આ ફિલ્મે રિલીઝના ૩૦મા દિવસે એટલે કે પાંચમા શનિવારે ભારતમાં ૮૦૦ કરોડ રૂપિયાના નેટ કલેક્શનનો આંકડો પાર કર્યો છે
‘ધુરંધર’નો સીન
‘ધુરંધર’ બૉક્સ-ઑફિસ પર જબરદસ્ત પર્ફોર્મન્સ આપી રહી છે. આ ફિલ્મે રિલીઝના ૩૦મા દિવસે એટલે કે પાંચમા શનિવારે ભારતમાં ૮૦૦ કરોડ રૂપિયાના નેટ કલેક્શનનો આંકડો પાર કર્યો છે. આવું કરનાર એ પહેલી હિન્દી ફિલ્મ બની છે અને ઇન્ડસ્ટ્રીમાં એક નવો બેન્ચમાર્ક સ્થાપિત કર્યો છે. હવે આ ફિલ્મ ‘પુષ્પા 2’ના હિન્દી વર્ઝનના ૮૩૦ કરોડ રૂપિયાના હિન્દી લાઇફટાઇમ રેકૉર્ડને તોડવાની દિશામાં આગળ વધી રહી છે.
સામાન્ય રીતે મોટી ફિલ્મો ચોથા કે પાંચમા અઠવાડિયામાં આવતાં-આવતાં ધીમી પડી જાય છે, પરંતુ ‘ધુરંધર’ આ બાબતમાં એક અપવાદ સાબિત થઈ છે. પાંચમા અઠવાડિયાના શુક્રવારે ફિલ્મે આશરે ૯.૭૦ કરોડ રૂપિયાની અને શનિવારે ૧૨.૬૦ કરોડ રૂપિયાની કમાણી કરી હતી. આ સાથે ફિલ્મનું કુલ ભારતીય નેટ કલેક્શન વધીને ૮૦૬.૮૦ કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે.
આમ ‘ધુરંધર’ ૩૦મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે. આ પહેલાં ૩૦મા દિવસે સૌથી વધુ કમાણી કરવાનો રેકૉર્ડ વિકી કૌશલની ગયા વર્ષે રિલીઝ થયેલી ફિલ્મ ‘છાવા’ પાસે હતો, પરંતુ ‘ધુરંધર’એ આ રેકૉર્ડ તોડી નાખ્યો છે. ૩૦મા દિવસે સૌથી વધુ કમાણી કરનારી ટૉપ હિન્દી ફિલ્મોની યાદીમાં હવે ‘ધુરંધર’ ટોચ પર છે.


