ઐશ્વર્ય ઠાકરે અનુરાગ કશ્યપની ફિલ્મથી કરશે ફિલ્મી કરીઅરની શરૂઆત
ઐશ્વર્ય ઠાકરે
બાળ ઠાકરેનો પૌત્ર ઐશ્વર્ય ઠાકરે ફિલ્મમેકર અનુરાગ કશ્યપની ફિલ્મમાં કામ કરીને બૉલીવુડમાં કરીઅરની શરૂઆત કરવા તૈયાર છે. ઐશ્વર્ય બાળ ઠાકરેના પુત્ર જયદેવ અને સ્મિતા ઠાકરેનો દીકરો છે. જોકે સ્મિતા અને જયદેવના ૨૦૦૪માં ડિવૉર્સ થયા હતા. ઐશ્વર્યએ પોતાના પરિવારની જેમ રાજકારણને બદલે ફિલ્મી દુનિયામાં ઝંપલાવવાનો નિર્ણય લીધો છે અને તેણે ઘણા સમય પહેલાંથી આની તૈયારી શરૂ કરી દીધી હતી.
ઐશ્વર્યએ બૉલીવુડમાં પોતાની કરીઅરની શરૂઆત ૨૦૧૫માં સંજય લીલા ભણસાલીની ‘બાજીરાવ મસ્તાની’માં અસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરીને કરી હતી. એ સમય દરમ્યાન તેણે ઍક્ટિંગનું પાયાનું જ્ઞાન પણ મેળવ્યું હતું. ઐશ્વર્ય બહુ સારો ડાન્સર છે અને તે માઇકલ જૅક્સનને પોતાની પ્રેરણા માને છે. આને કારણે ઐશ્વર્યની ડાન્સિંગ-સ્ટાઇલમાં માઇકલ જૅક્સનની સ્ટાઇલ જોવા મળે છે. મળતી માહિતી પ્રમાણે ઐશ્વર્યની પહેલી ફિલ્મનું શૂટિંગ લખનઉમાં માત્ર ૬૯ દિવસમાં આટોપી લેવામાં આવ્યું છે.