આમિર ખાને પ્રીતમ એન્ડ પેડ્રો માટે યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટમાં પોતાના અને ગૌરી સ્પ્રૅટનાં પાંચમી જુલાઈએ થનારાં મૅરેજના પ્લાનિંગ વિશે વાત કરી
અમારાં લગ્ન બહુ નાનો, ઘરેલુ પ્રસંગ
આમિર ખાન પાંચમી જુલાઈએ પોતાની પાર્ટનર ગૌરી સ્પ્રૅટ સાથે ત્રીજાં લગ્ન કરવા જઈ રહ્યો છે એવી ચર્ચા હતી. હવે આમિરે પોતે જ આ લગ્નની માહિતી શૅર કરતાં પુષ્ટિ કરી છે કે આ સમારોહ પાંચમી જુલાઈએ તેના મુંબઈ સ્થિત નિવાસસ્થાને યોજાશે.
બુધવારે ‘પ્રીતમ એન્ડ પેડ્રો’ માટે યોજાયેલી એક પ્રમોશનલ ઇવેન્ટ દરમ્યાન આમિરે કહ્યું હતું કે ‘મારા અને ગૌરીનાં લગ્ન પાંચ જુલાઈએ થઈ રહ્યાં છે. આ ખૂબ જ ખાનગી સમારોહ છે, જે અમારા ઘરે જ યોજાશે. આ દિવસ અમારા માટે ખૂબ જ ખાસ છે. અમારા બન્નેના પરિવારના સભ્યો અને કેટલાક નજીકના મિત્રો એમાં હાજર રહેશે. અમે આ પ્રસંગને ખૂબ જ સાદગીથી ઘરે જ ઊજવી રહ્યા છીએ. અમને સૌનાં આશીર્વાદ અને શુભેચ્છાઓ જોઈએ છે. પ્લીઝ... અમને આશીર્વાદ આપો અને પ્રાર્થના કરો કે અમે હંમેશાં ખુશ રહીએ અને અમારી આગળની સફર સુંદર રહે. આ લગ્નમાં બાળપણના મિત્રો અને નજીકના સંબંધીઓને બોલાવવામાં આવ્યા છે. આ બહુ નાનો ઘરેલુ પ્રસંગ છે.’
