ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ
શાહરુખ ખાન, અનિલ કપૂર
‘પઠાન’ પછી શાહરુખ ખાન અને સિદ્ધાર્થ આનંદ હવે સાથે મળીને ઍક્શનથી ભરપૂર ફિલ્મ ‘કિંગ’નું નિર્માણ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણ મુખ્ય ભૂમિકામાં છે; જ્યારે અભિષેક બચ્ચન, સુહાના ખાન, અર્શદ વારસી અને અભય વર્મા મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મ હાલ પ્રી-પ્રોડક્શન તબક્કામાં છે. ફિલ્મનું શૂટિંગ ભારત અને વિદેશમાં થશે અને ઑક્ટોબરથી ડિસેમ્બર ૨૦૨૬ વચ્ચે ફિલ્મ રિલીઝ કરવાનું પ્લાનિંગ છે.
આ ફિલ્મ સાથે સંકળાયેલી લેટેસ્ટ અપડેટ પ્રમાણે સિદ્ધાર્થ આનંદે ‘કિંગ’માં મહત્ત્વની ભૂમિકા માટે અનિલ કપૂરને સાઇન કર્યો છે. ‘કિંગ’માં શાહરુખ પ્રોફેશનલ કિલરના રોલમાં છે, જ્યારે અનિલ કપૂર તેના હૅન્ડલર તરીકે જોવા મળશે. આ ભૂમિકા માટે અનેક કલાકારોનાં નામ વિચારણામાં હતાં, પરંતુ ટીમને સર્વસંમતિથી લાગે છે કે અનિલ કપૂર આ ભૂમિકા માટે યોગ્ય છે. અનિલ પણ શાહરુખ સાથે આ મેગા-બજેટ ઍક્શન ફિલ્મમાં કામ કરવા ઉત્સાહી છે.
ADVERTISEMENT
‘કિંગ’ને નડ્યો ભારત-પાકિસ્તાનનો તનાવ
૨૦૨૩માં ‘પઠાન’, ‘જવાન’ અને ‘ડંકી’ જેવી ત્રણ સફળ ફિલ્મો દ્વારા શાહરુખ ખાને બૉક્સ-ઑફિસ પર શાનદાર કમબૅક કર્યું હતું. હવે શાહરુખની આગામી ફિલ્મ ‘કિંગ’ની ચર્ચા છે. શાહરુખની આ ફિલ્મમાં તેની સાથે તેની દીકરી સુહાના પણ છે. આ ફિલ્મ વિશે લેટેસ્ટ અપડેટ છે કે આ ફિલ્મનું શૂટિંગ હાલ પૂરતું મુલતવી રાખવામાં આવ્યું છે.
થોડા દિવસ પહેલાં એવા સમાચાર આવ્યા હતા કે ૧૬ મેથી શાહરુખ ખાન અને સુહાના ખાનની ‘કિંગ’નું શૂટિંગ શરૂ થઈ શકે છે, પરંતુ હવે રિપોર્ટ છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તનાવને કારણે આ ફિલ્મનું શૂટિંગ-શેડ્યુલ હાલ પૂરતું મોકૂફ રાખવામાં આવ્યું છે. હકીકત એ છે કે મેકર્સ આ માહોલમાં ફિલ્મનું શૂટિંગ કરવા નથી માગતા એથી તેને હવે થોડા વધુ દિવસ માટે પોસ્ટપોન કરવામાં આવ્યું છે. જોકે આ મામલે હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી.

