બાબિલ ખાને કહ્યું કે હું પણ મારા પપ્પાની જેમ મારા નામમાંથી અટક હટાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું
બાબિલ ખાન
બૉલીવુડમાં અનેક સ્ટારકિડ્સ કરીઅર બનાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. જોકે એક સેલિબ્રિટી સંતાન એવું છે જેણે પોતાના પપ્પાની જેમ જ દમદાર ઍક્ટિંગ કરીને પોતાની ખાસ જગ્યા બનાવી છે. હવે આ સ્ટારસંતાન પોતાની અટક ‘ખાન’ પણ નામમાંથી હટાવી દેવા માગે છે. આ સ્ટારકિડ છે દિવંગત ઇરફાન ખાનનો દીકરો બાબિલ ખાન. બાબિલે આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યુમાં કર્યો છે.
બાબિલે ૨૦૨૨માં આવેલી ફિલ્મ ‘કલા’માં તૃપ્તિ ડિમરી સાથે કામ કરીને કરીઅરની શરૂઆત કરી હતી. તેણે આ ફિલ્મમાં ઍક્ટિંગ કરીને બધાનાં દિલ જીતી લીધાં હતાં. બાબિલના પપ્પા ઇરફાન તેમની દમદાર ઍક્ટિંગને કારણે જાણીતા હતા. તેમણે બૉલીવુડની સાથે-સાથે હૉલીવુડ ફિલ્મોમાં પણ નોંધપાત્ર કામ કર્યું છે. જોકે ૨૦૨૦ની ૨૯ એપ્રિલે તેમનું નિધન થયું હતું. બાબિલે પણ પપ્પાની જેમ જ ઍક્ટિંગના ફીલ્ડને અપનાવ્યું છે.
ADVERTISEMENT
બાબિલે હાલમાં આપેલા એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે ‘મારા પપ્પાએ પણ તેમના નામમાં ‘ખાન’ અટકને સ્થાન નહોતું આપ્યું અને હું પણ મારા પપ્પાની જેમ મારા નામમાંથી અટક હટાવવાનું પ્લાનિંગ કરી રહ્યો છું. આ પાકો નિર્ણય નથી, પણ આ મામલે હું ગંભીરતાથી વિચારી રહ્યો છું. અટક તમને એક ઇમેજ સાથે બાંધી રાખે છે અને તમે તમારા અસ્તિત્વને શોધી નથી શકતા. હું મારા અસ્તિત્વને શોધવા માગું છું.’

