આમિર ખાન લાલા અમરનાથના જીવન પરથી બનનારી ‘લલકારા’માં જોવા મળશે, જેનું શૂટિંગ નવેમ્બરમાં શરૂ થવાની શક્યતા છે. આ ઉપરાંત તે આર. બાલ્કી અને સાજિદ નડિયાદવાલાના પ્રોજેક્ટમાં સુપરહીરોની ભૂમિકા ભજવી શકે છે.
આમિર ખાન
આમિર ખાન ભારતના મહાન ક્રિકેટર લાલા અમરનાથના જીવન પરથી બનનારી ફિલ્મ ‘લલકારા’ને લઈને ચર્ચામાં છે. માનવામાં આવી રહ્યું છે કે આ જ વર્ષે નવેમ્બરમાં આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઈ શકે છે. આ સિવાય આમિર એક ફિલ્મમાં સુપરહીરો તરીકે દેખાઈ શકે છે. મળતી માહિતી પ્રમાણે આમિર પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા અને ડિરેક્ટર આર. બાલ્કી સાથે એક પ્રોજેક્ટ વિશે ચર્ચા કરી રહ્યો છે. હાલમાં આ પ્રોજેક્ટ શરૂઆતના તબક્કામાં છે અને એનું નામ પણ હજી નક્કી થયું નથી.
રિપોર્ટ પ્રમાણે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પર ઝડપથી કામ ચાલી રહ્યું છે. આમિરે આ પ્રોજેક્ટમાં રસ દર્શાવ્યો છે, પરંતુ અત્યાર સુધી મેકર્સ અને આમિર વચ્ચે ફિલ્મને લઈને કોઈ પાકી સમજૂતી થઈ નથી. આગામી થોડા મહિનામાં આ વિશેની વાતચીત આગળ વધવાની શક્યતા છે. જો બધું યોગ્ય રીતે આગળ વધ્યું તો આવનારા સમયમાં આમિર એક સુપરહીરો ફિલ્મમાં જોવા મળી શકે છે.
