અક્ષય કુમાર કહે છે કે તેને કમ્પ્યુટર-જનરેટેડ ઇફેક્ટ્સવાળા સ્ટન્ટ કરવામાં મજા નથી આવતી, બૉલીવુડના ઍક્શનસ્ટાર અક્ષય કુમારનું કહેવું છે કે તે ફરીથી રિયલ ઍક્શનવાળી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે.
હું રિયલ ઍક્શન ફિલ્મ કરવા માગું છું, AI ઇફેક્ટવાળી નહીં
બૉલીવુડના ઍક્શનસ્ટાર અક્ષય કુમારનું કહેવું છે કે તે ફરીથી રિયલ ઍક્શનવાળી ફિલ્મોમાં કામ કરવા ઇચ્છે છે. અક્ષયે ફિલ્મોમાં વધતી જતી VFX અને આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ (AI) પરની નિર્ભરતા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે. ૫૮ વર્ષના અક્ષયે સ્પષ્ટ કહ્યું છે કે તે પોતાના સ્ટન્ટ્સ પોતે જ કરવા માગે છે અને કમ્પ્યુટર-જનરેટેડ ઇફેક્ટ્સવાળા સ્ટન્ટ કરવામાં તેને મજા નથી આવતી.
પોતાની આ લાગણી વ્યક્ત કરતાં અક્ષયે કહ્યું હતું કે ‘આજકાલ ઍક્શન ફિલ્મ બનાવવાની રીતમાં ઘણો ફેર આવ્યો છે. અગાઉ ઍક્શન સીન સાચા લાગતા હતા, પણ હવે બધું VFXથી બને છે જે મને નકલી લાગે છે. હું એવી ફિલ્મ બનાવવા ઇચ્છું છું જેમાં ઍક્શન સાચી હોય. જો હું કૂદકો મારીશ તો સાચો જ મારીશ અને જો કિક મારીશ તો પણ કમ્પ્યુટર અથવા અન્ય લોકોની મદદ વગર સાચી જ મારીશ. AIના યુગમાં પણ હું એવી ઍક્શન ફિલ્મ બનાવવા ઇચ્છું છું જે જોઈને દર્શકોને સાચી મહેનતનો અનુભવ થાય. જેમ પેઇન્ટિંગ અને ડિજિટલ પ્રિન્ટમાં મોટો ફરક હોય છે એવી જ રીતે રિયલ ઍક્શન અને AI આધારિત ઍક્શનમાં મોટો ફરક હોય છે. ડિજિટલ વસ્તુ પર્ફેક્ટ લાગે છે, પરંતુ હાથે બનાવેલી કૃતિમાં જે ખામી હોય છે એ જ એને સાચી અને જીવંત બનાવે છે. હું મારી ફિલ્મોમાં આવું જ રિયલ પેઇન્ટિંગ સર્જવા માગું છું.’
