કંગના ચોથી વખત નૅશનલ અવૉર્ડથી થઈ સન્માનિત : સુશાંતની ‘છિછોરે’નો અવૉર્ડ સ્વીકાર્યો સાજિદ નડિયાદવાલાએ
૬૭માં નૅશનલ અવૉર્ડ
ઠાઠથી પહોંચી અવૉર્ડ લેવા : કંગના ચોથી વખત નૅશનલ અવૉર્ડથી થઈ સન્માનિત
ADVERTISEMENT
કંગના રનોટને ચોથી વખત નૅશનલ અવૉર્ડથી નવાજવામાં આવી છે. તેને ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ અને ‘પંગા’ માટે બેસ્ટ ઍક્ટ્રેસનો અવૉર્ડ આપવામાં આવ્યો છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ને કંગનાએ કો-ડિરેક્ટ કરી હતી. અવૉર્ડ લેવા માટે તેના પેરન્ટ્સ પણ હાજર હતા. તેણે સિલ્કની સાડી, માથામાં ગજરો અને ગળામાં જ્વેલરી પહેરી હતી. કપાળે બિંદી લગાવીને તેણે પોતાને ભારતીય નારીનો લુક આપ્યો છે. અવૉર્ડ સેરેમની દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાઈ હતી. આ વર્ષની શરૂઆતમાં જ આ અવૉર્ડની જાહેરાત કરવામાં આવી હતી. અવૉર્ડ સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કંગનાએ કૅપ્શન આપી હતી, ‘આપણે મનમાં એક પ્રબળ ઇચ્છા લઈને મોટા થઈએ છીએ જેથી આપણા પેરન્ટ્સના પ્રેમ, કાળજી અને તેમના બલિદાનની કિંમત અદા કરી શકીએ. ઘણી બધી મુસીબતો બાદ મેં મારા પેરન્ટ્સને એ દિવસો દેખાડ્યા કે મારી બધી શરારતો પર ઢાંકપિછોડો કરી શકું. મારાં મમ્મી-પાપા બનવા બદલ આભાર. આનાથી સારું બીજું કાંઈ ન હોઈ શકે.’
સુશાંતની ‘છિછોરે’નો અવૉર્ડ સ્વીકાર્યો સાજિદ નડિયાદવાલાએ
સુશાંત સિંહ રાજપૂતની ‘છિછોરે’ને હિન્દી ફિલ્મ માટે નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં માનસિક સ્વાસ્થ્ય જેવા ગંભીર વિષય પર ચર્ચા કરવામાં આવી હતી. આ ફિલ્મના ડિરેક્ટર નિતેશ તિવારી અને પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ આ અવૉર્ડ સુશાંતને સમર્પિત કર્યો છે. સાથે જ મનોજ બાજપાઈને ‘ભોસલે’ માટે અને ધનુષને ‘અસુરન’ માટે બેસ્ટ ઍક્ટરનો અવૉર્ડ આપવામાં આવ્યો છે.
રજનીકાન્તને મળ્યો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ
સિનેમા-જગતમાં પોતાના અતુલનીય પર્ફોર્મન્સને કારણે સાઉથના સુપરસ્ટાર રજનીકાન્તને દાદાસાહેબ ફાળકે અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે. સૌકોઈએ ઊભા થઈને તેમનું અભિવાદન કર્યું હતું. એ દરમ્યાન તેમની સાથે તેમનાં વાઇફ લતા અને દીકરી સૌંદર્યા પણ હાજર હતાં. અવૉર્ડ મળવાની ખુશી વ્યક્ત કરતાં રજનીકાન્તે કહ્યું કે ‘બહુમૂલ્ય એવો દાદાસાહેબ ફાળકે અવૉર્ડ મળવાથી હું અતિશય ખુશ છું. એને માટે
હું કેન્દ્ર સરકારનો આભાર માનું છું. હું અવૉર્ડને મારા ગુરુ કે. બાલાચન્દરને સમર્પિત કરવા માગું છું. હાલમાં હું ખૂબ આદરની લાગણી સાથે તેમને યાદ કરી રહ્યો છું. સાથે જ મારા ભાઈ સત્યનારાયણ ગાયકવાડ જેઓ મારા માટે પિતા સમાન છે તેમણે મને આદર્શો અને આધ્યાત્મિક જ્ઞાન આપીને ઉછેર્યો. કર્ણાટકમાં રહેતા બસ ટ્રાન્સપોર્ટ ડ્રાઇવર મારા ફ્રેન્ડ મારા કલીગ રાજબહાદુરનો પણ હું આભાર માનું છું.’
પોતાના સ્ટ્રગલના દિવસોને યાદ કરતાં રજનીકાન્તે કહ્યું હતું કે ‘હું જ્યારે બસ-કન્ડક્ટર હતો ત્યારે તેણે મારી અંદર ઍક્ટિંગની ટૅલન્ટ જોઈ હતી. તે સતત મને સિનેમામાં જોડાવાની સલાહ આપતો હતો. મારા તમામ પ્રોડ્યુસર્સ, ડિરેક્ટર્સ, કો-આર્ટિસ્ટ્સ, ટેક્નિશ્યન્સ, ડિસ્ટ્રિબ્યુટર્સ, એક્ઝિબિટર્સ, મીડિયા, પ્રેસ અને મારા બધા ફૅન્સ તમારા સપોર્ટ સિવાય હું કંઈ નથી. જય હિન્દ.’

