તેની પાસે આનંદ એલ. રાય અને રાકેશ ઓમપ્રકાશ મેહરાના પ્રોજેક્ટની ઑફર, ૧૦ સ્ક્રિપ્ટને તો અહાને ના પાડી દીધી, રિપોર્ટ પ્રમાણે અહાન હાલમાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ કરી રહ્યો છે જે ગૅન્ગસ્ટરની લવસ્ટોરી છે.
અહાન પાંડે
‘સૈયારા’ની રેકૉર્ડબ્રેક સફળતા પછી અનેક મોટા ફિલ્મમેકર્સ પોતાની ફિલ્મમાં અહાન પાંડેને સાઇન કરવા માગે છે, પણ અહાન બહુ ધીરજપૂર્વક પ્રોજેક્ટ પસંદ કરી રહ્યો છે. રિપોર્ટ પ્રમાણે અહાન હાલમાં ડિરેક્ટર અલી અબ્બાસ ઝફરની ફિલ્મ કરી રહ્યો છે જે ગૅન્ગસ્ટરની લવસ્ટોરી છે. મળતી માહિતી પ્રમાણે આનંદ એલ. રાયે પણ અહાન પાંડેનો પોતાની આગામી ફિલ્મ માટે સંપર્ક કર્યો છે. જોકે અહાન હાલમાં સંપૂર્ણ સ્ક્રિપ્ટ વાંચી રહ્યો છે અને ત્યાર બાદ જ ફિલ્મ સાઇન કરવાનો નિર્ણય લેશે. આ સિવાય જાણીતા દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મેહરાએ પણ અહાન પાંડેને એક મોટા પ્રોજેક્ટ માટે ઑફર આપી છે. આ ફિલ્મનું નામ ‘કર્ણ’ હોવાનું કહેવાય છે જે કર્ણના પાત્ર પરથી પ્રેરિત ભવ્ય ઍક્શન ફિલ્મ હોઈ શકે છે. અહાનને પણ આ પ્રોજેક્ટનું વિઝન ખૂબ રસપ્રદ લાગ્યું છે અને તે ટૂંક સમયમાં એના વિશે નિર્ણય લઈ શકે છે. રસપ્રદ વાત એ છે કે અનેક ઑફર મળવા છતાં અહાન ઉતાવળમાં ફિલ્મો સાઇન કરી રહ્યો નથી. રિપોર્ટ્સ મુજબ તેણે અત્યાર સુધી લગભગ ૧૦ સ્ક્રિપ્ટ્સને ના પાડી દીધી છે. તે એવી જ ફિલ્મો કરવા ઇચ્છે છે જે દર્શકોને ગમે અને તેની અપેક્ષાઓ પર ખરી ઊતરે.
