સૂરજ બડજાત્યાની ૬૨મી વર્ષગાંઠે અનુપમ ખેરે આપી પ્રેમભરી શુભેચ્છા
અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો હતો
રવિવારે ફિલ્મમેકર સૂરજ બડજાત્યાની ૬૨મી વર્ષગાંઠ હતી. આ દિવસે અનુપમ ખેરે જન્મદિનની હાર્દિક શુભેચ્છા પાઠવી અને તેમની લાંબી ફિલ્મી સફરને યાદ કરી હતી. અનુપમ ખેરે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં એક વિડિયો શૅર કર્યો જેમાં તેઓ સૂરજ બડજાત્યાના શર્ટ પર ભારતનો બૅજ લગાડવામાં મદદ કરતા જોવા મળે છે. અનુપમે પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટમાં સંદેશ લખ્યો હતો કે ‘તમારો શાંત અને ગૌરવપૂર્ણ સ્વભાવ તમને સાચા અર્થમાં રાષ્ટ્રીય ધરોહર બનાવે છે. તમે જે પ્રકારનાં મૂલ્યો, સંબંધો, આસ્થા અને સકારાત્મકતાથી ભરપૂર ફિલ્મો બનાવો છો એવી ફિલ્મો આજના સમયમાં બહુ ઓછા લોકો બનાવવાની હિંમત કરે છે. તમને જાણવું એટલે દયા, કરુણા, ઈમાનદારી અને ખુશીનો અહેસાસ કરવો. કોઈ દેખાડા વગર તમે તમારી ફિલ્મોમાં દેશના આત્માને જીવંત રાખો છો.’
આ પોસ્ટમાં અનુપમે પોતાની પહેલી ફિલ્મ ‘સારાંશ’ના દિવસોને યાદ કરતાં જણાવ્યું હતું કે સૂરજ બડજાત્યા આ ફિલ્મમાં અસિસ્ટન્ટ હતા અને ત્યારથી લઈને આજ સુધી તેમને સૂરજ બડજાત્યાની સફરને નજીકથી જોવાનો મોકો મળ્યો છે. વિડિયોમાં અનુપમે પ્રતીકાત્મક રીતે સૂરજ બડજાત્યાના શર્ટ પર ભારતનું નાનું સુવર્ણ ચિહ્ન લગાડવાનું કારણ સમજાવતાં કહ્યું હતું કે ‘તમે જે વાર્તાઓ કહો છો અને જે મૂલ્યો ઊજવો છો એ આપણા દેશના આત્માનું પ્રતિનિધિત્વ કરે છે. તમે તમારા દિલમાં અને સિનેમામાં ભારતને સાથે લઈને ચાલો છો.’
