આગ્રાના એક ઘરમાં ફ્રિજરમાં શિવલિંગ જેવા આકારમાં બરફની આકૃતિ બનવાની ઘટના સોશિયલ મીડિયા પર ચર્ચામાં આવી હતી. જોકે નિષ્ણાતો મુજબ આ કોઈ ચમત્કાર નથી પરંતુ ડાયરેક્ટ કૂલિંગ ફ્રિજમાં બરફ જમવાની સામાન્ય પ્રક્રિયા છે. જાણો તેની પાછળનું વૈજ્ઞાનિક કારણ.
ફ્રિજરમાં જામેલા બરફનો શિવલિંગ આકાર દર્શાવતા વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીનગ્રૅબ
ઉત્તર પ્રદેશના આગ્રામાં ફ્રિજમાં શિવલિંગ જેવી બરફની આકૃતિ બનવાનો મામલો થોડા દિવસો પહેલા સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. આ બરફની આકૃતિ જોવા માટે લોકોની ભીડ પણ એકઠી થઈ ગઈ હતી અને કેટલાક લોકોએ તેને ધાર્મિક આસ્થા સાથે જોડીને ચઢાવો પણ શરૂ કરી દીધો હતો. ઘણા લોકો આ આકૃતિને અમરનાથના પવિત્ર શિવલિંગ સાથે સરખાવી રહ્યા હતા. પરંતુ ટૅક્નિકલ રીતે જોવામાં આવે તો આ કોઈ ચમત્કાર નથી. આ ડાયરેક્ટ કૂલિંગ ટૅક્નોલોજી પર ચાલતા સામાન્ય ફ્રિજમાં થતી એક કુદરતી પ્રક્રિયા છે.
કયા ફ્રિજમાં બને છે આવી બરફની આકૃતિ?
ADVERTISEMENT
જે ફ્રિજમાં પાછળની બાજુ કાળા રંગની જાળી હોય છે, તે સામાન્ય રીતે ડાયરેક્ટ કૂલિંગ ફ્રિજ હોય છે. આ પ્રકારના ફ્રિજમાં ફ્રીજરમાં જમેલો બરફ પોતાની જાતે ઓગળતો નથી. જેના લીધે તેમાં ડિફ્રોસ્ટ બટન આપવામાં આવે છે, જેથી વધારે બરફ જામી ન જાય. બીજી તરફ ફ્રોસ્ટ ફ્રી ફ્રિજમાં બરફ જમવાની અને ઓગળવાની પ્રક્રિયા આપમેળે થતી રહે છે. આ કારણે આવા ફ્રિજમાં વધારે બરફ કે શિવલિંગ જેવી આકૃતિ બનવાની શક્યતા ખૂબ ઓછી હોય છે.
ફ્રિજમાં શિવલિંગ જેવી આકૃતિ કેવી રીતે બને છે?
ડાયરેક્ટ કૂલિંગ ફ્રિજમાં ફ્રીજરની અંદર તાપમાન ખૂબ ઓછું રહે છે. આ કારણે બરફ લાંબા સમય સુધી ઓગળતો નથી. ફ્રિજનું કમ્પ્રેસર સમયાંતરે ચાલુ અને બંધ થતું રહે છે જેથી તાપમાન જળવાઈ રહે. આ પ્રક્રિયા દરમિયાન ફ્રીજરની ઉપરની સપાટી પર રહેલો બરફ થોડો ઓગળે છે. પછી પાણીના ટીપાં એક જ જગ્યાએ ટપકે છે અને ફરીથી જામી જાય છે. આ રીતે ટીપે ટીપે બરફની નવી પરત બનતી જાય છે. ધીમે-ધીમે આ બરફ નીચે ફેલાવાની જગ્યાએ ઉપરની તરફ વધે છે. આ જ પ્રક્રિયાને કારણે ઘણી વખત બરફ શિવલિંગ જેવી આકૃતિ ધારણ કરી લે છે.
View this post on Instagram
વધારે બરફ જમવો ફ્રિજ માટે નુકસાનકારક છે
ફ્રીજરમાં વધારે બરફ જામી જાય તો ફ્રિજની કૂલિંગ ક્ષમતા ઓછી થઈ શકે છે. બરફની જાડી પરત ફ્રિજની અંદરની ગરમી બહાર જવા દેતી નથી. આ કારણે ઠંડક જાળવવા માટે કમ્પ્રેસરને વધુ મહેનત કરવી પડે છે. કમ્પ્રેસર વધારે સમય ચાલવાથી વીજળીનો વપરાશ પણ વધી શકે છે. કેટલાક કિસ્સામાં વધારે બરફ જામવાથી ગૅસ લીક અથવા બ્લૉકેજ જેવી સમસ્યા પણ થઈ શકે છે. આ કારણે ફ્રિજ લાંબા સમય સુધી બંધ રાખવું પડી શકે છે.
ફ્રિજમાં વધારે બરફ જામે તો શું કરવું?
જો ફ્રિજના ફ્રીજરમાં વધારે બરફ જામી જાય તો તેને સમયસર ડિફ્રોસ્ટ કરવું જોઈએ. ડિફ્રોસ્ટ કરવાથી ફ્રિજ સારી રીતે કામ કરે છે. સાથે જ કમ્પ્રેસર પર વધારે ભાર પડતો નથી અને ફ્રિજનું આયુષ્ય પણ વધે છે. એટલે ફ્રિજમાં બનેલી શિવલિંગ જેવી બરફની આકૃતિને ચમત્કાર માનવાની જગ્યાએ તેની પાછળનું ટૅક્નિકલ કારણ સમજવું વધુ યોગ્ય છે.
