Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરિજિત સિંહે ગાયેલું ગીત ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા આમિર ખાને

અરિજિત સિંહે ગાયેલું ગીત ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા આમિર ખાને

Published : 28 April, 2026 11:53 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દીકરાની આગામી ફિલ્મ એક દિનના પ્રમોશનના ભાગરૂપે યોજી એક દિન કી મેહફિલ નામની અનોખી ઇવેન્ટ...

અરિજિત સિંહે ગાયેલું ગીત ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા આમિર ખાને

અરિજિત સિંહે ગાયેલું ગીત ગાઈને બધાને આશ્ચર્યચકિત કરી દીધા આમિર ખાને


જુનૈદ ખાન અને સાઈ પલ્લવી અભિનીત ફિલ્મ ‘એક દિન’ પહેલી મેએ રિલીઝ થવાની છે. ફિલ્મની રિલીઝ પહેલાં આમિર ખાને રવિવારે સાંતાક્રુઝમાં આવેલી SNDT કૉલેજમાં એક મ્યુઝિક ઇવેન્ટ ‘એક દિન કી મેહફિલ’નું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમ એક રાષ્ટ્રવ્યાપી સિન્ગિંગ કૉન્ટેસ્ટના ભાગરૂપે હતો, જેમાં પસંદ થયેલા ટોચના ત્રણ ગાયકોને આમિર ખાન અને ફિલ્મની સ્ટારકાસ્ટ સામે લાઇવ ગાવાની તક મળી હતી. આ કાર્યક્રમમાં આમિરે સિન્ગર અરિજિત સિંહે ગાયેલું ફિલ્મનું ટાઇટલ ટ્રૅક લાઇવ ગાઈને બધાને આશ્ચર્યચકિત કર્યા હતા.

આ ઇવેન્ટ દ્વારા આમિર ખાને સંગીતક્ષેત્રમાં ઊભરતી પ્રતિભાઓને તક આપવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર આયોજન દરમ્યાન કોઈ મુશ્કેલી ન થાય એ માટે સમગ્ર વ્યવસ્થા પર પણ તેની ખાસ નજર હતી. આ ઇવેન્ટનો એક વિડિયો ચર્ચામાં છે જેમાં એક તબક્કે  આમિર હાજર લોકો અને ફોટોગ્રાફર્સ સામે હાથ જોડીને વિનંતી કરતો જોવા મળ્યો હતો. તે હાથ જોડીને સૌને પોતાની બેઠક પર બેસી જવાની અપીલ કરી રહ્યો હતો જેથી કાર્યક્રમ યોગ્ય રીતે શરૂ થઈ શકે.



આમિરે આ વાત એકદમ નમ્રતા અને શાંતિથી કહી અને ફૅન્સને તેનો આ અભિગમ બહુ પસંદ પડ્યો છે.


એક દિનની પ્રમોશનલ ઇવેન્ટમાં ઇમોશનલ થઈ ગયેલા આમિર ખાનની આંખમાં આવી ગયાં આંસુ

આમિર ખાને રવિવારે દીકરા જુનૈદ ખાનની ફિલ્મ ‘એક દિન’ના પ્રમોશન માટે ‘એક દિન કી મેહફિલ’ નામની ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ખાસ ઇવેન્ટમાં એક તબક્કે આમિર અત્યંત ઇમોશનલ થઈને પોતાની આંખોનાં આંસુ લૂછતો જોવા મળ્યો હતો.


આમિર ખાન માટે ‘એક દિન’ બહુ ખાસ છે કારણ કે તે પહેલાંથી જ ઇચ્છતો હતો કે તેનો દીકરો જુનૈદ આ ફિલ્મથી પોતાનું મોટું ડેબ્યુ કરે. આ ફિલ્મનું નિર્માણ આમિર ખાન પ્રોડક્શન્સ હેઠળ થયું છે અને એનું દિગ્દર્શન સુનીલ પાંડે દ્વારા કરવામાં આવ્યું છે.

આ ઇવેન્ટ દરમ્યાન આમિરે હિરોઇન સાઈ પલ્લવીની પણ દિલથી પ્રશંસા કરતાં કહ્યું કે આજની તારીખે આપણા દેશમાં સૌથી શ્રેષ્ઠ અભિનેત્રી સાઈ પલ્લવી છે. આમિરના આ નિવેદન બાદ સોશ્યલ મીડિયા પર પણ તેના આ નિવેદનની ખૂબ ચર્ચા થઈ છે. સાઈ પલ્લવી માટે પણ આ ફિલ્મ ખૂબ મહત્ત્વની છે કારણ કે આ તેનું હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સત્તાવાર ડેબ્યુ છે.

દીકરા જુનૈદ ખાનની ફિલ્મની પ્રમોશનલ ઇવેન્ટમાં છવાઈ ગયો આમિર ખાન

આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન પહેલી મેના દિવસે રિલીઝ થનારી તેની આગામી ફિલ્મ ‘એક દિન’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે દક્ષિણ ભારતીય અભિનેત્રી સાઈ પલ્લવી સાથે સ્ક્રીન શૅર કરશે. આ ફિલ્મના પ્રમોશન માટે આમિરે ‘એક દિન કી મેહફિલ’ નામની ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ ઇવેન્ટમાં બૉલીવુડના અનેક જાણીતા કલાકારો હાજર રહ્યા હતા પણ સૌથી વધારે ધ્યાન ગર્લફ્રેન્ડ ગૌરી સ્પ્રૅટ અને તેના દીકરા સાથે આવેલા સુપરફિટ આમિરે ખેંચ્યું હતું. આમિરે આ ઇવેન્ટમાં દીકરા જુનૈદ સાથે પોઝ પણ આપ્યા હતા તેમ જ ફિલ્મની હિરોઇન સાઈ પલ્લવીની સાદગીએ ફૅન્સનું દિલ જીતી લીધું હતું.

તૂટી-ફૂટી હિન્દીમાં બોલીને પણ સાઈ પલ્લવીએ જીતી લીધાં દિલ

સાઉથની સુપરસ્ટાર સાઈ પલ્લવી ફિલ્મ ‘એક દિન’ દ્વારા બૉલીવુડમાં ડેબ્યુ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે આમિર ખાનનો દીકરો જુનૈદ ખાન જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ પહેલાં એક પ્રમોશનલ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટમાં સાઈ પલ્લવીએ ઇમોશનલ વક્તવ્ય આપ્યું હતું જેનો વિડિયો ચર્ચામાં છે. સાઈ પલ્લવી પોતાના વક્તવ્યમાં પોતાની તૂટી-ફૂટી હિન્દી માટે માફી માગતી જોવા મળે છે. સાઈ પલ્લવીના આ વર્તને ફૅન્સનાં દિલ જીતી લીધાં હતાં.

આ ઇવેન્ટ દરમ્યાન જ્યારે સાઈ પલ્લવીને બોલવા માટે કહેવામાં આવ્યું ત્યારે તેણે સૌથી પહેલાં પોતાની હિન્દી ભાષાની કચાશ માટે માફી માગતાં તૂટી-ફૂટી હિન્દીમાં કહ્યું કે ‘હું સૌનો આભાર માનું છું, મને હિન્દી આવી જ આવડે છે. મેં હિન્દી બોલવાની કોઈ ખાસ તૈયારી કરી નહોતી. જો મને ખબર હોત કે મારે ઇવેન્ટમાં બોલવું પડશે તો હું ઓછામાં ઓછું થોડું હિન્દી શીખીને આવી હોત.’

આ પછી સાઈ પલ્લવીએ આગળની વાત અંગ્રેજીમાં કરી અને ફિલ્મની કાસ્ટ અને ક્રૂને અદ્ભુત ગણાવ્યાં. પોતાની લાગણી વ્યક્ત કરતાં સાઈ પલ્લવીએ કહ્યું કે ‘આ સાંજ ખૂબ સુંદર છે. જ્યારે હું ઇન્ડસ્ટ્રીમાં મારી સફર તરફ પાછળ વળીને જોઉં છું ત્યારે મને ખબર નથી પડતી કે મેં શું કામ કર્યું છે. મને ખુશી થાય છે કે જે કંઈ પણ મેં કર્યું એના કારણે મને ઘણા પ્રતિભાશાળી લોકો સાથે કામ કરવાની તક મળી.’

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2026 11:53 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK