મુગલોએ તો મંદિરમાં મહિલાઓ પર અત્યાચાર આચર્યો હતો, એની સરખામણીમાં દાનચોરીનો મામલો બહુ નાનો છે એવું બોલ્યા એટલે થઈ રહી છે ભારે ટીકા
અનુપમ ખેર
અયોધ્યાના રામ મંદિરમાં થયેલી દાનચોરીના મામલે અનુપમ ખેરનું એક નિવેદન ભારે ચર્ચામાં આવ્યું છે અને આ નિવેદન બાદ તે સોશ્યલ મીડિયામાં ટ્રોલ થઈ રહ્યા છે. હકીકતમાં અનુપમ ખેરે રામ મંદિરની દાનચોરીને ‘નાની બાબત’ ગણાવી હતી અને એની સરખામણી મુગલ શાસનકાળ દરમ્યાન થયેલી લૂંટ અને અત્યાચાર સાથે કરી હતી.
રામ મંદિરની દાનચોરી વિશે વાત કરતાં અનુપમ ખેરે કહ્યું હતું કે ‘લોકો આ મુદ્દાને ખૂબ મોટો બનાવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે મંદિરમાં લૂંટ મચી ગઈ. મંદિરોમાં સાચી લૂંટ તો ત્યારે થઈ હતી જ્યારે મુગલોએ આપણાં મંદિરો તોડી નાખ્યાં હતાં, જ્યારે મુગલ શાસકોએ બ્રાહ્મણોની હત્યા કરી હતી અને તેમની એક મણ જનોઈઓને ભેગી કરીને તોડી હતી, જ્યારે અનેક મુગલ શાસકો અહીંથી મંદિરોની કીમતી વસ્તુઓ લઈ ગયા હતા, જ્યારે મંદિર પરિસરમાં મહિલાઓ પર અત્યાચાર થયા હતા. એ બહુ મોટો મુદ્દો હતો. જો આપણે એમાંથી બહાર આવી શક્યા છીએ તો આ ચોરીની ઘટના એની સરખામણીએ ખૂબ નાની બાબત છે.’
જોકે અનુપમ ખેરનું આ નિવેદન સોશ્યલ મીડિયામાં વાઇરલ થયું હતું અને લોકો આવી સરખામણીને અતાર્કિક ગણાવીને તેમને બહુ ટ્રોલ કરી રહ્યા છે. જોકે અનુપમ ખેર પણ આ ટ્રોલિંગનો હિંમતથી સામનો કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર ટીકા વધ્યા બાદ અનુપમ ખેરે એક પોસ્ટ શૅર કરી હતી જેમાં લખ્યું હતું કે ‘ઈમાનદાર વ્યક્તિની સૌથી મોટી સંપત્તિ તેની નિર્ભયતા હોય છે. જેના મનમાં ચોરી નથી, તેની નજર ક્યારેય ઝૂકતી નથી.’
