કરીઅરની શરૂઆતના દિવસોમાં અનિલ કપૂરને પૈસાની ખૂબ જ તંગી રહેતી હતી
અનિલ કપૂર દીકરી સોનમ કપૂર આહુજા અને નેહા ધુપિયા સાથે હાલમાં એક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. અનુરાગ અહિરે
અનિલ કપૂરનું કહેવું છે કે તેની પત્ની સુનીતાએ પૈસાની કટોકટી હતી ત્યારે ખૂબ જ મદદ કરી હતી. તેમના લગ્નજીવનને પચાસ વર્ષ થઈ ગયાં છે. અનિલ કપૂર તેની દીકરી સોનમ કપૂર આહુજા સાથે હાલમાં જ એક ઇવેન્ટમાં જોવા મળ્યો હતો. આ દરમ્યાન તેના શરૂઆતના દિવસો વિશે અનિલ કપૂરે કહ્યું હતું કે ‘મારી લાઇફની શરૂઆત ત્યારે થઈ હતી જ્યારે હું સુનીતાને મળ્યો હતો. અમે પચાસ વર્ષથી સાથે છીએ. હું તેને જ્યારે મળ્યો હતો ત્યારે હું ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો હતો અને ત્યારે તેણે ઘણી જવાબદારીઓ પોતે ઉઠાવી લીધી હતી. આ જ રીતે અમે એકબીજાની મુશ્કેલીઓને ઉઠાવી લઈએ છીએ. પૈસાની જ્યાં વાત હોય ત્યાં તે આગળ આવે છે અને જવાબદારી ઉપાડી લે છે. ફક્ત ઘરનું જ કામ તે કરે છે એવું નથી. એક સમય હતો જ્યારે હું નાની-નાની વસ્તુઓ પણ નહોતો ખરીદી શકતો. મારે તેને કહેવાની જરૂર નહોતી પડતી, તે જાતે જ એ કરી લેતી હતી. અમે જ્યારે ડેટિંગ કરી રહ્યાં હતાં ત્યારે મારે કશે જવું હોય, સારી રેસ્ટોરાંમાં જવું હોય ત્યારે એ બધું સુનીતા કરતી હતી. તેને ખબર પડી જતી કે મારી પાસે પૈસા નથી એથી તે જ પહેલાં બિલ ચૂકવી દેતી હતી.’

