તેને ફાઇવ મિનિટ ચૅલેન્જનો વિચાર આવ્યો. તે કહે છે, ‘એ વખતે મને દુખ પણ થયેલું. જોકે પછી થયું કે જે લોકો નથી સમજતા તેમને સમય સાથે સમજાશે, પરંતુ જેઓ ઑલરેડી કુદરતના સંવર્ધનનું મહત્ત્વ સમજી ચૂક્યા છે એવા લોકો જો પોતે જે પણ સ્થળે ફરવા જાય ત્યાં માત્ર પાંચ મિનિટના સમયમાં ત્યાં પડેલા કચરાને ઉપાડીને તેને પ્રૉપરલી ડસ્ટબિનમાં નાખી દે તો પણ બહુ મોટો બદલાવ આવી શકે છે. માન્યું કે જે કચરો તમે નથી કર્યો એ ગંદગીમાં હાથ નાખવાનું તમને ન ગમે, પણ કુદરત તો આપણી છેને. આપણા જ દેશનાં અણસમજુ લોકોએ કચરો કર્યો છે અને આપણે જ એને સાફ કરી દઈશું તો કંઈ વધુ બગડી નથી જવાનું. એક વ્યક્તિ માટે પાંચ મિનિટ બહુ મોટો સમય નથી. પાંચ મિનિટમાં જે કરશો એ પણ બહુ મોટી કુદરતની રક્ષા ગણાશે. ૧૩૦ કરોડની વસ્તીમાં જો માત્ર એક ટકા લોકો પણ આ પ્રણ લે તો આપણા દેશનું દરેક ટૂરિસ્ટ-સ્પૉટ સ્વચ્છ થઈ જશે.’

Whatsapp-channel Whatsapp-channel

24 September, 2021 05:18 PM IST | Mumbai | Ruchita Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK