અમિતાભ બચ્ચને બ્લૉગમાં જણાવ્યું કે એ સમયની વર્કિંગ સ્ટાઇલમાં અમને પાત્ર માટેની તૈયારી કરવાનો સમય જ નહોતો મળતો, ગુરુવારે રાત્રે અમિતાભે પોતાના બ્લૉગમાં ફિલ્મમેકિંગમાં વર્ષો દરમ્યાન આવેલા બદલાવ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને લખ્યું છે...
અમિતાભ બચ્ચન
૮૩ વર્ષના અમિતાભ બચ્ચને મનોરંજન જગતમાં લગભગ ૫૭ વર્ષ વિતાવ્યાં છે અને ભારતીય સિનેમાને અનેક યાદગાર પાત્રો આપ્યાં છે. અમિતાભે પોતાના બ્લૉગમાં જણાવ્યું છે કે આજના સમયમાં શૂટિંગ પહેલાં પાત્ર માટેની તૈયારી ફિલ્મમેકિંગનો મહત્ત્વપૂર્ણ ભાગ બની ગઈ છે, જ્યારે તેમના શરૂઆતના સમયમાં આવું નહોતું.
ગુરુવારે રાત્રે અમિતાભે પોતાના બ્લૉગમાં ફિલ્મમેકિંગમાં વર્ષો દરમ્યાન આવેલા બદલાવ અંગે પોતાના વિચારો વ્યક્ત કર્યા છે અને લખ્યું છે, ‘અમારી પેઢી અને એ પહેલાંના સમયમાં શૂટિંગ પહેલાંની તૈયારી જેવો શબ્દ કે વિચાર જ નહોતો. હવે તો આ સામાન્ય શબ્દ બની ગયો છે, જ્યાં લોકો પોતાના કામ માટે પહેલેથી જ તૈયારી કરે છે. મારા માટે તો આ સંપૂર્ણપણે નવો વિચાર હતો. આજે હું જોઉં છું કે સર્જનાત્મક કલાકારો પાત્રમાં ઢળવા માટે લુક, સ્ટાઇલ અને પાત્રના ઊંડાણપૂર્વકના વિશ્ળેષણ માટે કેટલો પરિશ્રમ અને સમર્પણ કરે છે. આ ખૂબ જ યોગ્ય અને વિચારપૂર્વકની પ્રક્રિયા છે. જે લોકો આ બાબતને ગંભીરતાથી લઈને સંપૂર્ણ તૈયારી સાથે કામ કરે છે તેમના પ્રત્યે મને ખૂબ આદર છે. અમારા સમયની વાત અલગ હતી. અમે એકસાથે ૧૦થી ૧૫ ફિલ્મોમાં કામ કરતા હતા અને ઘણી વખત એક જ દિવસે બે કે ત્રણ અલગ-અલગ ફિલ્મોનાં શૂટિંગમાં હાજર રહેતા હતા. આવી સ્થિતિમાં એક પાત્ર માટે તૈયારી કરવી અને બીજા માટે ન કરવી એ શક્ય જ નહોતું. ઘણા લોકો મને પૂછે છે કે એક જ દિવસે
અલગ-અલગ ફિલ્મોનાં જુદાં-જુદાં પાત્રોમાં તમે કેવી રીતે સરળતાથી ઢળી જતા હતા? ભાઈસાહેબ, જો અમે એવું ન કરતા હોત તો સતત એ ડર રહેતો કે આગળ કામ મળશે કે નહીં. તેથી જે કહેવામાં આવતું એને સંપૂર્ણ નિષ્ઠા સાથે કરવાનો પ્રયત્ન કરતા. આ પછી મહિનાઓ સુધી ફિલ્મ રિલીઝ થવાની રાહ જોતા અને વિચારતા કે અમે એમાં શું કર્યું અને કેવી રીતે કર્યું.’
